પાછોતરા સત્રમાં વેચવાલીના દબાણે સેન્સેક્સમાં સત્રનો ૮૦૭ પૉઈન્ટનો સુધારો ધોવાઈને અંતે ૭૬ પૉઈન્ટનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાના સંકેત સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ધોવાણ થયા બાદ આજે રોકાણકારોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતા સત્ર દરમિયાન બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં એક તબક્કે ૮૦૭ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૬૩ પૉઈન્ટનો સુધારો આવ્યા બાદ પાછોતરા સત્રમાં વેચવાલીનું દબાણ વધતાં સત્રના અંતે સેન્સેક્સ ૭૬.૭૧ પૉઈન્ટના અને નિફ્ટી ૮.૨૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે ચાર સત્રના વર્તમાન સપ્તાહમાં સેન્સેક્સમાં ૩.૧૧ ટકા અથવા તો ૧૮૩૬.૯૫ પૉઈન્ટનું અને નિફ્ટીમાં ૨.૯૨ ટકા અથવા તો ૫૧૫.૨૦ પૉઈન્ટનું ગાબડું પડ્યું છે.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૭,૨૭૬.૯૪ના બંધ સામે સુધારાના ટોને ૫૭,૭૯૫.૧૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૭,૧૧૯.૨૮ અને ઉપરમાં ૫૮,૦૮૪.૩૩ સુધી વધ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૦.૧૩ ટકા અથવા તો ૭૬.૭૧ પૉઈન્ટ ઘટીને ૫૭,૨૦૦.૨૩ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૧૧૦.૧૫ના બંધ સામે ૧૭,૨૦૮.૩૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૦૭૭.૧૦થી ૧૭,૩૭૩.૫૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૦૫ ટકા અથવા તો ૮.૨૦ પૉઈન્ટ ઘટીને ૧૭,૧૦૧.૯૫ના મથાળે બંધ રહ્યો હતો.
ગઈકાલની નરમાઈ બાદ આજે એકંદરે બજારનો આરંભ આકર્ષક સુધારા સાથે થયો હતો, પરંતુ મધ્ય સત્ર બાદ ખાસ કરીને યુરોપના બજારોમાં જોવા મળેલી નરમાઈ, અમેરિકી ફેડરલ રિઝર્વ નાણાનીતિ તંગ કરે તેવી શક્યતા અને રશિયા-યુક્રેઈન વચ્ચેનો રાજકીય-ભૌગોલિક તણાવ સપાટી પર આવતા બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આજે આઈટી, રિયલ્ટી, મિડકેપ અને સ્મોલકેપમાં ગઈકાલ સુધી આક્રમક વેચવાલી રહ્યા બાદ બાઉન્સબૅક જોવા મળ્યું હતું તેમ જ આ જ પ્રકારનું વલણ યુરોપ અને ઉભરતા અર્થતંત્રોની બજારમાં પણ જોવા મળ્યું હતું.
વધુમાં સ્થાનિકમાં દરિયાપારના રોકાણકારોની આક્રમક વેચવાલીને કારણે બજાર વધુ દબાણ હેઠળ આવી રહી હોવાનું એમકે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સપ્તાહ દરમિયાન બજારમાં વધઘટનો આધાર બજેટના આશાવાદ પર અવલંબિત રહે તેમ જણાય છે.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૪ શૅરના ભાવ વધીને અને ૧૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૩.૮૯ ટકાનો વધારો એનટીપીસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સન ફાર્મામાં ૧.૮૫ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૭૨ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૩૮ ટકાનો, વિપ્રોમાં ૧.૩૭ ટકાનો અને આઈટીસીમાં ૧.૩૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૯૯ ટકાનો ઘટાડો મારુતિ સુઝુકીમાં જોવા મળ્યો હતો. આ સિવાય ટેક મહિન્દ્રામાં ૨.૪૩ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૨.૧૪ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૬૨ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૧.૦૮ ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૦૭ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં બીએસઈ હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૧.૧૦ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૦૭ ટકાનો, બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૦.૯૦ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૮૮ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૮૭ ટકાનો અને ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૭૮ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે આજે બીએસઈ ખાતે માત્ર બૅન્કેક્સ, ઑટો, ફાઈનાન્સ, કેપિટલ ગૂડ્સ અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં ૦.૧૧ ટકાથી ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. જોકે આજે બૅન્ચમાર્કની સરખામણીમાં લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૦૭ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.
વ્યાજદર વધારા માટે ફેડરલના આક્રમક વલણને ધ્યાનમાં લેતા આજે એશિયાની બજારમાં મિશ્ર વલણ રહેતાં ટોકિયો અને સિઉલની બજાર સુધારા સાથે અને શાંઘાઈ તથા હૉંગકૉંગની બજાર નરમાઈના ટોને બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્ય સત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૨ ટકા વધીને બેરલદીઠ ૮૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.