રશિયા-યુક્રેઈનનો તણાવ અને ફેડરલ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા વિશ્ર્વ બજાર પાછળ સેન્સેક્સમાં બે મહિનાનો સૌથી મોટો ૧૫૪૬ પૉઈન્ટનો કડાકો, નિફ્ટી ૪૬૮ પૉઈન્ટ તૂટયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને ડામવા માટે આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના તેમ જ રશિયા અને યુક્રેઈન વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થયાના નિર્દેશો સાથે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં પણ સતત પાંચમાં સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ વેચવાલીના દબાણે ઑલ ફોલ ડાઉનનું વલણ જોવા મળ્યું હતું, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં બે મહિનાનો સૌથી મોટો ૧૫૪૫.૬૭ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો અને ૫૮,૦૦૦ની સપાટીની અંદર સરકી ગયો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૪૬૮.૦૫ પૉઈન્ટ તૂટ્યો હતો. આજે સત્રના આરંભે સેન્સેક્સ ગત શુક્રવારના ૫૯,૦૩૭.૧૮ના બંધ સામે નરમાઈના ટોને ૫૯,૦૨૩.૯૭ની સપાટીએ ખૂલ્યો હતો અને સત્ર દરમિયાન ઊંચી સપાટી પણ ખૂલતી ૫૯,૦૨૩.૯૭ની સપાટી અને નીચામાં ૫૬,૯૮૪.૦૧ સુધી અથવા તો ૨૦૫૩.૧૭ પૉઈન્ટ સુધી ગબડ્યા બાદ અંતે આગલા બંધથી ૨.૬૨ ટકા અથવા તો ૧૫૪૫.૬૭ પૉઈન્ટ ઘટીને ૫૭,૪૯૧.૫૧ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૭,૬૧૭.૧૫ના બંધ સામે ૧૭,૫૭૫.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૬,૯૯૭.૮૫ અને ઉપરમાં ૧૭,૫૯૯.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ૨.૬૬ ટકા અથવા તો ૪૬૮.૦૫ પૉઈન્ટ તૂટીને ૧૭,૧૪૯.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં ગત ૨૬ નવેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
ગત ડિસેમ્બરના મધ્યથી ઈક્વિટી માર્કેટમાં પુલબેક જોવા મળ્યા બાદ છેલ્લાં કેટલાંક સત્રથી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે ને તાજેતરની ઊંચી સપાટીએથી સાત ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. આજે તમામ ક્ષેત્રના શૅરોમાં અને માર્કેટકેપમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં નવાં લિસ્ટેડ થયેલા આઈપીઓના શૅર પણ બાકાત ન હોવાનું જુલિયસ બૅરના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિલિંદ મુછાળાએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વિશ્ર્વ બજાર પાછળ કડાકા જોવા મળ્યા છે. વધુમાં જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક બજારમાં વેચવાલીનું દબાણ, ત્રીજા ત્રિમાસિકગાળાના અપેક્ષા કરતાં નબળા કોર્પોરેટ પરિણામ અને અંદાજપત્ર પૂર્વે રોકાણકારોની વેચવાલી અને નવી લેવાલીમાં નિરુત્સાહને કારણે રોકાણકારોનું માનસ ખરડાઈ જતાં કડાકો વેગીલો બન્યો હતો. હવે રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થતી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.
આજે સેન્સેક્સ હેઠળના તમામ ૩૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૫.૯૮ ટકાનો ઘટાડો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં ૫.૯૭ ટકાનો, વિપ્રોમાં ૫.૩૫ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૫.૧૪ ટકાનો, ટિટાનમાં ૪.૯૭ ટકાનો અને રિલાયન્સમાં ૪.૦૬ ટકાનો ઘટાડો થયો હતો. વધુમાં આજે સેક્ટર અનુસાર બીએસઈના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં બીએસઈ રિયલ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ ૫.૯૪ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૫.૦૩ ટકાનો, બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૪.૪૭ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૪.૧૪ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૩.૯૯ ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૩.૯૦ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયા ખાતે હૉંગકૉંગ અને સિઉલની બજાર ઘટાડા સાથે અને ટોકિયો તથા શાંઘાઈની બજાર સુધારાના ટોને બંધ રહી હતી. તેમ જ આજે મધ્ય સત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું હોવાના અહેવાલ હતા.