સેન્સેક્સ ૧૧૧૫ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૫૫,૦૦૦ની નીચે ફસડાયો, નિફ્ટીએ ૧૬,૪૫૦ની સપાટી તોડી

મુંબઇ: બેન્ક ઓફ ઇંગલેન્ડ દ્વારા વ્યાજદરમાં વધારો તેમ જ ફેડરલના પગલા ચાલીસ વર્ષ ઊંચી સપાટીએ પહોંચેલા ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા માટે અપર્યાપ્ત હોવાના તર્ક ડહોળાયેલા માનસ વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારના જોરદાર ધોવાણ સાથે સ્થાનિક બજારમાં પણ સાર્વત્રિક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ઊંધા માથે પટકાયો હતો અને ૮૬૬ પોઇન્ટના કડાકા સાથે ૫૫,૦૦૦ પોઇન્ટની નીચે ગબડી પડ્યો હતો. વૈશ્ર્વિક સ્તરે ઇન્ફ્લેશનની ચિંતા અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં વધારા સાથે મંદીની ચેતવણી જાહેર થવાથી વૈશ્ર્વિક બજારમાં વેચવાલીના સર્જાયેલા દબાણની અસરે સ્થાનિક બજારમાં પણ સપ્તાહના અંતિમ દિવસે વેચવાલીનું દબાણ વધતા નિફ્ટી ૧૬,૪૫૦ની નીચે ધસી ગયો હતો. એશિયાઇ બજારોમાં જોરદાર પીછેહઠ હતી અને યુરોપના બજારોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું. બજારમાં ખાસ કરીને મેટલ અને રિઅલ્ટી શેરોમાં નોંધપાત્ર ધોવાણ થયું હતું, જોકે પાવર શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. સત્ર દરમિયાન ૧૧૧૫.૪૮ પોઇન્ટ અથવા તો બે ટકાના જોતરદાર કડાકા સાથે ૫૪,૫૮૬.૭૫ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ નીચા મથાળાની લેવાલી નીકળતા તળિયેથી સહેજ પાછો ફરીને સેન્સેક્સ અંતે ૮૬૬.૬૫ પોઇન્ટ અથવા તો ૧.૫૬ ટકાના કડાકા સાથે ૫૪,૮૩૫.૫૮ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૭૧.૪૦ પોઇન્ટ અથવા તો ૧.૬૩ ટકાના કડાકા સાથે ૧૬,૪૧૧.૨૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાનું પતન અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને પરિણામે પણ સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને વેચવાલીનો માહોલ જામ્યો હતો. ગ્લોબલ ઇક્વિટી એનાલિસ્ટ્સ એવું માને છે કે ફેડરલે ઇન્ફલેશનને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં જે વધારો કર્યો છે તે અપર્યાપ્ત છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે ચાલીસ વર્ષના સૌથી કપરા ફુગાવાને અંકુશમાં લેવા માટે બુધવારે ટૂંકા ગાળાના વ્યાજદરમાં અડધો ટકાનો વધારો જાહેર કર્યો હતો. જોકે, ફેડરલે એવી જાહેરાત કરી હતી કે આગામી સમયમાં તે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટ જેવી વ્યાજદર વૃદ્ધિ કરવાનું ટાળી શકે છે. ફેડરલના આ વિધાનને કારણે અમેરિકાના શેરબજારમાં ૨૦૨૦ પછીનો સૌથી મોટો એકદિવસીય ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, નેસ્લે, વિપ્રો, એચડીએફસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ટોપ લૂઝર બન્યા હતા. જ્યારે ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઇટીસી, સ્ટેટ બેન્ક અને એનટીપીસી ટોપ ગેઇનર બન્યા હતા. વોલ્ટાસ લિમિટેડે માર્ચમાં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ૨૩.૪૬ ટકાના કડાકા સાથે રૂ. ૧૮૨.૭૧ કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. ૨૩૮.૭૨ કરોડ હતો. જ્યારે કુલ આવક ૦.૭૬ ટકાના મામૂલી વધારા સાથે રૂ. ૨૭૦૩.૭૮ કરોડ નોંધાઇ હતી, જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. ૨૬૮૩.૨૪ કરોડ રહી હતી. ડિલિજન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૨માં કુલ આવક વાર્ષિક ધોરણે ૪૪ ટકા વૃદ્ધિ સાથે રૂ ૧૦૨.૪૫ કરોડ, જ્યારે ઇબીઆઇટીડીએ ૪૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪.૪૪ કરોડ નોંધાવી છે. ચોખ્ખો નફો ૧૮૫ ટકાના વધારા સાથે રૂ. ૧.૩૭ કરોડ નોંધાયો છે. વિનસ પાઇપ્સની પ્રાઇસબેન્ડ રૂ. ૩૧૦- ૩૨૬ નક્કી થઇ છે. ભારતમાં ગેમીંગ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે તે ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેકપ્રૂફ રિઅલ મની ગેમીંગ સ્ટાર્ટઅપ રેઇન ગેમ્સે મેજિક ટી ૨૩નું લોન્ચીંગ કર્યું છે. જે ભારતની પ્રથમ ઇનોવેટીવ રિઅલ મની કાર્ડ ગેમ છે. ૨૦૨૦માં ભારતના ગેમીંગ માર્કેટનું કદ ૧.૦૨ અબજ ડોલર જેટલું હતું, જે ૨૦૨૬ સુધીમાં ૨૦.૮૩ ટકાના સીએજીઆર સાથે ૪.૮૮ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ફેડરલ બેન્કે માર્ચ ક્વાર્ટરમાં ૧૩ ટકાના વધારા સાથે રૂ. ૫૪૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કેનેરા બેન્કે ચોથા ક્વાર્ટરમાં ૬૫ ટકાના વધારા સાથે રૂ. ૧૬૬૬.૨૨ કરોડનો સ્ટેન્ડ અલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૨.૨૧ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૮૮ ટકા, આઈટીસી ૧.૮૩ ટકા અને એનટીપીસી ૦.૬૦ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૪.૯૧ ટકા, એક્સિસ બેન્ક ૪.૧૧ ટકા, બજાજ ફિનસર્વ ૩.૪૯ ટકા, નેસલે ઈન્ડિયા ૩.૩૯ ટકા અને વિપ્રો ૩.૧૨ ટકા ઘટ્યા હતા.