સેન્સેક્સ ૧૧૫૮ પૉઈન્ટના કડાકા સાથે ૫૩,૦૦૦ની અંદર, નિફ્ટીએ ૩૫૯ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૬,૦૦૦ની સપાટી ગુમાવી
અમેરિકાના ઊંચા ફુગાવાની ભારત સહિતના વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટ પર ઘેરી અસર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલો એપ્રિલ મહિનાનો ફુગાવાનો આંક ઊંચી સપાટીએ રહેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરશે અને તેને કારણે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ પર પણ માઠી અસર પડે તેવી ભીતિ સપાટી પર આવતા આજે ભારત સહિત વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફૉલ ડાઉનનું વલણ જોવા મળ્યું હતું. આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૩૮૬.૦૯ પૉઈન્ટ સુધી ગબડ્યા બાદ અંતે ૧૧૫૮.૦૮ પૉઈન્ટના ઘટાડા સાથે ૫૩,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન ૪૩૧.૩૫ પૉઈન્ટ તૂટ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૩૫૯.૧૦ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૬,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયો હતો. વધુમાં આજે મોડી સાંજે માર્ચ મહિનાના આઈઆઈપીના અને એપ્રિલ મહિનાના રિટેલ ફુગાવાના ડેટાની જાહેરાત થવાની હોવાથી સ્થાનિક રોકાણકારો પણ નવી ખરીદીથી દૂર રહ્યા હતા. જોકે, આજના સત્ર પશ્ર્ચાત્ જાહેર થયેલી આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલ મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બૅન્કને લક્ષ્યાંકિત સપાટી કરતાં ઊંચો ૭.૭૯ ટકાના સ્તરે રહ્યો હતો, જ્યારે ગત માર્ચ મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૯ ટકાની વૃદ્ધિ થઈ હતી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૪,૦૮૮.૩૯ના બંધ સામે નરમાઈના ટોને ૫૩,૬૦૮.૩૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૨,૭૦૨.૩૦ અને ઉપરમાં ૫૩,૬૩૨.૫૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨.૧૪ ટકા અથવા તો ૧૧૫૮.૦૮ પૉઈન્ટના ઘટાડા સાથે ૫૨,૯૩૦.૩૧ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૬,૧૬૭.૧૦ના બંધ સામે નરમાઈના ટોને ૧૬,૦૨૧.૧૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૫,૭૩૫.૭૫થી ૧૬,૦૪૧.૯૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨.૨૨ ટકા અથવા તો ૩૫૯.૧૦ પૉઈન્ટ ઘટીને ૧૫,૮૦૮ની સપાટીએ બંધ રહ્યો હતો. ગત એપ્રિલ મહિનામાં અમેરિકામાં ફુગાવો માર્ચ મહિનાના ૮.૫ ટકા સામે સાધારણ ઘટાડા સાથે ૮.૩ ટકાના સ્તરે રહ્યો હતો. તેમ છતાં ફેડરલ રિઝર્વના લક્ષ્યાંક કરતાં બે ટકા વધુ હોવાથી ફેડરલ રિઝર્વ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરશે પરિણામે બજારની પ્રવાહિતામાં ઘટાડો થતાં વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ સપાટી પર આવતાં આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાની સાથે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે અમારુ માનવું છે કે ફેડની નીતિ અને ફુગાવને ધ્યાનમાં લેતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ધીમી પડશે અને બજારમાં સ્થિર થવા મથશે. જોકે,કોટક સિક્યોરિટીઝનાં ડેરિવેટીવ્સ રિસર્ચ વિભાગના હેડ સહજ અગ્રવાલે આગામી થોડો સમય વિશ્ર્વ બજાર પાછળ ભારતીય બજારોમાં પણ ચંચળતાનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી એકમાત્ર વિપ્રોના શૅરના ભાવમાં ૦.૫૫ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં સૌૈથી વધુ ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૫.૫૮૨ ટકાનો, ટાટા સ્ટીલમાં ૪.૧૩ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૩.૭૬ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૩.૫૩ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૩.૪૪ ટકાનો અને એચડીએફસી બૅન્કમાં ૩.૩૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય સેન્સેક હેવી વેઈટ ગણાતી એચડીએફસી અને રિલાયન્સના શૅરના ભાવમાં અનુક્રમે ૩.૧૭ ટકાનો અને ૧.૯૯ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈનાં તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે મેટલ ઈન્ડેક્સમાં ૪.૫૫ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૩.૯૭ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૩.૮૮ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૩.૮૧ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૩.૭૨ ટકાનો અને બૅન્કેક્સમાં ૩.૫૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૧.૯૬ ટકાનો અને ૨.૨૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. એકંદરેઆજે ૨૬૧૪ શૅરના ભાવ ઘટીને, ૭૪૭ શૅરના ભાવ વધીને અને ૮૬ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.
દરમિયાન આજે એશિયામાં ટોકિયો, હૉંગકૉંગ, સિઉલ અને શાંઘાઈના બજારો તીવ્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્ય સત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૨.૦૨ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૧૦૫.૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૧૫ પૈસાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૬૦૯.૩૫ કરોડની વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.