ભાજપના બૂસ્ટર ડોઝની તો ખબર નહીં, પણ માસ્ટર સ્ટ્રોક અમારો જ હશે- આજની ઉદ્ધવ ઠાકરેની સભા પહેલા સંજય રાઉત થયા આક્રમક

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આજે શનિવારે રાત્રે સાત વાગ્યે મુંબઈના બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં વિશાળ સભા થવાની છે. સભા શરૂ થતા પહેલા આજે શિવસેનાના સાંસદ સંજય રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. સંજય રાઉતે ભાજપની બૂસ્ટર ડોઝ રેલી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે કેટલાક લોકો રાજ્યનો માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય પ્રશાસનના કામમાં બાધા ઉત્પન્ન કરવાનું કામ કરી રહ્યા છે. એમના પેટમાં દુખે છે. બળતરા થાય છે. આ બધાની આજે સારવાર થઇ જશે. કોનો કયો બૂસ્ટર ડોઝ હતો એ તો ખબર નહીં, પણ માસ્ટર બ્લાસ્ટર સ્ટ્રોક અમારો જ હશે. એમની ફટાકડાબાજી હોય શકે છે, પણ અમારો માસ્ટર બ્લાસ્ટ હશે.
સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને દેશના વાતાવરણમાં જે ધૂળની ડમરીઓ ચડી ગઇ છે તે ઉદ્ધવ ઠાકરેના ભાષણથી દૂર થશે. મહારાષ્ટ્રનું આકાશ સાફ થશે. ભ્રમ અને અસત્યના કાળા વાદળો હટી જશે અને ઉજ્જવળ આકાશમાં શિવસેનાનું ભગવા રંગનું ધનુષ દેખાશે. આ રાજ્ય શિવાજી મહારાજના આદર્શ પર ચાલી રહ્યું છે. બાળાસાહેબની પ્રેરણાથી ચાલી રહ્યું છે. જે લોકો આને અસ્થિર કરવા ઉચ્છે છે, બદનામ કરવા ઉચ્છે છે તેમને આજે જડબાતોડ જવાબ મળશે.
શિવસેનાના સાંસદે કહ્યું હતું કે આજની સભાનો મંચ જોશો તો આજ સુધી મુંબઈમાં આટલો મોટો મંચ કયારેય બન્યો નથી. શિવસેનાનું દરેક કામ ભવ્ય જ હોય છે. છેલ્લા લાંબા સમયથી શિવસૈનિક ઉદ્ધવ ઠાકરેના ભાષણની પ્રતિક્ષા કરી રહ્યા છે. બે વર્ષથી તેઓ ઓનલાઇન જ સંવાદ સાધી રહ્યા હતા. વિરાટ સભા થઇ એને ઘણો સમય થઇ ગયો છે. શિવસેનાની સભામાં કયારેય ભીડ એકઠી કરવામાં આવતી નથી, આપોઆપ થઇ જાય છે. પૂરા દેશને આજનું ઉદ્ધવ ઠાકરેનું ભાષણ સાંભળવાનું ઉત્સુકતા છે.