સાનિયા મિર્ઝાએ સંન્યાસ લેવાનુ કર્યુ એલાન: કહ્યું- આ મારી આખરી સિઝન છે

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ટેનિસમાંથી સંન્યાસ લેવા જઈ રહી છે. 2022ની સિઝન તેના માટે છેલ્લી છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર્યા બાદ સાનિયા મિર્ઝાએ આ જાણકારી આપી હતી.
સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે ‘મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં, પરંતુ હું આખી સિઝન સુધી રહેવા માંગુ છું.’
નોંધનીય છે કે સાનિયા અને તેની યુક્રેનિયન જોડીદાર નાદિયા કિચનોકને ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સ્લોવેનિયાની તમરા ઝિદાનસેક અને કાજા જુવાને તેમને 6-4, 7-6થી હાર આપી હતી.
જોકે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં હજુ સાનિયા મિક્સ્ડ ડબલ્સમાં મેચ રમશે. એણે અમેરિકાના રાજીવ રામ સાથે જોડી બનાવી છે.
સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2015માં વિમ્બલડન અને યૂએસ ઓપનનો ખિતાબ જીતી ચૂકી છે. મિક્સ ડબલ્સમાં તે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં યૂએસ ઓપનનો ખિતાબ જીતી ચૂકી છે.