રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૬૮નો સુધારો, ચાંદી ₹ ૭૧૦ તૂટી
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીના ભાવમાં ઘટાડો આવ્યાના નિર્દેશ હતા. જોકે સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી હાજર ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૭થી ૬૮નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૧૦ ઘટીને ફરી રૂ. ૬૪,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની માગ જળવાઈ રહી હતી. તેમ છતાં આજે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૭ વધીને રૂ. ૪૮,૬૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૮ વધીને રૂ. ૪૮,૮૬૧ના મથાળે રહ્યા હતા.
જોકે આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવમાં ૧.૧ ટકાનો કડાકો બોલાયો હોવાના નિર્દેશ સાથે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ કિલોદીઠ રૂ. ૭૧૦ના ઘટાડા સાથે રૂ. ૬૩,૭૧૨ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકી ફેડરલની બેઠક પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિને કારણે થોડાઘણા અંશે વેચવાલીનું દબાણ રહેતાં સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૩૬.૦૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૧૮૩૬.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે રશિયા-અમેરિકા વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવ હજુ સપાટી પર હોવાથી સોનામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.