તેલ આયાતકારોની લેવાલી નીકળતા ડૉલર સામે રૂપિયો ૧૬ પૈસા નરમ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા નબળો પડીને ૭૪.૭૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૪.૬૦ના બંધ સામે ભાવ ટુ ભાવ ૭૪.૬૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૪.૮૦ અને ઉપરમાં ૭૪.૫૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૮ પૈસાના ઘટાડા સાથે ૭૪.૭૮ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લાં બે સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ૩૩ પૈસાનું ધોવાણ થઈ ગયું છે. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૨ ટકા વધીને ૯૬.૧૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૪૮ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૮૭.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૭૫૧.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જોકે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૬૬.૬૪ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૨૮.૮૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.