વધતી મોંઘવારી, તૂટેલો રૂપિયો અને ઘટી રહેલું વિદેશી હૂંડિયામણ!
રોજ બરોજ -અભિમન્યુ મોદી
વિજ્ઞાનના નિયમ મુજબ આ વિસ્તરણની મોસમ છે. ગરમ વાતાવરણમાં પદાર્થ વિસ્તરણ પામે આ વિજ્ઞાનનો સાદો નિયમ છે. આપણે છેલ્લા બે મહિનાથી તેના સાક્ષી બનીને બેઠા છીએ. વાતાવરણમાં ગરમી વધી રહી છે. થર્મોમીટરનો પારો ઉંચો જઈ રહ્યો છે. ટ્રાફિક વધી રહ્યો છે. એરક્ધડીશનનું વેચાણ વધી રહ્યું છે. પ્રવાસીઓના પ્રવાસ વધી રહ્યા છે. ગેસની બોટલના ભાવ વધી રહ્યા છે. દર બે દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. લીંબુ, ટામેટા અને કોબીના ભાવ પણ સતત વધતા રહે છે. જમીન-મકાન અને સોનાના ભાવ વધી રહ્યા છે. સ્ટાર્ટ-અપની સંખ્યા વધી રહી છે. સરકારી દાવા મુજબ યુનીકોર્ન કંપનીઓની સંખ્યા વધી રહી છે. આ બધાની સાથે સાથે એક ડૉલર સામે મળતા રૂપિયાના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. તેનો અર્થ એ કે ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે. સાથે સાથે ઇન્ડિયાનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે તે પણ ઘટી રહ્યું છે. ટૂંકમાં, મોંઘવારી વધી રહી છે અને અર્થતંત્રની અસ્થિરતા પણ વધી રહી છે.
રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું તેના પછી ભારતીય શેરબજારના ગ્રાફની હાલત દારૂ પીધેલા પિયક્કડ જેવી થઇ ગઈ છે. સ્થિર ન રહે, વન-સાઈડ મુવમેન્ટ ન આપે અને સતત ગબડતી જાય. તેની સાથે આ મંગળવારે રૂપિયો ડૉલર સામે ૭૭.૨૪ રૂપિયાની સૌથી નીચી સપાટીએ પહોચ્યો. રોકાણકારોના અંદાજ મુજબ રૂપિયાનું અવમૂલ્યન હજુ પણ થશે અને ડૉલર મજબૂત બનતો રહેશે. અમેરિકન કરન્સી ગ્લોબલ માર્કેટમાં મજબૂત થઇ રહી છે. ભારતીય માર્કેટમાં રોકાણકારો છેલ્લા એક મહિનાથી મોટું રિસ્ક લઇ નથી રહ્યા. માટે ભારતમાં રોકાણ ખાતે જબરદસ્ત ઘટાડો આવ્યો છે જેની અસર સીધી શેરમાર્કેટમાં અને રૂપિયાના અવમૂલ્યનમાં દેખાય છે. એશિયન માર્કેટ અત્યારે રેડ લાઈનમાં દેખાય છે. સિંગાપોરના એસજીએક્ષ નિફ્ટીની સીધી અસર ઇન્ડિયન નિફ્ટીમાં દેખાતી હોય છે. તો પશ્ર્ચિમમાં ડૉલર સતત મજબૂત થતો જાય છે અને અમેરિકાની તિજોરી છલકાતી જાય છે. અમેરીકાએ રશિયા-યુક્રેન વોરમાં ભાગ ન લઈને આર્થિક રીતે બુદ્ધિનું કામ કર્યું છે. પણ ભારતની અત્યારે સૌથી મોટી ચિંતા રૂપિયાનું અવમૂલ્યન કે પડી રહેલી શેર માર્કેટ નહિ પણ ફોરેક્ષ રિઝર્વ ઓછું થાય છે તે હોવી જોઈએ.
ભારતનું ફોરેન-એક્સચેન્જ રિઝર્વ છસ્સો બિલિયન ડૉલર કરતા ઘટી ગયું છે. છેલ્લા છ મહિનાની અંદર આ સાત પ્રતિશત કરતા વધુ ઘટાડો કહેવાય. આદર્શ રીતે ભારત પાસે આઠસોથી એક હજાર બિલિયન ડોલરનું વિદેશી હૂંડિયામણ હોવું જોઈએ. અત્યારે એવી સ્થિતિ છે કે જરૂર કરતા અડધા ફોરેક્ષ રિઝર્વ સાથે ભારતનું અર્થતંત્ર મંથર ગતિએ ચાલી રહ્યું છે. લીંબુના ભાવથી લઈને પેટ્રોલીયમના ભાવ સુધી દરેક નાની કે મોટી બાબત ભારતના અર્થતંત્રને અસર કરે છે. આપણા કરતા વધુ ડૉલર્સ જાપાન પાસે છે - ૧૨૫૯ બિલિયન ડોલર્સ. ચાઈના ત્રણ હજાર બિલિયન ડૉલર સાથે પ્રથમ સ્થાને છે. ભારતની હાલત પાતળી થઇ રહી છે. તેના કારણો શું?
વિદેશી હૂંડિયામણ (એટલે કે મુખ્યત્વે અમેરિકન ડૉલર) ઓછું થઇ રહ્યું છે તેના બે મુખ્ય કારણો હોઈ શકે. પહેલું- ભારતીયો કે ફોરેનરો ભારતમાં ડૉલરરૂપે રહેલું નાણું ભારતની બહાર ખસેડી રહ્યા છે. આમાં રોકાણકારો પણ આવી ગયા. બીજું કારણ એ કે રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા ભારતીય રૂપિયા ઉપરનું ભારણ ઘટાડવા અમેરિકન ડૉલર વેચી રહી છે. વર્તમાન સંજોગો જોતા અને આપણા અર્થતંત્રની સ્થિતિ જોતા આ બંને ઘટનાઓ અત્યારે બની રહી છે. જે ભારત માટે સારી સ્થિતિ નથી. રૂપિયો તૂટે અને વિદેશી હૂંડિયામણની તિજોરી નબળી પડે એટલે તેની અસર આયાત ઉપર થાય. આયાત મોંઘી બને. ક્રૂડ ઓઈલનું ગયા વર્ષનું ભારત ખાતે આવેલું બીલ એકસો વીસ બિલિયન ડોલર હતું. રૂપિયો જેમ જેમ તૂટશે તેમ તેમ ક્રૂડ ઓઈલ અને બીજી કોમોડિટીના ભાવ વધશે. જે સરવાળે માર્કેટમાં ફુગાવો વધારશે અને પેન્સિલથી લઈને પિયાનો સુધીની દરેક ચીજ મોંઘી બનશે. જો એવું ન થવા દેવું હોય તો રૂપિયાના મજબુત કરવો પડે. રૂપિયો વધુ પડતો મજબૂત થઇ જાય તો ભારતને નિકાસમાં તકલીફ પડે. માટે રૂપિયા-ડૉલર વચ્ચે એક સાયુજ્યપૂર્ણ સંબંધ જળવાવો જોઈએ.
ડૉલર-રૂપિયા વચ્ચેના ભારત ખાતેના સંબંધનું નિયમન આરબીઆઈ કરતી હોય છે. ભારતીય રૂપિયાને સ્થિર રાખવા માટે ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધુ હોવું જોઈએ. જે અત્યારે નથી. આપણું ગયા વર્ષનું આયાતી બીલ છસ્સો વીસ અબજ ડૉલરનું થયું હતું. આ વર્ષે જગત આખાના સમીકરણો બદલાઈ ગયા છે. આપણી પાસે ફોરેક્ષનો ક્વોટા એક વર્ષ ચાલે તેટલો નથી. અર્થશાસ્ત્રના ઘણા જાણકારો છેલ્લા કેટલાય સમયથી એક સજેશન આપી રહ્યા છે કે ભારત પાસે અબુધાબી, સાઉદી અરેબિયા, સિંગાપોર, નોર્વે અને ચાઈનાની જેમ એક સોવેરીયન વેલ્થ ફંડ હોવું જોઈએ જે ઈમરજન્સીમાં કામ લાગી શકે. આ બધા દેશો પાસે ઓઈલનો બહુ મોટો ભંડાર છે અથવા તો બહુ મોટા જથ્થામાં નિકાસ કરી શકે છે. ભારત પાસે નથી ઓઈલ કે નથી ચાઈના જેવો સસ્તો માલ. ભારતે કોના ભરોસે રહેવું?
ફોરેન ડાઈરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સિવાય ભારત પાસે ફોરેન લોન્સ, વિદેશીઓનું સ્ટોક માર્કેટમાં રોકાણ અને એનઆરઆઈની ફિક્સ ડિપોઝીટ જેવા ઉપરછલ્લા અને ઠોસ ન કહી શકાય એવા સ્ત્રોત છે. આપણી પાસે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે જે ૨૦૧૬માં સરકારે બનાવેલું. જેમાં ચારેક બિલિયન ડૉલર કરતા વધુ નથી અને તે પણ ઇક્વિટીના ફોર્મમાં છે. ભારતે ફોરેન એક્સચેન્જ રિઝર્વને મજબુત કરવું પડશે. નહીતર ભારતનો ગ્લોબલ વિકાસ અટકી જશે, મોંઘવારી માઝા મુકશે અને પેટ્રોલ દોઢસોએ પહોંચશે.
Comments

bhadri shiv
May 14, 2022
ARMY CHIEF BHAG WA NETA BAKWAS DAFANSS THI BACHWOON RAHYUN EKKAJ CHAMKLU KAKKAD BHOOS KARI NAKHSE