૧૦૦ વર્ષ સુધી રમખાણ નહીં થાય અહીંયા!
હેડિંગ વાંચીને તમે કહેશો કે ભાઈ, અહીં કાલની નથી ખબર હોતી તો તમે વળી એક સદીની ભવિષ્યવાણી કઈ રીતે કરી શકો? પણ રત્નાગિરિના આ ગામના હિંદુ-મુસ્લિમોએ ૧૦૦ વર્ષ સુધી એકતા સંધિ કરીને રમખાણોને રોકી દીધાં છે

કવર સ્ટોરી -દર્શના વિસરીયા
ગયા અઠવાડિયે આપણે અહીં વાત કરી હતી એક એવા ગામ વિશે કે જ્યાં છેલ્લાં ચાર વર્ષથી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ મૂકવાનું કારણ ગામમાં કોમી રમખાણો ફાટી ન નીકળે અને ગામની શાંતિ જળવાઈ રહે એટલું જ... આજે આપણે એ જ દિશામાં એક ડગલું આગળ વધીશું અને વાત કરીશું એક એવા ગામ વિશે કે જ્યાં હિંદુ-મુસ્લિમોએ રમખાણને રોકવા ૧૦૦ વર્ષ માટે એક સમાધાન કરી લીધું છે... આ ગામ આવેલું છે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં અને નામ છે સોંડેઘર. માંડ એકાદ હજારની વસ્તીવાળા આ ગામમાં બધી જાતિના લોકો હળી-મળીને રહે છે. કોઈ પણ પ્રકારનો ધાર્મિક કે સાંપ્રદાયિક વિવાદ ન થાય એ માટે ગામના રહેવાસીઓએ સર્વસંમતિથી એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને એ માટે દરેક ધર્મના લોકોએ અને તેમાંય ખાસ કરીને હિંદુ-મુસ્લિમોએ ૧૦૦ વર્ષ માટે એક સમજૂતી કરાર કર્યો છે. આ સમાચાર એવા સમયે વધારે પૉઝિટિવ લાગે છે જ્યારે દેશભરના અલગ અલગ વિસ્તારોમાંથી રમખાણના સમાચાર વાંચવા, જોવા અને સાંભળવા મળી રહ્યા છે. એવામાં સોંડેઘર ગામના આ નિર્ણયની ચારેય બાજુથી પ્રશંસા કરવામાં આવી રહી છે.
હવે સ્વાભાવિક છે કે આપણે બધા એવી માનસિકતા ધરાવીએ છીએ કે જ્યાં કોઈ પણ નિર્ણય લેવા પાછળ કોઈ ને કોઈ ઘટના જવાબદાર હોય છે, એટલે સોંડેઘર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પાછળ ચોક્કસ કયું કારણ હશે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આ વિશે વાત કરતાં ગામના શિક્ષક અબ્દુલ્લા નંદગાંવકર જણાવે છે કે ‘સાને ગુરુજી પાલઘડથી દાપોલીમાં આવેલી એજી હાઈ સ્કૂલ જતી વખતે આ ગામની નદી પાર કરતા હતા. પછીથી એમણે જ સંદેશો આપ્યો કે દુનિયામાં પ્રેમનો પ્રસાર કરવો એ જ સાચો ધર્મ છે અને અમે લોકો એમણે આપેલી શીખ પરથી પ્રેરણા લઈને આગળ વધી રહ્યા છીએ.’
ગામવાસીઓનું પણ એવું માનવું છે કે તેમણે આ એકતાનો સમજૂતી કરાર એટલા માટે કર્યો છે કે ગામની શાંતિનો ભંગ ન થાય અને લોકોની વચ્ચે સુમેળ જળવાઈ રહે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં હિંદુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મના લોકોએ સર્વસંમતિથી આ ઠરાવ પસાર કર્યો છે. કુદરતી સુંદરતાથી ભરપૂર સોંડેઘર એક ખૂબ જ સુંદર ગામ છે અને ત્રણ નદીના સંગમ પર બનેલું છે, જેમાં પાલઘડ નદી, વનિશી નદી અને ગામની એક અન્ય નદીનો સમાવેશ થાય છે.
ગામના પ્રવેશદ્વારની નજીકમાં જ સોંડેઘર ગ્રામ પંચાયત દ્વારા આ એકતા સંધિનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને રસ્તા પરથી પસાર થનારા લોકો આ બોર્ડ વાંચીને એક સેક્ધડ માટે ચોંકી જાય છે અને તેના વિશે ચર્ચા કરે છે. ગામની તંત મુક્તિ સમિતિના અધ્યક્ષ સંજય ખાનવિલકર આ વિશે વાત કરતાં જણાવે છે કે ‘દેશમાં ધાર્મિક વાતાવરણ ખૂબ જ ડહોળાઈ ગયું છે અને નાની-મોટી વાતે બે અલગ અલગ ધર્મના લોકો વચ્ચે રમખાણો ફાટી નીકળે છે, પણ અમારા ગામમાં એવું નથી થતું. અમે ગામવાસીઓએ સાથે મળીને એક સમાધાન કરી લીધું છે, જેથી ધાર્મિક કે સાંપ્રદાયિક વિવાદોની ઝાળ અમારા ગામ સુધી ન પહોંચી શકે. આ એકતા સંધિ કહો કે પછી સકારાત્મક પહેલ કહો એ પાલઘડ બીટના પોલીસ ઈન્સ્પેક્ટર વિકાસ પવારની મદદથી કરી છે.’
સોંડેઘરમાં ૪૦૦ મુસ્લિમ, ૪૦૦ હિંદુ અને ૨૦૦ બૌદ્ધ પરિવારના લોકો રહે છે અને આ બધા પરિવારોએ ઐતિહાસિક નિર્ણય લેવા માટે એક મિનિટનો જ સમય લીધો હતો. ગામના ઉપસરપંચ જિતેન્દ્ર પવાર સોંડેઘર અને ત્યાંની શાંતિ વિશે વાત કરતાં કહે છે કે ‘આ ગામમાં અત્યાર સુધી એકપણ સાંપ્રદાયિક કે ધાર્મિક વિવાદ નથી થયો અને ૧૦૦ વર્ષ માટે અમે લોકોએ આ કરાર કર્યો છે, જેથી ભવિષ્યમાં પણ આવી કોઈ મુશ્કેલીનો સામનો ગામને કે ગામવાસીઓને ન કરવો પડે અને ભાવિ પેઢી પણ આ વિવાદોથી દૂર રહેશે.
ગામવાસીઓ શાહુ-ફુલે અને આંબેડકરના વિચારોને માને છે અને છેલ્લા પાંચ દાયકાનો ગામનો ઈતિહાસ જોઈએ તો અહીં કોઈ પણ પ્રકારનું કોમી તોફાન નથી થયું. ગામવાસીઓ આ વાતનો પારાવાર ગર્વ લે છે અને ખાતરી આપે છે કે માત્ર ૧૦૦ વર્ષ જ નહીં, સોંડેઘરમાં ક્યારેય કોઈ દિવસ આવાં તોફાનો કે વિવાદ નહીં જોવા મળે. ગામના યુવાનો પણ પોતાના વડીલો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું સમર્થન કરે છે એટલું જ નહીં, તેમનું એવું પણ માનવું છે કે આપણા માટે બેરોજગારીનો મુદ્દો સૌથી મોટો છે. જો કોઈ વિવાદ થાય તો ખાવા-પીવાના ફાંફાં પડી જાય છે. રોજે કમાવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં કોઈ કઈ રીતે તોફાનો અને રમખાણોને પ્રોત્સાહન આપી શકે કે તેનો હિસ્સો બની શકે. ૧૦૦ વર્ષ માટે કરવામાં આવેલો આ સમજૂતી કરાર અમારા ભવિષ્ય માટે અમારા વડીલોએ લીધેલો સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે. યુવાનોની સાથે સાથે ગામની મહિલાઓએ પણ ૧૦૦ વર્ષ માટે કરવામાં આવેલા આ સમજૂતી કરારને આવકાર્યો છે. ગામવાસીઓના નાનામોટા ઝઘડાનો ઉકેલ લાવવામાં પણ મહિલાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને આપસી સમજૂતીથી તેને ઉકેલવામાં આવે છે.
ગામના સરપંચ ઈલિયાસ નંદગાંવકર ગર્વથી કહે છે કે અમે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેથી માત્ર અમારા જ નહીં, પણ જિલ્લાના લોકો પણ આ પ્રકારના નિર્ણય લેતા થાય અને દેશ તેમ જ રાજ્યમાં શાંતિ સ્થપાય. બધા લોકોએ સમજવાની જરૂર છે કે વિવાદથી કંઈ જ નથી મળવાનું. શાંતિથી જ વિકાસ કરી શકાશે અને લોકો એકબીજાના ધર્મનું માન જાળવીને સાથે હળી-મળીને રહે છે...
આ નાનાં નાનાં ગામડાંઓ દ્વારા લેવામાં આવતા નિર્ણયો આપણા જેવાં મોટાં શહેરોમાં રહેનારા લોકોને ઘણું બધું શીખવી જાય છે. જે આપણે ભણી-ગણીને પણ વિચારી કે સમજી નથી શકતા એ આ ગામડાના ભોળા-ભલા લોકો સરળતાથી સમજી જાય છે એટલું જ નહીં, પણ તેને જીવનમાં અમલમાં પણ મૂકે છે... સલામ છે સોંડેઘર ગામને અને ગામવાસીઓ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કે જેણે કેટલીય પેઢીઓને કોમી રમખાણોથી થનારા નુકસાનથી બચાવી લીધી છે!