મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ૧૨ સભ્યોના સસ્પેન્શનનો ઠરાવ ગેરબંધારણીય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર વિધાનસભાના ૨૦૨૧ જુલાઇમાં યોજાયેલા સત્રના બાકીના સમય માટે ભાજપના બાર વિધાનસભ્યના સસ્પેન્શનનો ઠરાવ ‘ગેરબંધારણીય’ અને ‘અર્થહીન’ ગણાવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે ભાજપના બાર વિધાનસભ્યની અરજીના સંબંધમાં શુક્રવારે ચુકાદો આપ્યો હતો.
ભાજપના વિધાનસભ્યોએ રાજ્ય વિધાનસભાના ‘પ્રિસાઇડિંગ ઑફિસર’ સાથેની કહેવાતી ગેરવર્તણૂક બદલ પોતાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરતા ઠરાવને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.
ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકરના નેતૃત્વ હેઠળની બૅન્ચે જણાવ્યું હતું કે આ વિધાનસભ્યોને ૨૦૨૧ના જુલાઇમાં યોજાયેલા વિધાનસભાના સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ‘વાંધાજનક’ ઠરાવ ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાય.
બૅન્ચે જણાવ્યું હતું કે આ ઠરાવનો અમલ સંબંધિત સત્રના બાકીના સમય માટે કરવો અયોગ્ય ગણાય.
સંજય કુંટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખળકર, પરાગ અળવણી, હરીશ પિંપળે, યોગેશ સાગર, જયકુમાર રાવલ, નારાયણ કુચે, રામ સાતપુતે અને બંટી ભાંગડિયાને સસ્પેન્ડ કરાયા હતા.
વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના ઠરાવને આ વિધાનસભ્યોએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.
રાજ્ય સરકારે આ વિધાનસભ્યો પર સ્પીકરના ચેમ્બરમાં ‘પ્રિસાઇડિંગ ઑફિસર’ ભાસ્કર જાધવની સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ મૂકીને ગયા વર્ષની પાંચમી જુલાઇએ વિધાનસભામાંથી સસ્પેન્ડ કર્યા હતા. (એજન્સી)