ન વંચાતાં પુસ્તકોનો ઉપાય: પ્રેરણાની પરબ ખોલો!

મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: લૂક ને બુકનું કાંઇ કહેવાય ના!
(છેલવાણી)
એલેકઝાંડર ડૂમા નામના લોકપ્રિય રશિયન લેખકે એના દીકરાને પૂછ્યું: મારી લેટેસ્ટ નોવેલ વાંચી ?
દીકરાએ સામું પૂછ્યું: તમે વાંચી?
મોટાભાગના લેખકો પોતાનું જ લખાણ વાંચતા નથી ને એમાંને એમાં સારાં પુસ્તકો લખાતાં-વેંચાતા નથી! હમણાં યુરોપમાં બ્રસેલ્સમાં એક નિલામીમાં માત્ર પાંચ મિલિમીટરની રેર ટચૂકડી પુસ્તિકાના ૪,૩૦૯ ડોલર મળ્યા જેમાં કેથલિક પ્રાર્થનાઓ છાપવામાં આવી છે! વિદેશમાં પુસ્તક પ્રેમીઓ કંઇપણ કરી શકે છે. આપણે ત્યાં ૨૦૦ રૂ.ની ૧૨૦૦ કોપી વેંચવામાં દમ નીકળી જાય છે! હમણાં અમને એક પબ્લિશરે કહ્યું કે આજકાલ વાર્તા-નવલકથા-કવિતાનાં પુસ્તકો નથી વેંચાતા પણ રસોઇ, આરોગ્ય ને પ્રેરણાત્મક બુક્સ જ લોકો ખરીદે છે!ને અમે આ નવા ૨૦૨૨ના નવા વરસે મહાન સાહિત્ય લખીને અમર થવાવાનો અભરખો છોડી દીધો!
વેંચાતી બુક્સ લખવાના પ્રયાસમાં લેખક તરીકે લોચો એ પડ્યો કે અમને કોઇપણ ભાષામાં રસોઇ કરતા નથી આવડતું. આરોગ્યમાં તો એવું છે ને અમે અમારું આરોગ્ય પણ માંડ માંડ ટકાવી રાખ્યું છે તો એનાં પર કઇ રીતે લખી શકાય? જો કે વાચકો ઉદાર છે. જે લેખકો કદીયે પરણ્યા નથી એ લોકો પણ પ્રેમ ને લગ્ન પર લખતા હોય છે. પોતાનાં લગ્નમાં લોચા હોય છે એવાં લોકો પાછા લગ્નજીવન કેમ ટકાવવું એના પર સલાહ આપતા હોય છે.
તો એવામાં અમારી પાસે એક જ વિકલ્પ બચ્યો: પ્રેરણાત્મક પુસ્તક લખવા! ૧૦૦ દિવસમાં સફળતા, આત્મવિશ્ર્વાસની આકાશગંગા- જેવાં પુસ્તકોને લેખકો ઘેરબેઠાં ૧૫-૨૦ હજારમાં લખી આપે છે ને બિચારા વાચકો માને છે કે એ બુકસ વાંચીને પોતે કરોડો કમાઇ લેશે! અહીં આપણને તો લેંઘાની નાડી કે બારીનાં પડદાં બદલવામાં પસીનો છૂટી જાય છે તો બીજાને શું પ્રેરણા આપીએ? વળી અમને ‘વિનર નેવર ક્વિટ્સ અને કવિટર નેવર વિન્સ’ જેવા ચબરાકિયા વાક્યોની એલર્જી. તો એવી બુક કઇ રીતે લખવી? તો જાણવા શ્ર્વાસ રોકીને ૭-૮ પ્રેરણાત્મક બુકસ રાતોરાત વાંચી કાઢી!
ઇન્ટરવલ:
જીવન મેરા બીત ગયા,
જીને કી તૈયારી મેં! (બચ્ચન)
પણ બે-ચાર જ દિવસમાં પ્રેરણાત્મક બુક્સ વાંચીને પરસેવો છૂટી ગયો. મનમાં ઉમંગ જાગવાને બદલે ઉકળાટ થયો કે આમાં શું સમજવું?
જેમ કે-
૧. જીવનમાં જે કાંઇ પણ થાય છે એ સારા માટે થાય છે-
એમ? પણ કોઇ કહેશે કે જે થાય છે એ એક્ઝેટલી કોના સારા માટે થાય છે? ધારો કે તમારી ગર્લફ્રેંડ તમારા ફ્રેંડ સાથે ભાગી જાય તો એમાં તમારું શું સારું થયું? કે તમારા પેલા નાલાયક મિત્રનું સારું થયું? કે પછી જાતને એમ મનાવવાનું કે તમારી ગર્લફ્રેંડ, તમારા ત્રાસથી છૂટી એટલે એનું સારું થયું?
અથવા તો ધારો કે તમારા નવા સૂટ પર જો ચકલી ચરકે તો ઇશ્ર્વરનો આભાર માનવાનો કે થેંક ગોડ, આ તો તારી કૃપા છે કે મારા પર ચકલી ચરકી, તેં જો ગાય-ભેંસને ઉડવાની શક્તિ આપી હોત તો પોદળાં અમારાં પર પડત!તો શું આવું પોઝિટિવ વિચારવાનું?
૨. રમતમાં જીત કે હાર મહત્ત્વની નથી!
એમ? તો સ્ટેડિયમમાં સ્કોરબોર્ડ શું જખ મારવા માટે હોય છે? પેલાં રેફ્રીઓ અને અમ્પાયરો પોતાનાં શરીર પર ભીનાં કપડાં સૂકવવાં તડકામાં ઊભાં હોય છે? માત્ર રમવું જ મહત્ત્વનું હોય તો ૫૦ ઓવરમાં કે ૫ દિવસમાં મેચ કેમ પૂરી કરવાની?રમ્યાં કરોને ગમે તેટલાં દિવસ? હાર- જીત અગત્યનાં નથી તો ચેમ્પિયન કોણ બનશે,સ્ટેડિયમનો માળી?અને બિચારાં બૂકી લોકો શેના કરોડો રૂ.નું રિસ્ક લે છે?
૩.જગત રંગમંચ છે ને આપણે સૌ કલાકારો છીએ:
આખી દુનિયા સ્ટેજ છે તો પ્રેક્ષકો ક્યાં આપણાં માથા પર બેસશે? જો આપણે બધાં જ કલાકારો છીએ તો એ નાટક જુએ છે કોણ ? ઇ.ટી. જેવા એલિયનો? અને જો ખરેખર આખું જગત
નાટક હોય તો પછી ભગવાન બહુ ખરાબ ડાયરેક્ટર કહેવાય,જેણે ઢંગધડ વિનાનું આ નાટક બનાવ્યું છે.
૪.તમારી તકદીર તમારા હાથમાં છે, પુરુષાર્થ કરો:
અચ્છા?રસ્તા પર ચાલતાં ચાલતાં મારાં પર ઝાડ પડે ને મારા રામ રમી જાય તો એમાં મારી મહેનત ક્યાં વચ્ચે આવી?કોઇ સેવાભાવી સજજન ગરીબ દર્દીઓની માટે મોસંબીનો જ્યુસ લઇને હૉસ્પિટલમાં જાય અને ત્યાં બૉમ્બ ફાટે અને એ ભાઇ ઉકલી જાય તો એનાં સારાં કર્મ ક્યાં ગયા?મોસંબીનો રસ પીધા વિના વેસ્ટ ગયો એ અલગ?
ઇન શોર્ટ,આવું બધું વાંચીને અમને લાગે છે કે પ્રેરણાત્મક પુસ્તકો લખવાનું પણ આપણને જરાયે નહીં ફાવે. ગુજરાતીમાં રસોઇ, આરોગ્ય, આધ્યાત્મ અને સ્ત્રી-પુરુષના સંબંધો સિવાય શેનાં પર લખી શકાય એની પ્રેરણા આપતું
પુસ્તક કોઇ લખે તો એ વાંચીને જ કંઇક સૂઝ પડે! બાકી ત્યાં સુધી તો વાંકદેખી કૉલમ જ સારી!
એન્ડ ટાઇટલ્સ:
આદમ: હું માત્ર વિચારોથી ચમચી વાંકી વાળી શકું.
ઇવ: પ્લીઝ! હમણાં જ નવો સેટ વસાવ્યો છે!