બ્રાન્ડ નિષ્ફળ જવાનાં કારણો

બ્રાન્ડબનશેબિઝનેસવધશે - સમીર જોશી
નિષ્ફળતા તે સફળતાની ચાવી છે. આ એક મોટું આશ્ર્વાસન છે માણસને, હારીને બેસી ન જતાં પાછા ઊભા થવા માટે. પણ આ આશ્ર્વાસનને સમજવાની જરૂર છે અને તે એટલે કે તમને નિષ્ફળતા શા માટે મળી તેનાં કારણો શોધો અને તે ભૂલો ફરી પછી ન થાય તેની તકેદારી રાખો જ્યારે નવું કંઈ વિચારો. ટૂંકમાં, તમારી ભૂલોમાંથી શીખો.
આપણે જ્યારે સફળતાનો સ્વાદ ચાખતા હોઈએ છીએ ત્યારે ઘણી વાતો જે મહત્ત્વની હોય છે તેને નજરઅંદાજ કરીએ છીએ. સફળતા મળી રહી છે તો ચાલુ રાખો અને આથી મોટી ગેરસમજ એટલે, સફળ થઈ રહ્યા છીએ એટલે બધું બરોબર છે અને ક્યારેય કોઈ મુશ્કેલી નહિ આવે. આને અંગ્રેજીમાં ટેક ઈટ ફોર ગ્રાન્ટેડ એટિટ્યુડ કહે છે. ચોક્કસ, સફળતા મળી રહી છે એટલે અમુક નક્કી કરેલી વ્યૂહરચનાનાં પરિબળો કામ કરી રહ્યાં છે, પણ લાંબી પારી રમવા માટે તેની સાથે બીજાં પરિબળોને આપણે સમજી લઈએ જે કદાચ હાનિ પહોંચાડી શકે.
બ્રાન્ડનું પણ તેવું જ છે. કોઈ પણ બ્રાન્ડ નિષ્ફળ જાય તે કદાચ તરત, અર્થાત્ અમુક વર્ષો સુધી સફળતાનો સ્વાદ માણે, પણ ધીરે ધીરે તે પડતી જાય અને જ્યારે તમે તેનું વિશ્ર્લેષણ કરવા બેસો ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ટૂંકમાં, બ્રાન્ડની નિષ્ફળતા ત્યારે ગણાય જ્યારે તે અમુક વર્ષો પછી ટકી ન શકે અને નહિ કે તરત એક કે બે વર્ષોમાં સમેટાઈ જાય.
આજે આ વિષય પર લખવાનું કારણ તે કે આ જ વાત ઘણી નામી બ્રાન્ડ સાથે થઈ છે જેવી કે કોડાક, નોકિયા ફોન અને હમણાં આ મહિને તેમાં એક નવું નામ જોડાયું અને તે એટલે બ્લેક બેરી ફોન. અંતે, તેઓએ પોતાનું પ્રોડક્શન બંધ કરવાની ઘોષણા કરી. આજે જે લોકો મિડ કે ટોપ મેનેજમેન્ટમાં કામ કરતા હશે તેઓ માટે આ બ્રાન્ડનો ફોન એક સ્ટેટસ સિમ્બોલ હતો. હાથમાં બ્લેક બેરી છે એટલે આ મોટી કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે, પ્રોફેશનલ છે એમ મનાતું. એમ કહી શકાય કે કી-પેડ સાથેનો સૌથી પહેલો સ્માર્ટ ફોન જેણે પોતાની ઇઇ મેસેજિંગ પણ ડેવેલપ કરી હતી. ઉપર જણાવેલી અને આવી ઘણી બીજી બ્રાન્ડ્સ નિષ્ફળ ગઈ તેનું સૌથી મોટું કારણ એટલે તેઓ સમય સાથે નાચાલ્યા. સમય સાથે બદલાવ ન લાવી શક્યા. તેમની સામે ક્ધઝ્યુમર અને સમય બદલાઈ રહ્યો હતો, પણ તેઓ તેને જોઈ ન શક્યા કે ભવિષ્ય ન ભાખી શક્યા કે પછી ઉપર જણાવ્યા પ્રમાણે અમે સફળ છીએ આથી અમને કંઈ નહિ થાયની વિચારધારાએ બ્રાન્ડને આ પરિણામ આપ્યું.
આજે સમય પ્રકાશની ગતિ સાથે બદલાય છે તેમ કહેવું વધારે પડતું નહિ હોય. વોકમેને ટેપ રેકોર્ડરની જગ્યા લીધી તો એપલ આઇપોડે વોકમેનની તો આજે મ્યુઝિકના એપ્સ રાજ કરી રહ્યા છે. નોકિયાએ ડ્યુઅલ સિમ કાર્ડને અવગણ્યું અને એન્ડ્રોઇડ ન અપનાવતાં ક્ધઝ્યુમરથી દૂર થઈ. કોડાક પણ ડિજિટલ ન અપનાવવાની લાપરવાહીથી ધોવાઈ ગઈ. આજે બધી જ એન્ટરટેઇન્મેન્ટ ચેનલોનાં પોતાનાં ઘઝઝ પ્લેટફોર્મ છે, શા માટે? ક્ધઝ્યુમર આજે ઘઝઝ પર છે અને જો તેમ ન થાય તો ક્ધઝ્યુમરને તેઓ ખોઈ બેસે. અર્થાત્ તેમણે સમય સાથે ચાલી પોતાની બ્રાન્ડને અપડેટ કરી. ક્ધઝ્યુમર ઓનલાઈન ખરીદવા લાગ્યો છે તેથી બધી બ્રાન્ડ્સ ઓનલાઈન પર જવા લાગી અને જે નહિ જાય તે નિષ્ફળતાનો સામનો કરશે.
સમય સાથે ન ચાલ્યા અને ન બદલાયા તે મહત્ત્વનું કારણ હોઈ શકે, પણ ફક્ત તે જ કારણ બ્રાન્ડની નિષ્ફળતા માટે ન હોઈ શકે. બ્રાન્ડ સફળ કે નિષ્ફળ જવા માટે કોઈ ચોક્કસ કારણો નથી હોતાં, પણ હા અમુક પ્રોસેસ કે વ્યૂહરચના હોય છે જેને અનુસરવી જરૂરી છે. બીજાં અમુક કારણો જાણીએ તો; બ્રાન્ડ પોઝિશનિંગની કંસિસ્ટન્સી. તમે જે પોઝિશનિંગ નક્કી કર્યું છે તેને પકડીને ચાલો. સમય સાથે તેના અર્થમાં બદલાવ લાવો, પણ તમે જે વિચારધારાથી બ્રાન્ડ બનાવી છે તેને કાયમ રહો. ઉદાહરણ તરીકે, કોકા કોલા બ્રાન્ડ ગુડ ટાઈમ્સના વિચારે ઓળખાય છે જે આજ સુધી કાયમ છે. નાઇકીનું જસ્ટ ડુ ઈટ કે પછી જોની વોકરનું કીપ વોકિંગ. તેના અર્થો બદલાતા રહેશે સમય પ્રમાણે, ક્ધઝ્યુમરની ડિમાન્ડ અને બીહેવિયર પ્રમાણે પણ કોર મેસેજ હંમેશાં તે જ રહેશે, આથી પોઝિશનિંગ સાથે જ્યારે સમયે સમયે છેડખાની થાય છે ત્યારે ત્યારે તે બ્રાન્ડની નિષ્ફળતાને નોતરે છે.
બીજું, મેન્યુફેક્ચરર કે ક્રિયેટર પ્રોડક્ટ બનાવવા પાછળ બધી તાકાત લગાવી દે છે અને બ્રાન્ડ બનાવવા પાછળ ધ્યાન ઓછું આપે છે. બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ એટ બેસ્ટ પ્રાઇઝની વ્યૂહરચના અપનાવે છે જે બ્રાન્ડને નુકસાન કરે છે, કારણ લોકો પ્રોડક્ટને યાદ રાખશે અને બ્રાન્ડને નહિ. આ ઉપરાંત કાલે ઊઠીને બીજી કોઈ બ્રાન્ડ સસ્તામાં મળશે તો તેને ખરીદશે. આનું કારણ, બ્રાન્ડ ન બનાવવાની આળસ અથવા મહત્ત્વ ન આપવું. પ્રોડક્ટ અને બ્રાન્ડ બિલ્ડિંગ બંને સાથે ચાલવાં જોઈએ.
બ્રાન્ડ એક્સ્ટેન્શન
ઘણી વાર જોવામાં આવ્યું છે કે એક વાર બ્રાન્ડ સફળ થાય ત્યાર પછી તે જ નામને એનકેશ કરવા બ્રાન્ડ નવા પ્રોડક્ટ તે જ કેટેગરીમાં અથવા નવી કેટેગરીમાં લોન્ચ કરે છે. બ્રાન્ડ રિકોલનો ફાયદો લેવા આ પગલું ભરે છે. આ વિચાર ઘણી વાર બ્રાન્ડની વિરુદ્ધમાં જાય છે. ઉદાહરણ તરીકે; તમે પ્રીમિયમ બ્રાન્ડ પ્રીમિયમ પ્રાઇસમાં વેચો છો. નવું સેગમેન્ટ કેપ્ચર કરવા તમે તે જ બ્રાન્ડનાં અમુક ફીચર્સ કાઢી નાખી સસ્તા ભાવે તે જ નામે લોઅર સેગમેન્ટમાં મૂકો છો. તમારો પ્રીમિયમ ક્ધઝ્યુમર તરત જ તમારી સાથે ડીલ કરવાનું બંધ કરશે, કારણ તે નહીં ઈચ્છે કે લોઅર સેગમેન્ટ પણ તે જ બ્રાન્ડ વાપરે છે. ઘણી વાર તમે ઇન્ડસ્ટ્રિયલ બ્રાન્ડ હોવ અને તે જ નામે ફૂડ બ્રાન્ડ લોન્ચ કરો તો લોકો તે નહિ અપનાવે, આથી બ્રાન્ડ એક્સ્ટેન્શન બ્રાન્ડની નિષ્ફળતાનું કારણ બની શકે છે.
પ્રોડક્ટ ક્વોલિટી ખરાબ છે. ઘણાની માન્યતા હોય છે કે બ્રાન્ડ બનાવો પછી પ્રોડક્ટ ક્વોલિટી કે સર્વિસ નહિ આપીએ તો પણ ચાલશે. ફાઈનલી લોકો પ્રોડક્ટ વાપરશે અને જો તેનાથી ખુશ નહિ થાય તો બ્રાન્ડ બનાવવા પાછળની બધી મહેનત પાણીમાં જશે.
કોમ્પિટિશન
આને બે રીતે જોવી પડે. એક પ્રતિસ્પર્ધી પર હંમેશાં નજર હોવી જોઈએ. તે કયાં નવાં ફીચર્સ લાવી રહ્યાં છે, કોને ટાર્ગેટ કરી રહ્યા છે, કઈ માર્કેટમાં છે, મેસેજિંગ શું છે વગેરે. અને બીજું, જ્યારે તમે બ્રાન્ડ લોન્ચ કરવાનું વિચારો ત્યારે માર્કેટ સ્ટડી કરો કે માર્કેટમાં તમારા માટે જગ્યા છે કે નહિ. જો માર્કેટ કોમ્પિટિટર્સથી ખીચોખીચ ભરેલી છે તો તમને તમારી જગા બનાવતાં વાર લાગશે અને નિષ્ફળતા મળી શકે. માર્કેટનો અભ્યાસ, કોમ્પિટિટરનો અભ્યાસ લોન્ચ કરતાં પહેલાં જરૂરી છે. લોકો બીજાની સફળતા જોઈ સમજી બેસે છે કે આપણે પણ આ પ્રોડક્ટ બનાવીએ કારણ ઘણું ચાલી રહ્યું છે, આ ભૂલના કારણે પણ બ્રાન્ડ નિષ્ફળતા સહે છે. આ ઉપરાંત તમારું પ્રાઇસિંગ, બહોળું ટાર્ગેટ ઑડિયન્સ અર્થાત્ ટાર્ગેટ ઑડિયન્સની ક્લેરિટી ન હોવી, સર્વિસ આપવાની ક્ષમતા, જે પ્રોમિસ કરો છો તે આપો. ઘણી વાર ઓવર માર્કેટિંગ પણ બ્રાન્ડને નિષ્ફળ બનાવે છે, કારણ ક્ધઝ્યુમરના મગજમાં બ્લાઇન્ડ સ્પોટ તે નિર્માણ કરે છે. સૌથી મહત્ત્વનું તમારો બિઝનેસ અને બ્રાન્ડ પ્લાન એકમેકના પૂરક હોવાં જોઈએ. જો તેમ ન હોય તો પ્રોફિટેબિલિટી માર ખાશે અને બ્રાન્ડ નિષ્ફળ જશે. આવા સમયે જોવામાં આવ્યું છે કે દોષ હંમેશાં બ્રાન્ડ બિલ્ડિંગને આપવામાં આવે છે અને નહિ કે બિઝનેસ પ્લાન, પ્રોડક્ટ ક્વોલિટીને.
મહેનત બધા જ કરતા હોય છે, પણ સફળતા અને નિષ્ફળતામાં વ્યૂહરચના મોટો ભાગ ભજવે છે. બ્રાન્ડની નિષ્ફળતામાં ઉપરનાં કારણો સાથે સૌથી મોટું કારણ જે બધાં કારણોનું મૂળ છે અને તે એટલે; ટેક ઈટ ફોર ગ્રાન્ટેડ એટિટ્યુડ. જે વ્યક્તિ હંમેશાં સતર્ક રહે છે તેની બ્રાન્ડને સફળતાની ટોચ પર બિરાજમાન થતાં કોઈ રોકી નથી શકતું.