આરબીઆઇની અડફેટે અથડાયો આખલો: સેન્સેકસ તોતિંગ કડાકા સાથે ૫૫,૭૦૦ની નીચે પટકાયો, નિફ્ટી ૧૬૭૦૦ની નીચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આરબીઆઇએ આખલાને અચાનક જ એવો અડફેટે લીધો કે શેરબજાર કડડડ ભૂસ્સ થઇ ગયું. રિઝર્વ બેન્કે અણધારી રીતે વ્યાજદરમાં વધારો જાહેર કરીને શેરબજારનું મોરલ તોડી નાંખ્યું હતું અને વેચવાલીનું દબાણ વધવાને કારણે સેન્સેક્સ ૧૩૦૬ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે સત્રને અંતે ૫૫,૬૬૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૩૯૨ પોઇન્ટના કડાકા સાથે ૧૬,૬૭૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
તેજીવાળા ઊંધતા ઝડપાયા અને હવે તેમને બીજી ચિંતા અમેરિકન ફેડરલ રિઝર્વની છે. રોકાણકારોને ડર છે કે મોડી રાતે ફેડરલ વ્યાજદરમાં વધારો જાહેર કરશે અને તેની અસર આજના સત્રમાં નકારાત્મક કડાકા સાથે જોવા મળે એવી સંભાવના છે.
સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૪૭૪.૩૯ પોઇન્ટ અથવા તો ૨.૫૮ ટકાના તોતિંગ કડાકા સાથે ૫૫૫૦૧.૬૦ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૧૩૦૬.૯૬ પોઇન્ટ અથવા તો ૨.૨૯ ટકાના તોતિંગ કડાકા સાથે સત્રને અંતે ૫૫,૬૬૯.૦૩ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૩૯૧.૫૦ પોઇન્ટ અથવા તો ૨.૨૯ ટકાના કડાકા સાથે ૧૬,૬૭૭.૬૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
રિઝર્વ બેન્કે વણનિર્ધારિત એમપીસી બેઠક બાદ બેન્ચમાર્ક ધિરાણદર (રેપો રેટ)માં ૪૦ બેસિસ પોઇન્ટનો વધારો કરી તે ૪.૪૦ ટકા જાહેર કરી હતી, જ્યારે સીઆરઆર ૫૦ બેસિસ પોઇન્ટ વધારીને ૪.૫૦ ટકા જાહેર કર્યો હતો. આ પગલાને કારણે વિવિધ પ્રકારની લોન મોંઘી થવાની ચર્ચા વચ્ચે શેરબજારમાં વેચવાલીનું દબાણ પણ એકાએક વધી ગયું હતું. આરબીઆઇના આ અણઘાર્યા ઘડાકાને કારણે સર્જાયેલા આ ધોવાણની સાથે બીએસઇમાં રોકાણ ધરાવતા શેરધારકોની સંપત્તિમાંથી રૂ. ૬.૨૭ લાખ કરોડનું ધોવાણ થયું હતું. ખાસ કરીને ઓટો, રિઅલ્ટી અને બેન્ક શેરોમાં જોરદાર ધોવાણ નોંધાયું હતું.
રિઅલ્ટી શેરોમાં ધોવાણ નોંધાવનાર સ્ક્રીપ્સમાં ડીએલએફ, ઇન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ, સનટેક રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, શોભા ડેવલપર્સ, ઓબેરોઇ રિઅલ્ટી અને બ્રિગેડ એન્ટરપ્રાસિસનો સમાવેશ હતો. જ્યારે ગબડનારા ઓટો સ્ટોક્સમાં અશોક લેલેન્ડ, બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ અને ટાટા મોટર્સનો સમાવેશ હતો. જે બેન્ક શેરોનું ધોવાણ થયું તેમાં બેન્ક ઓફ બરોડ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, બંધન બેન્ક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, સ્ટેટ બેન્ક અને ફેડરલ બેન્કનો સમાવેશ હતો.
એલઆઇસીનો આઇપીઓ પહેલા દિવસે બપોર સુધીમાં ૦.૨૯ ગણો ભરાયો હતો. એક્સચેન્જને મળેલા ડેટા અનુસાર પોલિસી ધારકોનો હિસ્સો પૂર્ણપણે ભરાઇ ગયો હતો, કર્મચારી કોટાનો હિસ્સો ૦.૪૯ ટકા ભરાયો હતો. જ્યારે ક્વિબ્સ અને એનઆઇઆઇ વર્ગના હિસ્સા માટે વધુ ઉત્સાહ નહોતો જોવા મળ્યો. રિઝર્વ બેન્કે એલઆઇસીના આઇપીઓ માટે આસબા-ડેસિગ્નેટેડ બેન્કને રવિવારે કામકાજ ચાલુ રાખવા જણાવ્યું છે.
ટાઇટને ચોથા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં ૭.૨૧ ટકાનો ઘટાડો જાહેર કર્યા બાદ તેના શેરમાં ૩.૫૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પિરામલ એન્ટરપ્રાઇસને રૂ. ૭૦૦ કરોડના બોન્ડ માટે બોર્ડની મંજૂરી મળી છે. અમેરિકા અને દક્ષિણ આફ્રિકા બાદ, વિસાકાના વિશ્ર્વની પહેલી વીજળી ઉત્પન્ન કરનાર એટીયુએમ સોલાર દ્વારા સંચાલિત એટીયુએમ ચાર્જ દ્વારા ભારતમાં મુંબઇ ખાતે પહેલું સોલાર સંચાલિત ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. કંપનીએ દેશભરમાં ૨૫૦ ઇન્સ્ટોલેશન બાદ હવે મુંબઇમાં પ્રવેશ કર્યો છે. એલેમ્બિક અને ઓરબિંદો ફાર્માને યુએસએફડીએની મંજૂરી મળી છે.
બીઇસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન અંતે રૂ. ૨,૫૯,૬૦,૮૫૨.૪૪ કરોડ નોંધાયું હતું. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શેર નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા. બજારની નજર હવે ફેડરલ રિઝર્વની બેઠક પર છે, જેનો અંતિમ નિર્ણય મોડી રાતે આવ્યા બાદ તેની અસર ગુુરુવારના સત્રમાં જોવા મળે એવી આશંકા બજારના સાધનો વ્યક્ત કરી રહ્યાં છે.
અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વ પણ વ્યાજદરમાં તીવ્ર વધારો જાહેર કરશે એવી ધારણા રહી હોવા છતાં, એની જાહેરાતને કારણે બજારનું માનસ વધુ ખરડાશે એમ નિષ્ણાતો માને છે.
એ નોંધવું રહ્યું કે, અમેરિકાની ફેડરલ રિઝર્વના કડક વલણ સાથે ઇન્ફ્લેશનમાં આવી રહેલા ઉછાળાને કારણે નિકટ ભવિષ્યમાં માર્કેટમાં અફડાતફડી જારી રહેશે એવી નિષ્ણાતોની આગાહીઓને પગલે આ વર્ષે અત્યાર સુધીમાં લાર્જ કેપ કરતા નાના શેરોમાં વધુ ધોવાણ નોંધાયું છે. સ્મોલ કેપ અને મિડકેપ શેરોના ઇન્ડેક્સમાં અત્યાર સુધીમાં ચાર ટકા સુધીનું ધોવાણ થયું છે જ્યારે સેન્સેક્સ બે ટકા ગબડ્યો છે.