રક્તચંદન: કેમ અને કેટલું મહત્ત્વનું?

કવર સ્ટોરી -મૌસમી પટેલ
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લોકોના મોઢે એક જ ફિલ્મની ચર્ચા ચાલે છે અને આ ફિલ્મ એટલે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા’. આટલું ઓછું હોય તેમ ટ્રેનમાં, બસમાં કે ક્યાંય પણ તમે તમારી આસપાસમાં નજર કેરો તો દર બીજી વ્યક્તિના મોબાઈલમાં કાં તો ‘પુષ્પા’ ફિલ્મ જ ચાલતી હોય. સોશિયલ મીડિયા પર મીમ્સ અને રીલ્સમાં પણ પુષ્પાનાં ડાયલોગ્સ અને ગીતોની જ બોલબાલા જોવા મળે છે. બોક્સ ઓફિસ પર કમાણીની બાબતમાં આ ફિલ્મ સૌથી આગળ છે અને એક બીજી વાત છે જે આ ફિલ્મ જેટલી જ સુપરહિટ છે અને એ એટલે આ આખી ફિલ્મની વાર્તા જેની આસપાસ ફરે છે એ રક્તચંદન.
સ્મગલિંગ અને ભારતીય ફિલ્મ વચ્ચે વર્ષોનો સંબંધ છે. ક્યારેક સોનું તો ક્યારેક ડ્રગ્સ અને એમાંથી જન્મ લેતી ગુનાખોરી એ બોલીવૂડનો ફેવરિટ વિષય છે, જેના વિશે ફરી ફરી ક્યારેક વિસ્તારથી વાત કરીશું, પણ અત્યારે આપણું ફોકસ છે ફિલ્મમાં દર્શાવવામાં આવેલું રક્તચંદન. સોના કરતાં પણ વધુ કીમતી હોય છે આ રક્તચંદન અને એ કેમ આટલું મહત્ત્વનું છે એના વિશે આજે આપણે વાત કરીશું.
આપણે અવારનવાર આપણાં માતા-પિતા અને વડીલોને એવું કહેતાં સાંભળતા આવ્યા છીએ કે પૈસા કંઈ ઝાડ પર નથી ઊગતા, પણ જ્યારે રક્તચંદનની વાત હોય ત્યારે એવું કહેવું જરા પણ ખોટું નહીં ગણાય કે પૈસા આ જ ઝાડ પર ઊગે છે. રક્તચંદનને પરીસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેના હાથમાં એક વખત આ રક્તચંદન આવી જાય તેના દિવસ બદલાઈ જતાં વાર નથી લાગતી. રક્તચંદન ત્રણ અલગ અલગ રંગમાં આવે છે - સફેદ, પીળું અને લાલ, પરંતુ આ ત્રણેયની સરખામણીએ લાલ રંગનું રક્તચંદન ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે આ લાલ રક્તચંદનને રેડ ગોલ્ડના નામથી પણ ઓળખવામાં આવે છે.
પીળા ચંદનનો ઉપયોગ વૈષ્ણવ લોકો કરે છે, જ્યારે લાલ ચંદનનો ઉપયોગ શૈવપંથીઓ દ્વારા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ચંદનનું એક આગવું જ મહત્ત્વ છે. અગરબત્તીથી લઈને તિલક લગાવવા સુધી લોકો ચંદનનાં લાકડાંનો ઉપયોગ કરે છે અને એ જ પ્રમાણે આ ચંદનનાં લાકડાંમાંથી બનાવવામાં આવેલું ફર્નિચર પણ ખૂબ જ મોંઘું હોય છે. આ ઉપરાંત ચંદનના ઉપયોગથી સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય છે. એક ચંદનના અનેક ફાયદા હોવાને કારણે જ તેની માગણી પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. હવે સ્વાભાવિક છે કે જે ઝાડના આટલા બધા ફાયદા છે એની માગણી પણ એટલી જ વધુ હશે અને જે ચીજ-વસ્તુની માગણી ખૂબ જ મોટા પ્રમાણમાં હોય એ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ તો થવાની જ નથીને? બસ, સરળતાથી નહીં મળનારી વસ્તુને મેળવવા માટે જ માણસ જાત જાતના પેંતરા અપનાવે છે અને તેમાંથી થાય છે એ વસ્તુની તસ્કરી, દાણચોરી.
ચીન, સિંગાપોર અને જાપાન જેવા અનેક દેશ છે જેમને આ લાકડાંની જરૂર હોય છે. તેમાં પણ ચીનમાં તો આ લાકડાંની માગ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ચંદનના વેપાર માટે લગાવવામાં આવતી બોલીમાં યુએઈ, ચીન, જાપાન અને અન્ય પશ્ર્ચિમી દેશોના સેંકડો વેપારીઓ બોલી લગાવે છે.
ચીનમાં આ લાલ રક્તચંદનની લોકપ્રિયતા આજકાલની નથી. ત્યાં ૧૪મી સદીથી રાજ કરનારા મિંગ વંશના કાળથી જ આ લાકડાંની લોકપ્રિયતા હોવાના પુરાવાઓ જોવા મળે છે. જાપાનમાં લગ્ન સમયે વગાડવામાં આવતાં શમીસેન વાદ્ય બનાવવા માટે પણ ચંદનનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સતત બદલાતા સમયની સાથે આજની તારીખમાં આ વાદ્યનો ઉપયોગ ઓછો થઈ ગયો છે અને તેને કારણે જાપાનની સરખામણીએ ચીનમાં આ ચંદનની વધારે માગ છે.
હવે પાછા ફિલ્મની વાત પર આવીએ તો એમાં દેખાડવામાં આવ્યું છે એ જ રીતે આ રક્તચંદન ફક્ત ભારતનાં તમિળનાડુ અને આંધ્ર પ્રદેશ એમ બે જ રાજ્યની સીમા પર માત્ર ચાર જિલ્લામાં આવેલાં જંગલમાંથી મળે છે.
નેલ્લોર, ચિત્તુર, કડપ્પા અને કુર્નુલના શેષાચલમ ડુંગર પર જ આ રક્તચંદનનાં ઝાડ જોવા મળે છે. હવે એ વાત પણ એકદમ સ્વાભાવિક છે કે જો આટલા સીમિત વિસ્તારમાં આટલી કીમતી જણસ મળી આવતી હોય તો તેની ચોરી કરીને સ્મગલિંગ કરવાના પ્રયાસો પણ થાય જને? આશરે પાંચ લાખ સ્ક્વેર હેક્ટરના ક્ષેત્રફળમાં ફેલાયેલાં જંગલોમાં જોવા મળનારા આ ખાસ પ્રકારના ઝાડની ઊંચાઈ ૮થી ૧૧ મીટર હોવાનું કહેવાય છે. આ ઝાડની વૃદ્ધિ ખૂબ જ ઓછી હોવાને કારણે તેની ઘનતા ખૂબ વધુ હોય છે. ઘનતા વધુ હોવાને કારણે અન્ય ઝાડનાં લાકડાંની સરખામણીએ આ લાકડું પાણીમાં ઝડપથી ડૂબી
જાય છે.
સરકાર દ્વારા આ કીમતી લાકડાની તસ્કરી ન થાય એ માટે જે વિસ્તારમાં આ ચંદનનાં ઝાડ ઊગે છે ત્યાં એસટીએફની સ્પેશિયલ ટુકડી તહેનાત કરવામાં આવે છે. આ ચંદનની તસ્કરીમાંથી તૂફાન પૈસા કમાવી શકાય એમ હોવાને કારણે અનેક મોટા મોટા નામચીન ગુનાખોરો પણ મોટું જોખમ વહોરીને તસ્કરી કરે છે. હવે વાત કરીએ કે જો કોઈ વ્યક્તિ આ રીતે રક્તચંદનની ચોરી કરતાં પકડાય તો તેને કેટલી અને કેવી સજા થઈ શકે એની.
જો કોઈ આ રીતે કીમતી ચંદનની ચોરી કરતાં પકડાય તો તેને ૧૧ વર્ષના કારાવાસની સજા કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવે છે. આટલી કઠોર શિક્ષાની જોગવાઈ હોવા છતાં ક્યારેક જળ માર્ગે, ક્યારેક જમીન માર્ગે તો ક્યારેક આકાશ માર્ગે આ કીમતી લાકડાંની તસ્કરી આજે પણ કરવામાં આવે છે. અમુક બહાદુર લોકો તો આ લાકડાંનું ભૂસું કરીને તેની પણ તસ્કરી કરવાનો પ્રયાસ કરે છે.
‘પુષ્પા’ ફિલ્મને કારણે આ મહત્ત્વની વાત અને સમસ્યા અંગે લોકો ચર્ચા કરતા થયા છે. આપણા દેશમાં રહેલી આ સંપત્તિ દુનિયા માટે કેટલી મહત્ત્વની છે એ આ ફિલ્મના માધ્યમથી લોકોના ધ્યાનમાં આવ્યું છે, પણ દુ:ખદ વાત એ છે કે આપણા જ દેશના કેટલાક લોકો આ વાત સમજવા માટે તૈયાર નથી અને તેઓ આ કીમતી સંપત્તિને નુકસાન પહોંચાડવાની તમામ હદ પાર કરી રહ્યા છે... ઉ