રેલવે પરીક્ષાને લગતું આંદોલન: બિહારમાં બંધથી સામાન્ય જનજીવન ખોરવાયું
પટણા: રેલવેમાંની ભરતીની પરીક્ષા પદ્ધતિ અને કહેવાતા ગોટાળાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે કરેલી કડક કાર્યવાહીના વિરોધમાં શુક્રવારે બિહાર બંધની કરાયેલી હાકલને લીધે સામાન્ય જનજીવન ખોરવાયું હતું. રાષ્ટ્રીય જનતા દળ, ડાબેરી પક્ષો અને કૉંગ્રેસ સહિતના
વિપક્ષોએ બંધને ટેકો આપ્યો હતો અને તેને સફળ બનાવવા સક્રિય ભાગ લીધો હતો.
અમુક જગ્યાએ પોલીસ અને બંધના ટેકેદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. આમ છતાં, હિંસાનો કોઇ મોટો બનાવ નહોતો નોંધાયો.
બંધના ટેકેદારોએ કેટલાંક સ્થળે રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા અને તેથી વાહનવ્યવહારને માઠી અસર થઇ હતી.
પોલીસે દાવો કર્યો હતો કે દુકાનદારોને દુકાન બંધ કરવા બળજબરી કરી રહેલા બંધના કેટલાક ટેકેદારોની અટક કરાઇ હતી.
રેલવે ભરતીની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીને ભૂલમાં એકસરખા નંબર અપાયા હોવાનો પણ આક્ષેપ કરાય છે.
રેલવે બૉર્ડે તાજેતરમાં એક ઉચ્ચ સ્તરની સમિતિ રચીને વિદ્યાર્થીઓ - પરીક્ષાર્થીઓ પાસેથી સૂચન મગાવ્યા હતા. (એજન્સી)