પબજીની આડઅસર: લાહોરમાં એક કિશોરે માતા અને ત્રણ ભાઇ બહેનોને રહેંસી નાખ્યા
લાહોર: પબજી નામની ઑનલાઇન રમતની અસરમાં આવી ૧૪ વર્ષના એક કિશોરે તેની માતા, એક ભાઇ અને બે બહેનની ગોળી મારી હત્યા કરી દીધી હતી. માતા નહીદ મુબારક (૪૫) તેમનો ૨૦ વર્ષનો પુત્ર અને ૧૭ તેમ જ ૧૧ વર્ષની બે પુત્રી લાહોરના કાન્હા વિસ્તારમાં આવેલા તેમના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. ૧૪ વર્ષના સગીરે જ તેની માતા અને ભાઇ બહેનોની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું છે. નહીદ મુબારક નામની આ મહિલાએ છૂટાછેડા લીધા છે. તે પુત્રને ભણવા બાબતે હમેશાં ઠપકો આપતી રહેતી હતી.
આ ઘટના બની ત્યારે પણ માતાએ તેને અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ રાત્રે આ કિશોરે માતાની જ પિસ્તોલ કાઢીને ચારે જણને ઠાર માર્યા હતા. નહીદે પોતાના કુટુંબીઓના રક્ષણ માટે આ લાઇસન્સવાળી પિસ્તોલ ઘરમાં રાખી હતી.