પાવરલૂમ ઉદ્યોગ વીજદરનું સંકટ
૨૭ એચપીથી વધુ લોડ ધરાવતા યુનિટોની સબસિડી બંધ -૪૦,૦૦૦નું બિલ હવે થશે ૯૦,૦૦૦ -૧૬૦૦ યુનિટ બંધ થવાને આરે પહોંચ્યા -૨૫,૦૦૦ લોકો રોજગાર ગુમાવશે-આવતીકાલે વસ્ત્રોદ્યોગ પ્રધાનની હાજરીમાં નીકળશે નિરાકરણ?
વિપુલ વૈદ્ય
-------
મુંબઈ: વસ્ત્રોદ્યોગ કમિશનરેટ નાગપુરના કમિશનર શીતલ તેલી-ઉગલેએ રાજ્યની વીજ વિતરણ કંપનીના ચીફ એન્જિનિયર (કમર્શિયલ)ને પત્ર લખીને વીજળીના બિલમાં આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવાનો આદેશ આપ્યો હોવાથી હવે ભીવંડીની ટોરન્ટ પાવર કંપનીએ ૨૦મી જાન્યુઆરીથી ભીવંંડીના પાવરલૂમધારકોને સબસિડી બંધ કરવાની જાણકારી આપી હતી. આને પગલે ભીવંડીના ૨૭ એચપીથી વધુના ૧૬૦૦ યુનિટ ગંભીર આર્થિક સંકટમાં સપડાવાની શક્યતા છે અને તેમાંથી ૯૦ ટકા યુનિટોને બંધ કરવાનો વારો આવશે. આ યુનિટ સાથે સંકળાયેલા ૨૫,૦૦૦ લોકો પોતાના રોજગાર ગુમાવશે. ગુરુવારે રાજ્યના વસ્ત્રોદ્યોગ ખાતાના પ્રધાન અસલમ શેખ ભીવંડી આવી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે.
આ ગંભીર વિષયને લઈને ભીવંડીના પાવરલૂમ ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ભીવંડીના ભૂતપૂર્વ વિધાનસભ્ય રશીદ તાહિર મોમીને મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે રાજ્યના વસ્ત્રોદ્યોગ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે ૨૭ એચપીથી વધુ લોડ ધરાવતા જે ગ્રાહકોને અત્યાર સુધી રૂ. ૪૦,૦૦૦ વીજ બિલ આવતું હતું તેમને હવે રૂ. ૯૦,૦૦૦ જેટલું બિલ આવશે. વીજદર ચાર રૂપિયાથી વધીને સીધો નવ-દસ રૂપિયા થઈ જશે. રાજ્યનો વસ્ત્રોદ્યોગ પહેલેથી જ સંકટમાં છે ત્યારે આ નિર્ણયથી આ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડશે. આટલો બોજ લૂમ સહન નહીં કરી શકે. ભીવંડીમાં અત્યારે ૨૭ એચપીથી વધુ લોડ ધરાવતા ૧૬૦૦ યુનિટ છે અને તેનાથી સીધો અથવા આડકતરો રોજગાર મેળવનારા ૨૫,૦૦૦ લોકો છે. આ યુનિટો બંધ થઈ જશે તો રાજ્યમાં બેરોજગારી વધી જશે. આટલા લોકોના જીવનમરણનો પ્રશ્ર્ન છે.
મળતી માહિતી મુજબ ૨૭ હોર્સપાવરથી ઓછા લોડના વીજગ્રાહકોને ઓફલાઈન અને ૨૭ એચપીથી વધુનું વીજ જોડાણ ધરાવતા પાવરલૂમમાલિકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું. હવે સમસ્યા અહીં ઊભી થઈ છે. વાસ્તવમાં છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી ભીવંડીમાં એકેય નવી લૂમ લાગી નથી. અત્યારે જે લૂમો કાર્યરત છે તે બધા જૂના લૂમોને એસેમ્બલ કરાવીને ચલાવવામાં આવી રહ્યા છે. આ મશીનો માટે બિલ અને બીજી જે વિગતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં માગવામાં આવી હતી તે આપવી મુશ્કેલ હોવાથી તેમ જ અનેક લોકો ટેક્નોલોજીમાં નબળા હોવાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શક્યા નહોતા. જે લોકોએ રજિસ્ટ્રેશન ઓનલાઈન નથી કરાવ્યું તેમની સબસિડી બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ અનેક લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં તેમને અપ્રૂવલ આપવામાં આવ્યું નથી આથી આવા લોકોને પણ ફટકો પડશે.
ભીવંડીમાં ૨૭ હોર્સપાવરથી ઓછો લોડ ધરાવતા ગ્રાહકોને વીજળી રૂ. ૨.૮૮થી રૂ. ૩.૦૦ના દરે મળે છે. જ્યારે ૨૭ એચપીથી વધુના ગ્રાહકોને રૂ. ૩.૭૬થી રૂ. ૪.૦૦ના
દરે વીજળી આપવામાં આવે છે, પરંતુ જેમના ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી થયા તેમને હવે સીધું રૂ. ૯-૧૦.૦૦ના દરે બિલ આપવામાં આવશે.
હવે અત્યંત રસપ્રદ બાબત એ છે કે ૨૭ એચપીથી ઓછા અને વધુ બંને લૂમ પર એકસરખું કપડું તૈયાર થાય છે. પરંતુ મોટા યુનિટના વીજદર વધી જવાને કારણે તેમની પડતર કિંમતમાં વધારો થઈ જશે અને તેઓ નાના લૂમની સાથે સ્પર્ધા કરી શકશે નહીં અને પરિણામે તેમણે લૂમ બંધ કરવાનો વારો આવશે.
આ બાબતે વાત કરતાં ભીવંડી પાવરલૂમ ઍસોસિયેશનના પ્રવક્તા શરદરામ સેજપાલે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે ભીવંડી વસ્ત્રોદ્યોગનું કેન્દ્ર છે અને અહીં લૂમ ઉપરાંત બીજી અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તે બાબતને ધ્યાનમાં રાખીને ફક્ત પાવરલૂમ જ નહીં, વાર્પિંગ, ટ્વિસ્ટિંગ, સાઈઝિંગ, ડાઈંગ જેવા ટેક્સ્ટાઈલ સાથે સંકળાયેલા બધા જ ઉદ્યોગોને એકસરખો વીજદર આપવો જોઈએ.
---------
આવતીકાલે વસ્ત્રોદ્યોગ પ્રધાન ભીવંડીમાં: બધા ઍસોસિયેશનોને મળશે
રાજ્યના વસ્ત્રોદ્યોગ ખાતાના પ્રધાન અસલમ શેખ ગુરુવારે ભીવંડીની મુલાકાતે આવશે અને આ દિવસે સિડકો ભવનમાં બપોરે ૧૨.૦૦ વાગ્યે પાવરલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ ઍસોસિયેશનને મળશે. આ બેઠકમાં પાવરલૂમ ઉદ્યોગને રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલી વિવિધ સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે. અસલમ શેખે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો સાથે ચર્ચા કરવામાં આવ્યા બાદ પાવરલૂમ ઉદ્યોગ માટે કોઈ નક્કર નિર્ણયનું એલાન કરવામાં આવશે.
-------
એકેય લૂમ બંધ નહીં થવા દેવાય: નાના પટોલે
મુંબઈ: ભીવંડીમાં ૨૭ એચપીના વર્ગીકરણને આધારે ૧૬૦૦ યુનિટોની હાલત બંધ થવા સુધી પહોંચી છે ત્યારે મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ભીવંડીના પાવરલૂમ સાથે સંકળાયેલા લોકોના પ્રતિનિધિઓને એવી ખાતરી આપી હતી કે એકેય યુનિટ બંધ થવા નહીં દેવાય. તેમણે રાજ્યના વસ્ત્રોદ્યોગ ખાતાના પ્રધાન અસલમ શેખને નિર્દેશ કર્યો હતો કે ભીવંડીના પાવરલૂમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવું. તેમણે એવો ટોણો પણ માર્યો હતો કે ભીવંડીમાં કૉંગ્રેસનો વિધાનસભ્ય કે સંસદસભ્ય ન હોવાથી આ સમસ્યા સર્જાઈ છે.