આજે પોષી પૂનમઃ વ્રત કરવાથી થશે અક્ષય પુણ્યની પ્રાપ્તિ

હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ અને તહેવારોનું મહત્વ છે. આ વ્રતના તહેવારોમાં સ્નાન, દાન, તપ અને જપનું વિશેષ મહત્વ છે. આમાં પૂનમને વિશેષ તિથિ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, દર મહિને પૂર્ણિમાની તિથિ આવે છે અને આજે એટલે કે 17મી જાન્યુઆરીએ પોષી પૂનમ છે. આજના શુભ દિવસે વ્રત અને દાન કરવાનો અનોખો મહિમા છે. આજે ચંદ્રની સાથે વિષ્ણુની પૂજા કરવાથી અમોઘ ફળની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રોમાં શુક્લ પક્ષને દેવતાઓનો સમય કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે દાન કરવાથી વ્યક્તિના પાપ દૂર થાય છે અને અમોઘ ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં પણ પૂર્ણિમાના વ્રતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ પૂર્ણિમા વ્રતની પૂજા કરવાની રીત અને તેના વ્રતના ફાયદા વિશે.
પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ અને ભગવાન સત્યનારાયણની વિધિપૂર્વક પૂજા કરવી. ત્યારબાદ નૈવૈદ્ય તરીકે મીઠાઈ અને પંચામૃત ચઢાવો. સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ ઉપવાસ તોડવો જોઈએ.
આ પૂનમનું વ્રત કરવાથી જીવનની અને પરિવારની ઘણી મોટી સમસ્યાઓ દૂર થાય છે. લગ્નજીવન સુખદ બને છે અને પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ કાયમ રહે છે.