પોલીસે ત્રણ વર્ષની બાળકીનો પરિવાર સાથે કરાવ્યો મેળાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં કાંદિવલી રેલવે સ્ટેશન પર ત્રણ વર્ષની બાળકી પરિવારથી વિખૂટી પડ્યા પછી આરપીએફના જવાને યોગ્ય તપાસ કર્યા પછી તેમના પરિવારને સુખરૂપ સોંપવામાં આવી હતી. કાંદિવલી રેલવે સ્ટેશનના બે નંબરના પ્લૅટફૉર્મ ખાતે રવિવારે રાતના સાડા આઠ વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો. પ્લેટફોર્મ નંબર બે પર એક બાળકી રડતી જોવા મળી હતી, ત્યારબાદ આરપીએફના જવાનો(અવિનાશ)એ તેને તાબામાં લઈને સ્ટેશન માસ્ટરની ઑફિસમાં સોંપવામાં આવી હતી. કાંદિવલી સ્ટેશનના સુપરિટેન્ડન્ટે બોરીવલી, મલાડ અને ગોરેગાંવ સ્ટેશનમાં મિસિંગ ગર્લ અંગેની સૌને જાણ કરી હતી. કાંદિવલી રેલવે સ્ટેશન ખાતે રાતના નવ વાગ્યાના સુમારે એક વ્યક્તિ બાળકીને શોધતા આવી હતી. તેમણે તેમનું નામ ઉમેશ ગુપ્તા તથા તેના દાદા હોવાની ઓળખ આપી હતી. બાળકીની ઉંમર ત્રણ વર્ષ તથા તેનું નામ પીહુ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આરપીએફની મહિલા કોન્સ્ટેબલે પ્રતિભા પટેલે વિગતવાર તપાસ કર્યા પછી બાળકીને તેના દાદાને સોંપી હતી. બાળકીની સંભાળ રાખવાની સાથે તેને સમયસર પરિવારને સોંપવા બદલ પોલીસના જવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.