પ્રજાસત્તાક દિન અગાઉ પોલીસે શસ્ત્રોના દાણચોરોની ધરપકડ કરી
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનની ઉજવણી અગાઉ દિલ્હી પોલીસની
વિશેષ ટુકડીએ શસ્ત્રોની દાણચોરીમાં સંડોવણી ધરાવતી બે વ્યક્તિની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ મંગળવારે
કહ્યું હતું.
આરોપીને રવી ખાન (૪૦) અને રાહુલસિંહ છાબડા (૨૩) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.
આ બંને અનુક્રમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લા અને મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની હોવાનું તેમણે કહ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર છાબડા અને તેના સાથીદારો મધ્ય પ્રદેશથી શસ્ત્રો લાવીને ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆર વિસ્તારમાં ગેરકાયદે શસ્ત્રો પૂરા પાડવાનું કામ કરતા હતા.
મળેલી બાતમીને આધારે પોલીસે ૧૫મી જાન્યુઆરીએ મુકુન્દપુર વિસ્તારમાં છટકું ગોઠવી ખાનની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૫ સેમી-ઑટોમેટિક પિસ્તોલ જપ્ત કરી હતી, એમ ડીસીપી સંજીવકુમાર યાદવે કહ્યું હતું.
પૂછપરછ દરમિયાન ખાને કબૂલ્યું હતું કે આ શસ્ત્રો તેણે તેના સાથીદાર છાબડા પાસેથી મેળવ્યા હતા.
૧૬મી જાન્યુઆરીએ પોલીસની એક ટુકડી મધ્ય પ્રદેશ પહોંચી હતી અને ધાર જિલ્લામાંથી છાબડાની ધરપકડ કરી છાબડા પાસેથી પોલીસે ૧૦ ગેરકાયદે હથિયાર જપ્ત કર્યા હતા.
તપાસ દરમિયાન છાબડા વિદેશસ્થિત મૉડ્યુલ્સ સાથે કડી ધરાવતો હોવાનું તેમ જ હવાલા કૌભાંડમાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું, એમ ડીસીપીએ કહ્યું હતું. (એજન્સી)
-----------
ઉત્તર પ્રદેશના પ્રધાનને ચૂંટણીપંચની નૉટિસ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શિખરપુર મતદારક્ષેત્રથી ભાજપના ઉમેદવાર અને ઉત્તર પ્રદેશના પ્રધાન અનિલ શર્માનો પુત્ર લોકોમાં રૂપિયાની લ્હાણી કરતો હોવાનો કથિત વીડિયો વાઈરલ થયા બાદ ચૂંટણીપંચે આ મામલે ૨૪ કલાકની અંદર ખુલાસો કરવાનું જણાવતી નૉટિસ અનિલ શર્માને પાઠવી હતી.
ઢોલનગારાનાં અવાજ વચ્ચે વાહનની નજીક લોકોમાં રૂ. ૧૦૦ની ચલણી નોટનું વિતરણ કરી રહેલા શર્માના પુત્ર કુશનો વીડિયો વાયરલ થયો હતો.
જોકે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે રૂપિયા સ્વીકારી રહેલા લોકો ઢોલનગારાવાળા હતા.
શિખરપુરના રિટર્નિંગ ઑફિસરે શર્માને નૉટિસ પાઠવી આ અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. (એજન્સી)ઉ