ગુજરાતના આ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે પ્લેટફોર્મ પર લોકોની ભીડ ન થાય તે માટે પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઈ રીતે વધારવામાં છે એ મુજબ હવે પ્લેટફોર્મ ટિકિટ માટે લોકોને 30 રૂપિયા ચુકવવા પડશે, જે અગાઉ 5-10 રૂપિયા હતો.
પશ્ચિમ રેલવેના નોટિફિકેશન અનુસાર કોવિડ-19ના ફેલાવાને રોકવા અને રેલવે સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18મી જાન્યુઆરીથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર 5થી 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવી રહ્યો છે.
રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે પ્લેટફોર્મ તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. નોંધનીય છે કે તાજેતરમાં વડોદરા, આણંદ, નડિયાદ, છાયાપુરી, ગોધરા, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારવામાં આવ્યા છે.