શાળાઓ આંશિક રીતે ખોલવામાં આવતા વાલીઓ મૂંઝવણમાં
મુંબઇ: મુંબઇ પેરેન્ટ્સ ઍસોસિએશને બૃહદ્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) કમિશનરને પત્ર લખીને માગણી કરી હતી કે પાલિકાએ તમામ શાળાઓ ફરીથી શરૂ થાય તેની ખાતરી કરવી જોઇએ.
પાલિકાએ સોમવારથી શાળાઓની ઑફલાઇન કામગીરીને મંજૂરી આપી હોવા છતાં ઘણી શાળાઓ બંધ છે અથવા આંશિક રીતે ખોલવામાં આવી છે, એમ ઍસોસિયેશને જણાવ્યું હતું.
ખાનગી શાળાઓ ઘણા ઓછા પ્રમાણમાં ખૂલી છે. ઘણા હજુ પણ સામાન્ય રીતે શાળા ખોલવાનો ઇનકાર કરી રહ્યા છે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એક કે બે દિવસ માટે બોલાવે છે અને બાકીની સંપૂર્ણ ફી સાથે ઑનલાઇન વર્ગો લેવાની મનસા રાખે છે. આ શાળાઓ એસ.ઓ.પી.નું બહાનું આગળ ધરીને શાળાઓ શરૂ કરવા માટે બહાના બતાવી રહી છે, એમ તેમણે પાલિકાના કમિશનરને આપેલા પત્રમાં જણાવ્યું હતું.
પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે શાળાઓને બંધ કરવાનું કહેવામાં આવે ત્યારે એક મિનિટની પણ રાહ જોતા નથી અને જ્યારે ખોલવાની વાત આવે ત્યારે બહાના કરે છે.
ઘણી બધી શાળાઓ સોમવારથી શરૂ કરવામાં આવી નથી. જ્યારે કેટલીક શાળાઓએ ઓછામાં ઓછામાં એક અઠવાડિયામાં શરૂ કરવા વિશે વાલીઓને જાણ કરી છે અને કેટલીક શાળાઓ આ વિષય પર સંપૂર્ણપણે મૌન છે, જેના કારણે વાલીઓ અવગઢમાં મુકાઇ ગયા છે, એમ એક વાલીએ જણાવ્યું હતું.
કેટલાક વાલીઓના મતમુજબ આંશિક ઑફલાઇન ક્લાસને અનુસરવું મુશ્કેલ છે.