ગુજરાતમાં ફરી એક વાર અવકાશી પદાર્થ પડ્યો: લોકોમાં ભયનો માહોલ, ઇસરોની મદદ લેવાશે

અમદાવાદ :ગુજરાતમાં અવકાશી પદાર્થો પડવાની ઘટનાઓ વધી રહી છે. આણંદ જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળ પરથી અવકાશી ગોળાઓ મળી આવ્યા બાદ ફરી આજે શનિવારે ખેડા જિલ્લાના ચકલાસીના ભુસેલ ગામમાં આકાશમાંથી ગોળા જેવી એક વસ્તુ પડવાની ઘટના ઘટી હતી. અહીંના એક પોલ્ટ્રી ફાર્મમાં આવી વસ્તુ ખૂબ જ મોટા અવાજ સાથે પડતા ફાર્મના માલિક ડરી ગયા હતા. આ અંગે તેમણે સરપંચને જાણ કરી હતી. સરપંચ આવીને ગામની મુલાકાત લીધી હતી અને તે બાદ ચકલાસી પોલીસ ને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટનાની માહિતી લીધી છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે .અત્યાર સુધી જે અવકાશી પદાર્થો પડ્યા છે તે મોટાભાગે ખુલ્લા મેદાન કે ખેતરોમાં પડ્યા છે. જોકે, આસપાસમાં માનવ વસાહત હોવાથી લોકોમાં કુતૂહલ કરતા હવે ડરનો માહોલ વધારે જોવા મળે છે. દરમિયાન બે જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ પદાર્થ મળી આવતાં તંત્રએ ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટો પડેલો ભાગ હોવાનું અનુમાન છે.
