નવું ભારત સશક્ત બની રહ્યું છે: રાષ્ટ્રપતિ
‘આર્થિક વિકાસ ઝડપી બની રહ્યો છે’
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે જણાવ્યું હતું કે નવું ભારત વધુ સશક્ત અને સંવેદનશીલ બની રહ્યું છે. કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન ધીમું પડેલું દેશનું અર્થતંત્ર હવે ફરી મજબૂત બની રહ્યું છે અને ઝડપી આર્થિક વિકાસ થઇ રહ્યો છે.
તેમણે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે દુનિયાભરના લોકો હાલમાં કોવિડ-૧૯ના રોગચાળાનો સામનો કરી રહ્યા છે અને તેમાં ભારત મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. દેશની મોટી વસતિ હોવા છતાં ડૉક્ટરો, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ સહિતના લોકોની મહેનતથી આપણે તેનો સારી રીતે સામનો કરી શક્યા
છીએ.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતની વિવિધતામાંની એકતાની વિશ્ર્વભરમાં પ્રશંસા થઇ રહી છે.
રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો, ખાસ કરીને યુવાન અને નાના કિસાનો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. યુવાન ઉદ્યોગપતિઓ પણ દેશને પ્રગતિપંથે આગળ વધારી રહ્યા છે. અક્ષયઊર્જા ક્ષેત્રે પણ મોટા પાયે કામગીરી થઇ રહી છે.
દેશના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે લશ્કરમાં હવે મહિલા ઑફિસર્સને ‘પરમેનન્ટ કમિશન’ માટે મંજૂરી મળી છે. દેશની મહિલાઓના સશક્તીકરણને લીધે તેઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. તેઓ હવે સૈનિક સ્કૂલ્સમાં અને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાવવા આવે છે.
તેમણે જણાવ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે ભારત દરેક પડકારનો સામનો કરવા સક્ષમ છે. દેશમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને કોવિડ-૧૯ સામેના રસીકરણની મોટા પાયે ઝુંબેશ હાથ ધરાઇ છે.
રાષ્ટ્રપતિએ જનતાને પોતાના મૂળ ગામ અને શહેરના વિકાસ માટે બનતા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝને પણ યાદ કર્યા હતા. (એજન્સી)