દિવસ પાંચમો ડિરેક્ટર એટલે કેપ્ટન ઓફ શિપ: રાજુ જોશી -કલાનો ચેપ લાગવો એ જ સાચી સમજ: કૌસ્તુભ ત્રિવેદી -નાટકની સફળતા એ લેખકની મહેનતનું ફળ: રાજેન્દ્ર બુટાલા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત અને માટુંગા ગુજરાતી ક્લબ લિમિટેડ’ના સહકારથી નાટ્યદિગ્દર્શન શિબિરના પાંચમા દિનની શરૂઆત અભિનેતા અરવિંદ વેકરિયાએ નાટ્યશિબિરમાં હાજર રહેલાઓને કહ્યું હતું કે ગ્લેમર જોઇને કૂદી પડવાની જરૂર નથી. ગ્લેમર છોડીને અભિનય કરવાની ઈચ્છા જાગવી જોઇએ, એમ કહીને કરી હતી. જાણીતા અભિનેતા અને દિગ્દર્શક વિપુલ વિઠલાણીએ નાટકમાં રિટેકને કોઇ ચાન્સ નથી હોતો. સિરિયલ, ફિલ્મ અને વેબનું રાઈટિંગ અલગ અને નાટકનું રાઈટિંગ જુદા પ્રકારનું હોય છે. નાટક લખવા બેસો ત્યારે અનેક કસોટીઓ થતી હોય છે. લિમિટેડ પાત્રોમાં રમીને સીન, લોકેશન તેમ જ અનેક પાસાં પર નજર કરવી પડે છે. નાટકમાં બજેટનો પ્રશ્ર્ન તો આવતો જ હોય છે, એવાં નાટક અંગેનાં અનેક પાસાં પર પ્રકાશ પાડ્યો હતો. છેવટે એટલું કહીશ કે દિગ્દર્શક અને રાઈટરની ઊપજ છે નાટક. નાટક ક્ષેત્રે પદાર્પણ કરવા માટે થનગનતા નવયુવાનોને કશુંક નવું પ્રાપ્ત થાય એ માટે ‘મુંબઈ સમાચારે’ નાટયશિબિરનું આયોજન કર્યું છે. છેલ્લા ચાર દિવસથી નાટ્યજગત સાથે સંકળાયેલા અનેક દિગ્ગજોએ જ્ઞાનસરિતા આ શિબિરમાં વહાવી હતી, જ્યારે પાંચમા દિવસે પણ નાટ્યજગતમાં મોટું નામ ધરાવતા દિગ્દર્શક રાજુ જોશી, નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી અને અભિનેતા-દિગ્દર્શક રાજેન્દ્ર બુટાલાએ નાટ્યશિબિરમાં આવેલા નવયુવાઓને કશુંક નવું જાણવા મળે એ માટે જાણકારી આપી હતી.
બાહુબલી ફિલ્મમાં સિનેમેટોગ્રાફીથી લઈને સાઉન્ડ અને ટેક્નિક બધું જ સુંદર હતું તો એમાં ડિરેક્ટરની જોબ શું. આ અંગે ફોડ પાડતાં દિગ્દર્શક રાજુ જોશીએ કહ્યું હતું કે બાહુબલીના દિગ્દર્શક રાજામૌલીએ તમામ લોકોને એકઠા કર્યા. તમારી જિંદગીમાં માતાનું સ્થાન જેટલું મહત્ત્વનું હોય છે એટલું મહત્ત્વનું સ્થાન નાટક ક્ષેત્રે ડિરેક્ટરનું હોય છે. નાટકને જન્મ આપે છે લેખક અને એ કૃતિને ઓડિયન્સ સમક્ષ રજૂ કરે છે એ ડિરેક્ટર. નાટકમાં જે ભજવાતું હોય એના પર વિશ્ર્વાસ કરાવવાનું કામ ડિરેક્ટરનું છે. આલિયા ભટ્ટ યંગ છે અને તેને ગંગુબાઈના પાત્રમાં ઢાળવાનું કામ ડિરેક્ટરે કર્યું છે. દીકરો જ્યારે કોઇ ક્ષેત્રે નામ કમાય ત્યારે જે આનંદ માને થાય એટલો જ આનંદ જ્યારે ઓડિયન્સ તરફથી પ્રતિભાવો આવે ત્યારે ડિરેક્ટરને થતો હોય છે.
સેક્ધડ સેશનમાં કૌસ્તુભ ત્રિવેદીની ઓળખ આપતાં પહેલાં પ્રવીણ સોલંકીએ દિગ્દર્શક વિશે વાત કરતાં કહ્યું હતું કે એક્ટર તો માત્ર પાત્રમાં પરકાયા પ્રવેશે છે, જ્યારે ડિરેક્ટરે તો તમામ ઠેકાણે પરકાયા પ્રવેશ કરવો પડે છે. નાટ્યક્ષેત્રે આગવું સામ્રાજ્ય ઊભું કરીને આજે તેઓ ટોચના સ્થાને બિરાજે છે એ રામાયણ સિરિયલમાં રાવણ તરીકે પ્રખ્યાત થયેલા અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીના ભત્રીજા એટલે કૌસ્તુભ ત્રિવેદી. નાટક પહેલાં થતી પ્રાર્થનામાં સાત્વિકમ શિવમ્ અંગે સમજ આપતાં કોસ્તુભભાઈએ કહ્યું હતું કે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતી ઓડિયન્સ આવતી હોય છે, એટલે નાટક છેને રોટલા જેવું હોવું જોઇએ, જે આસાનીથી પચી જાય. મીઠાઈ અને ફરસાણ દરરોજ ખાવાં ન ભાવે. નિર્માતાને અનેક મુશ્કેલીઓમાંથી પાર થવું પડતું હોય છે. નાટક કોઇ સત્ય નથી, પણ સત્યની એકદમ લગોલગ હોય એને નાટક કહેવાય. તમે જે નથી એ તમારે ભજવવાનું હોય છે. નાટકનો પ્રચાર કેવી રીતે કરવો જોઇએ એ પણ મહત્ત્વનો ભાગ છે. નાટક કમાવવા માટે નથી, કારણ કે જો નાટકમાં અઢળક પૈસા રળાતા હોત તો કોર્પોરેટ કંપનીઓ ક્યારની આમાં પ્રવેશી ચૂકી હોત. કલાનો ચેપ લાગવો એ જ તેની સાચી સમજ.
અભિનેતા અને દિગ્દર્શક રાજેન્દ્ર બુટાલાએ શિબિરનો આખરી દોર સંભાળતાં કહ્યું હતું કે નાટકની સફળતા એ લેખકની મહેનતનું ફળ છે. પ્રોડક્શનના તબક્કે વાત કરીશ તો પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. કોસ્ચ્યુમ્સ, લાઈટ, સ્ક્રિપ્ટિંગ, મેકઅપથી લઈને દરેક પાસાં પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે અને આ બધામાં પણ જો સૌથી મહત્ત્વનું પાસું ગણાય તો એ છે બેકસ્ટેજ.
જો તમારે નાટ્યક્ષેત્રે સફળતાનું પ્રથમ પગથિયું ચડવું હોય તો એ છે શિસ્ત. કોઇ પણ પાત્રને ન્યાય આપવો હોય તો નાટક શરૂ થાય તેની વીસેક મિનિટ પહેલાં પહોંચી જવું જોઈએ. મારું એક નાટક હતું, જેમાં મારું નામ મનુભાઈ હતું. પાત્રમાં ઓતપ્રોત કેવી રીતે થવાય એ અંગે બુટાલાએ કહ્યું હતું કે નાટકમાં ત્રણ બેલ વાગે. હું વહેલો પહોંચી ગયો હોઉં એટલે પહેલી બેલ સંભળાય ત્યારે મને મનુભાઈ દેખાય, બીજી બેલ વખતે હું કોણ છું એ મને યાદ ન રહે અને ત્રીજી બેલમાં હું મારા સગાંવહાલાંને પણ ન ઓળખું, સંપૂર્ણપણે મનુભાઈ મારી અંદર પ્રવેશી ગયા હોય. નાટક ભજવતી વખતે સૌથી મહત્ત્વનું છે કેરેટ્કરને પકડી રાખો.