હું થિયેટરને મંદિરની વ્યાખ્યા આપું છુ: ભૌતેષ વ્યાસ -આર્ટ આવડતું હોય એટલે આર્ટ ડિરેક્ટર છે એવું નથી: સુભાષ આશર -નાટકને ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરે છે પ્રચારક દીપક સોમૈયા
દિવસ છઠ્ઠો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાટકજગતમાં સાઠથી નેવુંના દાયકામાં જેમણે એકચક્રી શાસન કર્યું એવા સુરેશ વ્યાસના દીકરાએ તેમના પિતાના વારસાને બખૂબી આગળ ધપાવ્યો છે, એવી ઓળખ આપીને પ્રવીણ સોલંકીએ કહ્યું હતું કે જુદાં જુદાં નાટકોમાં કળાઓને પ્રદર્શિત કરવાનું કામ જો નબળું પડી જાય તો આખું નાટક જ મરી જાય. કેરેક્ટર કે રંગમંચ પર પ્રકાશ ફેલાવવાનું જ નહીં પણ નાટકને ઉજાળવાનું કામ કરે છે લાઈટ ડિઝાઈનર. માત્ર ગુજરાતી જ નહીં પણ અનેક ભાષાઓમાં લાઈટ પૂરી પાડનારા અને માત્ર ૧૬ વર્ષની ઉંમરથી આ લાઈનમાં ઝુકાવનાર ભૌતેષભાઈએ ૪૯૯ નાટકોને લાઈટ આપીને ન્યાય આપ્યો છે.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન નાટકના જુદાં જુદાં પાસાં અંગે શિબિરમાં જોડાયેલા નવયુવાનોએ જાણકારી મેળવ્યા બાદ લાઈટનું કેટલું મહત્ત્વ હોય છે તે અંગે પ્રકાશ પાડતાં ભૌતેષભાઈએ કહ્યું હતું કે આ વિષયને એક કે દોઢ કલાકમાં સમજાવવો અઘરો છે. ભરતનાટ્ય શાસ્ત્રના રચયિતા ભરતમુનિની પરિકલ્પના હતી કે થિયેટર કેવું હોવું જોઈએ. હું થિયેટરને મંદિરની વ્યાખ્યા આપું છું. થિયેટરમાં બનતાં હેપનિંગ્સ, ક્લાઈમેક્સ, પ્રિક્લાઈમેક્સ, ઈન્ટરવલ એવાં ઘણાં પાસાં પર ધ્યાન આપવું પડે છે. લાઈટ ડિઝાઈનરે આ માટે ડિરેક્ટર અને લેખક સાથે ચર્ચાવિચારણા (એટલે કે સ્ટોરી નરેટ) કરવી પડતી હોય છે ત્યારે નાટકમાં કઇ કઇ લાઈટનો વપરાશ થઇ શકે છે તેની સમજ આવે છે. બે-ત્રણ રિહર્સલ જોયા પછી અનેક નાટકમાં કઇ લાઈટ લગાવવામાં આવે તે નક્કી થાય છે અને ગ્રાન્ડ રિહર્સલમાં એ ફાઈનલાઈઝ થાય છે.
પહેલાં જ્યારે નાટકો થતાં ત્યારે લાઈટો નહોતી. એક ખાડો ખોદીને ચાર બાંબુ ગોઠવ્યા બાદ તેના પર મશાલ ગોઠવી દેવામાં આવતી હતી. ત્યાર બાદ ટોર્ચ આવી અને બાદમાં ફાનસ. આવા ઘણાં ઈન્વેન્શન આવતાં ગયાં અને નાટકને નવાં રૂપ મળતાં ગયાં. લાઈટની બાબતમાં ગ્રાન્ડ રિહર્સલ પહેલાં જે ટેક્નિકલ રિહર્સલ થાય એમાં મોટા ભાગનું ફાઈનલ થઇ જતું હોય છે. ગ્રાન્ડ રિહર્સલ થયા પછી પણ ક્યારેક વિચાર્યું ન હોય એવું થતું હોય છે. નાટકનો પહેલો શો થયા પછી કોઇ ચેન્જીસ કરવા પડે તો તેના માટે તત્પરતા રાખવી પડે. રિયાલિસ્ટિક, મૂડ સોર્સ અને સજેસ્ટિવ લાઈટિંગની સમજ આપીને ભૌતેષભાઈએ શિબિરમાં આવેલા નવયુવાઓની નાટકમાં લાઈટનું કેટલું મહત્ત્વ છે તેની સમજ પૂરી પાડી હતી.
પહેલું સેશન દીર્ઘકાળ સુધી ચાલ્યા બાદ બીજું સેશન સેટ ડિઝાઈનનું આવ્યું. ત્રણ કલાકની ઈવેન્ટ હોય પણ તેના માટે અનેક રાતોના ઉજાગરા કરતા હોય છે, સેટની ડિઝાઈનકર્તા. નાટ્યક્ષેત્રે આજે કોઇના પણ મોઢે નામ રમતું હોય તો એ સુભાષ આશરનું, એવું વિપુલ વિઠલાણીએ કહ્યું હતું.
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને સેટ ડિઝાઈનર સુભાષ આશરે કહ્યું હતું કે આવ્યો હતો એક્ટર બનવા માટે, પણ ટેક્નિકની ઘણી બધી બાબતો જાણતો હોવાને કારણે છેલ્લે મેં સેટ ડિઝાઈનક્ષેત્રે ઝંપલાવ્યું. સેટ ડિઝાઈનિંગ એટલે દરેક આર્ટિસ્ટની મુવમેન્ટ પર ધ્યાન રાખવું પડે. આર્ટ આવડતું હોય તો એનો મતલબ એ નથી કે એ આર્ટ ડિરેક્ટર છે. સેટ ડિઝાઈનિંગના અનેક પાસાં છે. તમારે ઘણું રિસર્ચ કરવું પડે છે આ ક્ષેત્રે. પહેલાંના સમયમાં ઘણી મહેનત થતી હતી. આ સમયમાં પણ મહેનત તો પડે જ છે પણ હવે ઘણી બધી ટેક્નિક આવી ગઇ છે. નાટક ચાલતું હોય ત્યારે ઓડિયન્સને સ્ટેજ દેખાવો જોઇએ. જોકે ક્યારેક એવું પણ બને કે કોર્નરની સીટ પર ઓડિયન્સ હોય ત્યારે એ સેટ ન જોઇ શકે, પણ એ સમયે આપણે આર્ટિસ્ટ દેખાવો જોઇએ એવી રીતે સેટની ડિઝાઈન કરવી જોઇએ. આવી અનેક બાબતો અંગે માહિતી પૂરી પાડીને સુભાષ આશરે શીખવા આવેલાઓના સંતોષકારક જવાબો પણ આપ્યા હતા.
નાટક લખાય, ડિરેક્ટ થાય, એક્ટરો એક્ટિંગ કરે, પણ પબ્લિક સુધી કેવી રીતે પહોંચે આ નાટક. પબ્લિસિટીમાં જેની માસ્ટરી છે એવા દીપક સોમૈયાએ નાટકનો પ્રચાર કેવી રીતે કરવો એ અંગે શિબિરના આખરી સેશનમાં કહ્યું હતું કે અત્યારે તો ડિજિટલનો જમાનો છે એટલે નાટકોનો પ્રચાર કરવામાં બહુ મુશ્કેલી નથી પડતી, પણ એક સમય એવો હતો કે બ્લોક બનાવીને નાટકની એડ ડિઝાઈન થતી અને મોડી રાતે પણ પ્રેસમાં પહોંચાડવાની કસરત કરવી પડતી હતી.૧૯૮૨થી આ ક્ષેત્રે બહોળું નામ ધરાવતા દીપક સોમૈયાએ વધુમાં કહ્યું હતું કે નાટકને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે કેચલાઈન, ડિઝાઈન, લેઆઉટ અને આર્ટિસ્ટની ઓળખ પ્રેઝન્ટ કરવાનો આઈડિયા કરવો પડે છે. નાટકની જાહેરખબર કરવી એ મુશ્કેલીનું કામ છે, કારણ કે અત્યારે ફાસ્ટફૂડનો જમાનો છે. અચ્છા પાછો બજેટનો પણ પ્રશ્ર્નો તો ખરો જ. તેમ છતાં કહું તો આજે પબ્લિસિટીની દુનિયા છે. જો દિખતા હૈ વો બિકતા હૈ. શિબિરના અંતે તેમણે શિબિરમાં હાજર તમામને આ લાઈનમાં જેને પણ શીખવાની ધગશ છે તેને તેની ઓફિસમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
મુંબઈ સમાચાર આયોજિત અને માટુંગા ગુજરાતી ક્લબ લિમિટેડના સહકારથી નાટ્યદિગ્દર્શન શિબિરને શનિવારે છઠ્ઠો દિવસ પૂરો થયો. રવિવારે સાતમો અને આખરી દિન હોવાથી છેલ્લા છ દિવસમાં શિબિરમાં આવનારાઓમાં આત્મવિશ્ર્વાસમાં કેટલો વધારો થયો છે તેના પર અમારા સંકલનકારો પ્રવીણ સોલંકી, વિપુલ વિઠલાણી અને અરવિંદ વેકરિયા નિરીક્ષણ કરશે અને વધારાનું માર્ગદર્શન પૂરું પાડશે. ઉ