મારા પિતાજી હંમેશાં સમય કરતાં આગળ વિચારતા હતા

પ્રિય પપ્પા...-સિદ્ધાર્થ રાંદેરિયા
મારા પપ્પાનું નામ મધુકરભાઈ રાંદેરિયા. તેમનો જન્મ મુંબઈમાં જ થયો હતો. એમના બાળપણનો ઉલ્લેખ કરતાં કહું તો માત્ર દોઢ વર્ષની ઉંમરમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી, એટલે કે મારા દાદા ગુજરી ગયા હતા. પરિણામે મારા પિતાના સમગ્ર ઉછેરની જવાબદારી મારી દાદી પુષ્પાબહેન રાંદેરિયાએ જ ઉપાડી લીધી હતી. એ જમાનામાં એટલે કે ૧૯૧૭ની સાલમાં એક બાળકને એકલા હાથે ઉછેરવો, એને ભણાવવો અને તેની બધી જવાબદારી સારી રીતે નિભાવવી એ બહુ મોટી વાત હતી, જે મારાં દાદીએ નિભાવી હતી. એ બહુ મોટો પડકાર હતો, જે તેમણે સ્વીકાર્યો હતો અને મારા પપ્પાને ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. આમ તો મારું વતન સુરત કહેવાય, પરંતુ અમારી કર્મભૂમિ અને જન્મભૂમિ મુંબઈ જ રહી છે. ત્યાં અમારાં કોઈ સગાં-સંબંધી નથી.
હું આજે જે સફળતાનાં શિખરો પર છું એ માત્ર ને માત્ર મારા પિતાજીના કારણે છું. મારું બાળપણ ખૂબ સરસ રીતે વીત્યું, કારણ કે મારા પિતાજી એક શિક્ષક હતા, તેઓ કોલેજમાં પ્રોફેસર હતા અને સાથે સાથે રંગભૂમિ સાથે સંકળાયેલા પણ હતા. તેમના જમાનાના ખૂબ જ નામદાર અભિનેતા હતા. જૂની રંગભૂમિને સફળ બનાવવા માટે જે ચાર-પાંચ વ્યક્તિઓ હતી એમાંની એક મારા પિતાજી પણ ખરા. એટલે એવું કહી શકાય કે અભિનયની કળા પણ મને ગળથૂથીમાંથી જ મળી હતી. એમનો વારસો મારામાં ઊતર્યો હતો. મારા ઘરનું વાતાવરણ પણ એ જ પ્રકારનું હતું. મારું બાળપણ બહુ સરસ રીતે વીત્યું, એમાં એવું નહોતું કે મારો જન્મ કોઈ ગર્ભશ્રીમંતને ત્યાં થયો હતો, પરંતુ એમની મારી સાથેની સમજદારી બહુ જ સારી હતી. એટલે કે એ મારું મન સમજી શકતા હતા. એવું નહોતું કે હું ભણવામાં બહુ હોશિયાર હતો અને દરેક વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ આવે, પરંતુ સંગીત અને નાટ્ય પ્રત્યે મને બાળપણથી જ રસ હતો. એ મારી પ્રકૃતિની એમને ખબર હતી અને તેમણે મારી એ પ્રકૃતિને સપોર્ટ કર્યો, તેથી જ હું મારામાં અભિનયકળા વિકસાવી શક્યો. મારા જીવનના એક પ્રસંગનો ખાસ ઉલ્લેખ કરીશ, જેમાં મારા પિતાજીએ સમજદારી ન દાખવી હોત તો કદાચ હું આજે જ્યાં છું ત્યાં ન હોત, પણ કંઈક બીજે જ હોત. મેં ઈન્ટીરિયર ડિઝાઇનમાં આર્કિટેક્ટનું ભણવાનું નક્કી કર્યું હતું. દોઢ વર્ષ ભણ્યા બાદ મેં એમને કહ્યું કે મારે આ છોડી દેવું છે, કારણ કે આમાં મને ઇન્ટર કોલેજીસ નાટકમાં અભિનય કરવા માટે સમય મળતો નથી, તેથી આર્ટ્સમાં ભણવું છે. આ મારા જીવનનો બહુ મોટો નિર્ણય હતો અને મારા ભવિષ્ય માટે તથા એમના ભવિષ્ય માટે બહુ મોટું પગલું હતું. છતાં પણ વિના સંકોચે તેમણે મારા નિર્ણયને વધાવી લીધો. ત્યારે તેમણે એવું ન વિચાર્યું કે હું કેવી રીતે ‘હા’ પાડું? તું આર્કિટેક્ટ બન, ધંધો કર, પૈસા કમા અને આનંદથી જીવન જીવ, પણ ‘ના’, તેમણે મને કહ્યું કે તને જેમાં રસ હોય એ જ કર, એવી એમની સમજદારી હતી. એ સમયે તો હું માત્ર ૧૭-૧૮ વર્ષનો યંગસ્ટર હતો, પણ તેમણે સમજદારીપૂર્વક કામ લીધું અને મને આર્ટ્સમાં જવા માટે છૂટ આપી, મારું ગમતું કામ કરવા માટે લીલી ઝંડી આપી. ત્યાર બાદ હું રંગભૂમિ સાથે જોડાયો. મેં એમની સાથે પણ બે-ત્રણ નાટકો કર્યાં હતાં. એને હું મારું સદ્નસીબ માનું છું.
એમનું જીવન મારા માટે પ્રોત્સાહન પૂરું પાડનારું હતું. તેઓ ખૂબ જ નિખાલસ માણસ હતા. તેમણે ક્યારેય પણ પૈસાને મહત્ત્વ નથી આપ્યું. ચારિત્ર્ય હંમેશાં તેમના માટે અતિ મહત્ત્વનું હતું. તેઓ માનતા કે દરેકે સારા માણસ બનવું જોઈએ અને તેઓ એવું જ જીવન જીવ્યા પણ ખરા. હું જ્યારે સમજણો થયો ત્યારે જૂના દિવસો યાદ કરતાં મેં જોયું કે તેમના વિદ્યાર્થીઓ પણ એમના જેવું જ જીવન જીવવાનો પ્રયત્ન કરતા એવી તેમની આભા હતી. તેઓ તેમના વિધાર્થીઓ, સાહિત્ય ક્ષેત્રના લેખકો સાથે પણ બહુ જ આત્મીયતા અને ઘરોબો રાખતા તથા મીઠાશથી સંબંધો જાળવતા હતા. તેઓ દિવસે બેન્કમાં નોકરી કરતા અને રાત્રે નાટકો કરતા હતા. તેમનો કામ માટેનો પ્રેમ, લગાવ અને સંઘર્ષ મેં જોયો છે. કામ માટે કંઈ પણ કરી છૂટવું. તેઓ દરેક કામ દિલથી કરતા. કોઈ પણ કામમાં કાચું ન કપાય એનું ખાસ ધ્યાન રાખતા. આ બધું મેં મારી આંખોની સામે અનુભવ્યું છે અને એ બધા ગુણ મારામાં પણ આવ્યા છે. તેમણે મને કંઈ કહેવાની જરૂર જ નહોતી, તેમનું જીવન જ મારા માટે પ્રેરણારૂપ હતું.
અમારું મિડલ ક્લાસ ફેમિલી હતું અને તેમને દાદીનો ખૂબ જ સપોર્ટ હતો. આજથી પચાસ વર્ષ પહેલાં પણ તેઓ એકદમ મોડર્ન વિચારો ધરાવતા હતા. તેઓ હંમેશાં સમય કરતાં આગળનું જ વિચારતા હતા. મારી બહેને એ સમયે એટલે કે આજથી પચાસ વર્ષ પહેલાં, એક પંજાબી છોકરા સાથે લગ્ન કર્યાં. બીજું કોઈ ગુજરાતી ફેમિલી હોય તો કેટલોય વિખવાદ થઇ જાય એવો એ જમાનો હતો, પરંતુ તેમને કોઈ જ અસર નહિ અને તેઓ ખુશ હતા અને કહેતા કે એમાં શું થયું? એ એનું જીવન છે. એને એના જીવનના નિર્ણયો લેવાનો અધિકાર છે. એને એની રીતે વિચારવાનો હક છે. એને જેમાં આનંદ મળે છે, એ જ સાચો આનંદ છે. એનું ભવિષ્ય પણ એણે પોતે જ ઘડવાનું છે. જીવન પ્રત્યેનો તેમનો આવો અદ્ભુત અભિગમ અને દૃષ્ટિકોણ હતો.
મારા મોટા ભાગના મિત્રો સુરેશ રાજડા, શોભિત દેસાઈ વગેરે એમના પણ મિત્રો હતા. હું જ્યારે ઘરે ન હોઉં ત્યારે પણ એ લોકો અમારા ઘરે આવી શકે, પપ્પા સાથે વાતો કરી શકે અને પપ્પા સાથે મસ્તીમજાક કરતા અને એન્જોય પણ કરતા. ઘણી વાર અમે સાથે પિકનિક પર પણ ગયા છીએ.
મારાં શરૂઆતનાં વર્ષોની સફળતા તેમણે જોઈ અને ત્યાં સુધી તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ ક્ષેત્રમાં હું સફળતા હાંસલ કરી શકીશ. હું આઇ.એન.ટી.માં જોડાયો અને ત્યાં નાટકો કરવા લાગ્યો. મેં ક્યારેય મારા નાટકોનાં વિગત, કટિંગ્સ કે આર્ટિકલ રાખ્યાં નહોતાં, પરંતુ તેમણે એ સમયે એ બધું જાળવ્યું હતું. એમણે જોયું કે મારો દીકરો પ્રવીણ જોશી, સરિતા જોશી જેવાં દિગ્ગજો સાથે નાટકો કરે છે. એ બધી વિગતની નોંધ એમણે રાખી હતી. એટલે કે એમને પૂર્વાભાસ થઈ ગયો હતો કે મારો દીકરો હવે સેટલ થઇ ગયો છે. ‘ગુજ્જુભાઈ...’ની સફળતાનો દોર તો બહુ પછીથી આવ્યો.