ડૉક્ટરના ફાટેલા પ્રીસ્ક્રિપ્શનની મદદથી હત્યાનો કેસ ઉકેલાયો: ત્રણ પકડાયા
મૃતકની પત્ની સાથે આરોપીના આડા સંબંધો હત્યાનું કારણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભિવંડીના કાંબેગાંવ સ્થિત બ્રિજ નીચેથી ગૂણીમાંથી મળી આવેલા શખસના મૃતદેહનો કેસ પોલીસે ડૉક્ટરના ફાટેલા પ્રિસ્ક્રિપ્શનની મદદથી ઉકેલી કાઢ્યો હતો. મૃતકની પત્ની સાથેના આરોપીના આડા સંબંધને પગલે આ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.
ભિવંડીની નિઝામપુરા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ તસ્લીમ હલીમ અન્સારી (૩૦), મોહમ્મદ સલમાન અબ્દુલ મુકીદ શેખ (૨૭) અને ચાંદબાબુ ઉર્ફે બિલાલ સઈદ અન્સારી (૨૬) તરીકે થઈ હતી. આરોપી તસ્લીમ અન્સારી અને મૃતકની પત્ની વચ્ચે કથિત અનૈતિક સંબંધ હતા, જેને પગલે આરોપીએ હત્યાની યોજના બનાવી હોવાનું તપાસમાં જણાયું હતું, એવું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડીના કાંબેગાંવ પાવર હાઉસ નજીક રૂપાલા બ્રિજ નીચેથી ૨૦ જાન્યુઆરીની સવારે ગૂણીમાંથી શખસનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથા, ગળા અને છાતી પર ઇજાનાં નિશાન હતાં. આ પ્રકરણે નિઝામપુરા પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પેન્ટના ખીસામાંથી ડૉક્ટરનું ફાટેલું પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યું હતું. એ સિવાય મૃતકના શરીર પર ગોલ્ડન અને લાલ રંગ લાગેલો હતો, જેનો ઉપયોગ મોટા ભાગે મોતી કારખાનામાં થતો હોવાનું જણાયું હતું. પોલીસે પ્રિસ્ક્રિપ્શનને આધારે ડૉક્ટર અને દવાની દુકાનોમાં તપાસ કરી હતી. એક દુકાનદારે પ્રિસ્ક્રિપ્શન પરના હસ્તાક્ષર પરથી ડૉક્ટરની ઓળખ કરી હતી. પોલીસે સંબંધિત ડૉક્ટર પાસે પૂછપરછ કરતાં આસપાસના વિસ્તારના રહેવાસીઓ દવા માટે તેમની પાસે આવતા હોવાનું જણાયું હતું.
ડૉક્ટરનું દવાખાનું જે વિસ્તારમાં હતું ત્યાં તપાસ કરતાં અરમાન શેર અલી શાહ ગુમ હોવાનું જણાયું હતું. શાહના પુત્રએ પિતાના મૃતદેહને ઓળખી કાઢ્યો હતો. પોલીસ શાહના મોબાઈલમાંના શંકાસ્પદ નંબરોની તપાસ કરી રહી હતી ત્યારે આરોપી સલમાન પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા સામેથી પોલીસ સમક્ષ હાજર થયો હતો. તેણે પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસે હત્યામાં તેની જ સંડોવણી હોવાનું શોધી કાઢ્યું હતું. પૂછપરછમાં સલમાને અન્ય બે આરોપી તસ્લીમ અને ચાંદબાબુનાં નામ જણાવ્યાં હતાં અને બન્ને ઉત્તર પ્રદેશ સ્થિત તેમના વતને જતા રહ્યા હોવાનું કહ્યું હતું. પોલીસની ટીમે ભુસાવળ રેલવે સ્ટેશનેથી બન્ને આરોપીને પકડી પાડ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તસ્લીમ સાથેના પત્નીના આડા સંબંધની જાણ મૃતકને થઈ હતી, જેને પગલે તેણે પત્નીનું ઘરની બહાર જવાનું પણ બંધ કરાવી દીધું હતું. વળી, આ વાતને લઈ તેમની વચ્ચે વિવાદ થયો હતો. પરિણામે બે મિત્ર સલમાન અને ચાંદબાબુની મદદથી તેનો કાંટો કાઢવાનું આરોપી તસ્લીમે નક્કી કર્યું હતું.