મોહબ્બત મેં કોઈ ગોરા ન કાલા મોહબ્બત જિસ્મ ભી હૈ, જાન ભી હૈ

ઝાકળનીપ્યાલી - ડૉ. એસ. એસ. રાહી
હર આંખ યહાં યૂં તો બહુત રોતી હૈ,
હર બૂંદ મગર અશ્ક નહીં હોતી હૈ;
પર દેખ કે દે જો ઝમાને કા ગમ,
ઉસ આંખ સે આંસૂ જો ગિરે મોતી હૈ.
- નીરજ
કોઈ એક સુંદર વિચાર, ઊર્મિ કે પછી ભાવ યા તોં ચિત્ર ચાર પંક્તિમાં સમાવાય તેને રુબાઈ, મુક્તક, કત્અ, ચોપાઈ જેવા નામથી ઓળખવામાં આવે છે. છેલ્લાં બે હજાર વર્ષથી સંસ્કૃત, માગધી અને પ્રાકૃત ભાષામાં મુક્તકોનું સર્જન થતું રહ્યું છે. મુક્તકમાં લાઘવ, ક્ષણિક, ચપળ ભાવોને પકડી પાડવાની ક્ષમતા રહેલી હોય છે. તેમાં વસ્તુ પસંદગી, વિચારોની પરિપક્વતા, એક જ વિષય કે વિચારનું અર્થ વિશદ સૌંદર્ય પ્રગટ થતું હોય છે. મુક્તકનું રૂપસૌંદર્ય ચોથી પંક્તિમાં પૂરા દમામથી ખૂલે છે, ખીલે છે. મુક્તકની આગળની ત્રણેય પંક્તિમાં એક વિચાર રમતો મુકાતો હોય છે. રૂપક દ્વારા વાત કરીએ તો મુક્તકની ત્રણ પંક્તિ એક રસ્તો છે અને ચોથી પંક્તિ તેની મંઝિલ છે. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ભાષામાં રુબાઈ-મુક્તકની વિરાસત આપણને મળી છે. વિખ્યાત હિન્દી કવિ-ગીતકાર ‘નીરજ’ સાહેબે અનેક નામી-અનામી કવિઓની હિન્દી ભાષામાં લખાયેલી રુબાઈઓનું પુસ્તક ‘હિન્દી રુબાઈયાં’ નામે તૈયાર કર્યું છે. તેમાંથી કેટલીક ચુનંદી રચનાઓનો હવે રસાસ્વાદ કરીશું.
પ્યાસે હોટોં કો દે દિયા સાવન,
હમને દુનિયા કા ભર દિયા દામન;
મૈંને ભી એક ચીઝ માંગી થી,
પૂછતા રહ ગયા બેચારા મન.
- ઈન્દીવર
જીવનમાં બધી કામનાઓ કયાં પૂરી થતી હોય છે! જેને મેળવવાની તીવ્ર ઈચ્છા હોય છે તે બધી ચીજવસ્તુ હાથ સુધી આવે ત્યાં જ દૂર સરી જતી હોય છે. આમ, બિચારું મન સતત વલોવાતું રહેતું હોય છે.
પંડિત! તૂ તો કહતા થા, પાષાણ પિઘલ જાયેગા,
કાઝી! તૂ ભી બોલા થા, રહમાન બદલ જાયેગા;
અબ ભી અવસર હૈ, સમઝ લો,
વરના ફિર રોઓગે,
ઈશ્ર્વર-અલ્લા કો ભૂખા ઈન્સાન નિગલ જાયેગા.
- બાલકવિ વૈરાગી
પંડિત અને કાજીને સંબોધીને લખાયેલ આ રુબાઈ દિલને હચમચાવી નાખે તેવી છે. હજી સમય છે અને બધું આપણા હાથમાં છે. જો આપણે સમયસર ચેતી નહીં જઈએ તો ભૂખ્યો માણસ અલ્લા-ઈશ્ર્વરને ય ગળી જશે.
હમ નદી હૈં ન ઝીલ-ઝરને હૈં,
અશ્ક હૈં ટૂટ કર બિખરને હૈં;
ડોલિયોં સે ચઢે થે કાંધે પર-
અર્થિયોં કી તરહ ઉતરને હૈં.
- કુંઅર બેચૈન
આ રુબાઈમાં નવી પરણેલી ક્ધયાનું જાણે ડૂસ્કું સાંભળવા મળે છે. તે શણગારેલી પાલખીમાં બેસીને પિયરમાંથી સાજનના ઘેર જતી હોય છે. પણ પછી તેને અર્થીમાં એટલે કે જનાઝામાંથી નીચે ઉતારવામાં આવે છે. જીવનની આ કટુતા દરેકે મનેકમને સ્વીકારવી પડતી હોય છે.
કર સકું કુછ ઈસ લિયે જીતા હૂં મૈં,
નેહ પાઉં ઈસ લિયે રોતા હૂં મૈં;
દર્દ લાખોં, ક્ધિતુ મૈં મુસ્કા રહા,
ગમ ભુલાને કે લિયે પીતા હું મૈં.
- કુંજબિહારી બાજપેયી
શરાબી શા માટે સુરાપાન કરે છે? આ પ્રશ્ર્નના અનેક ઉત્તરો મળે ખરા. પણ દુ:ખદર્દ ભૂલવા માટે મયકશી કરાતી હોય તેવો એકરાર કવિએ કરી દીધો છે.
ઝિન્દગી આજ મુસ્કુરાને દો,
પ્યાર મેં રાત ગુઝર જાને દો;
ક્યા પતા કલ યે બહારેં ન રહે,
ઈસ લિયે આજ મુઝે ગાને દો.
- જ્યોતિપ્રકાશ સક્સેના
જિંદગીમાં વર્તમાન ક્ષણોનું ઘણું મહત્ત્વ હોય છે. આવતીકાલે શું થવાનું છે તેની કોઈને ખબર હોતી નથી. હવે પછી ખુશ્નુમા દિવસો જોવા ન પણ મળે. તેથી આજે મને વસંતનું ગીત ગાઈ લેવા દો, એવી ઈચ્છા શાયરે રજૂ કરી છે.
પથિક થક ગયા હૈ, ડગર કબ થકી હૈ,
હૃદય થક ગયા હૈ, નઝર કબ થકી હૈ;
કિસી સિન્ધુ કે માંઝિયોં સે તો પૂછો-
સમન્દર થકા હૈ, લહર કબ થકી હૈ.
- નરેન્દ્ર ચંચલ
રસ્તે ચાલતો મુસાફર રખે ને થાકી જાય, પણ માર્ગ કદી થાકતો નથી. હૃદય થાકે પણ નજર ક્યારેય થાકતી નથી. તમે સાગરખેડૂઓને પૂછશો તો કહેશે: સમુદ્ર થાકી ગયો છે પણ તેના મોજાં ક્યારેય થાકતા નથી.
હમેં ભૂલને કી ઈજાઝત નહીં હૈ,
તુમ્હેં યાદ કરને કી આદત નહીં હૈ;
યહ આદત તુમ્હારી તુમ્હેં હો મુબારક,
હમેં તુમસે કોઈ શિકાયત નહીં હૈ.
- બ્રજકિશોર નારાયણ
ચાંદની, ચાંદ, સિતારોં કા કોઈ કામ નહીં,
પ્યાર કે મૌન ઈશારોં કા કોઈ કામ નહીં;
ભેજના ચાહતે હો, ભેજ દો પતઝર, લેકિન-
જો નહીં તુમ, તો બહારોં કા કોઈ કામ નહીં.
- બાબૂલાલ શર્મા ‘પ્રેમ’
પ્રિયતમાને સંબોધીને લખાયેલી આ ચાર પંક્તિ પ્રેમરસથી સભર છે. તમારે પાનખર મોકલવી હોય તો અવશ્ય મોકલી આપો. તેનો અમે ખુશીથી સ્વીકાર કરશું, પણ તમે ન હોય તો આ વસંત અમારે શા કામની!
જાનતા હૂં કિ ગૈર હૈ સપનેં,
ઔર ખુશિયાં સભી અધૂરી હૈં;
ક્ધિતુ જીવન ગુઝારને કે લિયે,
કુછ ગલતફહમિયાં ઝરૂરી હૈં.
- બાલસ્વરૂપ ‘રાહી’
સ્વપ્નાં ક્યાં પોતાનાં હોય છે! એ તો પરાયાં હોય છે. મળેલી ખુશીઓ પણ અધૂરી જ હોય છે. પણ જીવનને સારી રીતે પસાર કરવા માટે ભૂલ-ગેરસમજણ પણ એટલી જ આવશ્યક છે. કેમ કે તેમાંથી બોધપાઠ મળતો હોય છે.
એક રંગીન ખ્વાબ દેતા હૈ,
દૂસરા આફતાબ દેખા હૈ;
હમને દેખા નહીં કયામત કો,
આપકો બેનકાબ દેખા હૈ.
- મુકુટબિહારી સરોજ
તમારા (પ્રિયતમાના) ચ્હેરાને પરદા વગર ખુલ્લો જોયો તો એમ લાગ્યું કે અમે એક રંગબેરંગી સપનું જોયું છે અને બીજો સૂરજ જોયો છે. અમે ક્યારેય પ્રલય જોયો નથી. પણ તમારું દર્શન કયામતથી જરાયે ઓછું તો નથી જ.
મોહબ્બત ધર્મ ભી હૈ, જ્ઞાન ભી હૈ,
મોહબ્બત જ્ઞાન કા અભિમાન ભી હૈ;
મોહબ્બત મેં કોઈ ગોરા ન કાલા-
મોહબ્બત જિસ્મ ભી હૈ, જાન ભી હૈ.
- લક્ષ્મીશંકર ‘રાગ’
પ્રેમ શું છે? પ્રેમ કેવો હોય છે? પ્રેમની વ્યાખ્યા કરવા બેસીએ તો ગ્રંથોના ગ્રંથો ય ઓછા પડે. પ્રેમ ધર્મ છે તો જ્ઞાન પણ છે. પ્રેમ જ્ઞાનનું અભિમાન પણ છે. પ્રેમમાં કોઈ રૂપાળું કે કાળું હોતું નથી. (પ્રેમમાં તો મેઘધનુષના રંગો રેલાતા હોય છે.) પ્રેમ શરીર પણ છે અને પ્રેમ પ્રાણ પણ છે. (પ્રેમને વહેવારું જગતના ત્રાજવે જોખી શકાતો નથી. પ્રેમ આકાશથી ઊંચો, વિરાટ હોય છે. પ્રેમ તો સાગરથી યે ગહન હોય છે.)
ઝિન્દગી ગમ હી સહી, ગાતી તો હૈ,
દુનિયા એક ધોખા સહી, ભાતી તો હૈ;
હાથ કયોં મૈં મૌત કે આગે ભલા જોડૂં?
નીંદ થમ થમ કે સહી, આતી તો હૈ.
- દેવીપ્રસાદ ‘રાહી’
જીવતર ભલે ગમે તેવું હોય અને દુનિયા છોને દગાખોરી કરે છતાં દર્દીલી જિંદગીનું ગીત ગણગણવું કે સાંભળવું સૌને ગમતું હોય છે. મૃત્યુ પાસે હાથ જોડીને કરગરવાની કોઈ જરૂર નથી. ઊંઘ ભલે અટકી અટકીને
આવે, પણ તે આવે છે તે અગત્યનું હોય છે. આમ, શાયરે અહીં જીવનનો સંતોષ રજૂ
કર્યો છે.
હર તરફ આસમાન કાલા હૈ,
મુંહ મેં ખામોશિયોં કા તાલા હૈ;
રાહ કિસને દિખાઈ ઐસે મેં?
યહ કિસી અશ્ક કા ઉજાલા હૈ.
- રામજીશરણ સક્સેના
આકાશ કાળું ડિબાંગ થઈ ગયું છે અને સૌના મોઢા પર મૌનનાં તાળાં લાગી ગયાં છે. આ પ્રકારની વિકટ, મૂંઝવણસભર પરિસ્થિતિમાં કોઈએ અમને રસ્તો બતાવ્યો છે. આમ, આ તો કોઈના આંસુઓનું અજવાળું હોઈ શકે એવી શાયરની કલ્પના કાબિલે દાદ છે. છેલ્લી પંક્તિમાં રુબાઈનો પૂરેપૂરો ઉઘાડ અહીં પામી શકાય છે.
મુઝ સે છૂટે હુવે સાહિલ કી
ખુશામદ ન હુઈ,
મુઝ સે રૂઠી હુઈ મંઝિલ કી ખુશામદ ન હુઈ;
દર્દ કી ગોદ મેં કુછ ઔર ભી જી લેતા મૈં-
પર મેરે દિલ સે કાતિલ કી ખુશામદ ન હુઈ.
- શેરજંગ ગર્ગ
શાયરના ખુમારીભર્યો મિજાજ અહીં નજાકત સાથે માણવા મળે છે. માટે તો ખોટી ખુશામતથી દૂર રહેલા શાયર સાહિલ અને મંઝિલ પામી શક્યા નથી. તેનો રંજ અહીં વ્યક્ત થયો છે. ઉર્દૂ શે’ર-શાયરીમાં માશૂકા-પ્રિયતમા માટે ‘કાતિલ’ શબ્દનો પ્રયોગ વ્યાપક છે. (માશૂકા આશિકની કતલ કરતી હોય છે છતાં આશિક જીવતો રહેતો હોય છે.) શાયર કહે છે કે હું તો હજુ પણ વધારે વેદના સહન કરવા તૈયાર હતો, પણ ખોટી રીતે હું કાતિલની ખુશામત કેવી રીતે કરું? મેં તો તેનાથી દૂર રહેવાનું જ મુનાસિબ માન્યું. (તેમાં જ મારી ભલાઈ હતી).