મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા ૧૨મી માર્ચે યોજાશે: ૪થી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) ૨૦૨૨ પરીક્ષા આગમી ૧૨મી માર્ચે યોજાશે અને તેના માટે ૪થી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
એનટીએના જાહેરનામામાં જણાવ્યા અનુસાર એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએસએમએસ, બીએમએસ અને બીએચએમએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ૧૨મી માર્ચે નીટની પરીક્ષા લેવાશે.મેડિકલ કોલેજોના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા કુલ ૧૧ ભાષાઓમાં લેવામાં આવશે.
જ્યારે નીટ માટેની અરજીઓ સબમિટ થવાની શરૂઆત થઈ છે, ત્યારે પરીક્ષા, અભ્યાસક્રમ, ઉંમર માટે યોગ્યતાના માપદંડ, અનામત,
બેઠકોનું વર્ગીકરણ, પરીક્ષા ફી, પરીક્ષા કેન્દ્ર, રાજ્ય કોડ અંગે વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકા ઉપલબ્ધ કરાવાશે.
નીટ ૨૦૨૨ માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા ૧૫ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી કરી શકશે. દર વર્ષે લગભગ ૧૪ લાખ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા માટે અરજી કરે છે.
----
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર
અમદાવાદ: વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કયાર્ં હતાં. આરોપીની ધરપકડ કરવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્ર્વરના નવાડીયા ટેકરી ફળિયામાં રહેતા અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ)ને પોલીસે મર્ડરના કેસમાં ઝડપી પાડ્યો હતો. આ આરોપીની તબિયત બગડતા તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપીએ તકનો લાભ લઈ મોડી રાત્રે ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલ પાસે લગાવવામાં આવેલ તમામ સીસીટીવીના આધારે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.