શહીદ અનંત લક્ષ્મણ ક્ધહેરે-૩

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ
અનંત લક્ષ્મણ ક્ધહેરે અને સાથીઓનાં મનમાં ફફડાટ હતો કે આર્થર મેસન ટ્રિપેટ્સ જેકસન ઉર્ફે મેજિસ્ટ્રેટ પંડિત જેકસન નામનું પંખી નાશિક છોડીને મુંબઈ ઊડી જશે, પરંતુ નિયતિના ગર્ભમાં રહેલી તક સામે આવીને ઊભી રહી ગઈ.
એક તો ઉચ્ચ અંગ્રેજ અફસર અને પાછો બઢતી મેળવીને મુંબઈના કમિશનર તરીકે જવાનો હતો. આવા મોટા માણસ સાથેના સંબંધ કયારેકને કયારેક કામ આવે જ. આવી વિચારસરણીવાળા વ્યવહારું માણસોએ નક્કી કર્યું કે સરને યાદગાર વિદાય આપીએ. જેકસન માટે ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો. સ્થળ વિજયાનંદ થિયેટર અને તારીખ ૨૧મી ડિસેમ્બર, ૧૯૦૯.
આ જાણીને ક્રાંતિકારીઓ એકદમ ગેલમાં આવી ગયા અને સક્રિય થઈ ગયા. અનંતે પોતાના ફુલપ્રુફ પ્લાન મુજબ સાથીઓ સમક્ષ જાહેરાત કરી કે હું ગોળી છોડીને જેકસનને મારી નાખીશ અને જીવતા પકડાઈને કોઈના નામ બહાર ન આવે એટલે સાથે રાખેલું ઝેર ખાઈ જઈશ. કદાચ હું જેકસનને મારવામાં નિષ્ફળ જાઉં તો બીજો હુમલો વિનાયકજી કરશે. સંજોગવશાત્ તેમને ય સફળતા ન મળી તો અન્ના કર્વે પાસે ય રિવૉલ્વર હશે જ. આ ત્રણેત્રણ ગોળીબારમાંથી જેકસન જીવતો બચે એવી લેશમાત્ર સંભાવના કોઈને ન દેખાઈ. સૌને એક જ રંજ, ખચકાટ આને વેદના કે આ મિશનમાં અનંતનો જીવ પણ હોમાઈ જશે.
જેકસનના વિદાય સમારંભમાં સંગીત શારદા નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એનકેન પ્રકારે અનંતે બરાબર મંચની સામેની પહેલી હરોળમાં જ બેઠક મેળવી લીધી હતી. એમના હૃદયના ધબકારા વધવા માંડ્યા. કયારેક જેકસન આવે, પોતાને મોકો મળે અને મિશન પૂરું કરે. ગજવામાં રાખેલી રિવૉલ્વર પર હળવે હળવે હાથ ફરી રહ્યો હતો. ચકળવકળ નજરે આસપાસ જોવાનું ચાલું હતું. અંતિમ પળે કોઈ વિઘ્ન ન આવે કે કોઈને શંકા ન જાય એની સવિશેષ સાવધાની રાખવી જરૂરી હતી. અને એ ઘડી આવી પહોંચી. જેકસને મંચ પર પગ મૂક્યો સૌએ તાળીઓથી વધાવી લીધા અંગ્રેજ આકાને હવે ધીરજ ધરવાનું મુશ્કેલ બની ગયું. અનંત કુદકા સાથે ઉછળીને જેકસનની સામે પહોંચી ગયા. કોઈ કંઈ સમજે, વિચારે કે પગલાં ભરે એ અગાઉ અનંતે રિવૉલ્વર કાઢીને જેકસનની છાતીમાં ગોળી ધરબી દીધી.
આ પહેલી અને એકમાત્ર ગોળીથી જ જેકસન પતી ગયો હોત. પણ તેણે અને અંગ્રેજોએ કરેલા અન્યાય- અત્યાચારનો મનમાં ભભૂકતા જવાળામુખી શાંત ન થયો. અનંતે પહેલા બાદ બીજી, ત્રીજી અને ચોથી ગોળી ય જેકસન પર છોડી. આમાં ઝેર ખાવાનું ચૂકી જવાયું. પોલીસને સક્રિય થવા માટે સમય મળી ગયો. અંગ્રેજ પોલીસો અનંત તરફ કૂદયાં અને ઝડપવા સક્રિય થઈ ગયા. બધા મળીને અનંતને લાઠીઓથી ઝૂડવા માંડ્યા. એમને ઝેર ખાવાનો મોકો ન મળ્યો અને જીવતા પકડાવાની નોબત આવી ગઈ.
આવી દેશભક્તિ મુક્ત આવેશથી ક્રાંતિકારીઓની તકલીફ વધી ગઈ. અનંત લક્ષ્મણ ક્ધહેરે ઉપરાંત સાથીઓ પણ પકડાઈ ગયા. પોલીસે આ મર્ડર કેસમાં કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરી. એ વખતે લંડનમાં રહેતા વિનાયક દામોદર સાવરકરને પણ આ કેસના માસ્ટર માઈન્ડ તરીકે આરોપી બનાવાયા.
અનંત અને સાથીઓ સામે કેસ નાશિકને બદલે મુંબઈની કોર્ટમાં ચલાવાયો બ્રિટિશ સત્તાધીશોએ ખાસ તકેદારી રાખી કે આ ખટલાના સમાચાર પ્રગટ ન થાય. સમાચાર દાવાનળની જેમ પ્રસરે તો ઉગ્ર જનઆંદોલનનો ફફડાટ રહેતો હતો. કોઈ મોટા નેતા કે જાણીતા વકીલ આ ક્રાંતિકારીઓના ટેકામાં આગળ ન આવ્યા.
ખટલો એક નાટક હતો, દેખાડો હતો. ચુકાદો સ્પષ્ટ હતો. માત્ર આઠ આરોપીઓને છોડી મૂકાયા, ને બાકીના સૌને સજા થઈ. ૧૯૧૦ની ૧૯મી એપ્રિલે થાણેની જેલમાં ૧૮ વર્ષના અનંત ક્ધહેરે સહિત ત્રણને ફાંસીને માંચડે લટકાવી દેવાયા. આ શહીદોના પાર્થિવ દેહ સુદ્ધાં કુટુંબીજનોને ન અપાયા. ખુદ જેલ અધિકારીઓએ જ અગ્નિદાહ આપી દીધા. ત્યારબાદ અસ્થિ પણ સોંપવાનો વિવેક બતાવવાને બદલે એને થાણે નજીકના સમુદ્રમાં વહાવી દીધી. અંગ્રેજોનો મનમાંથી ડર હતો કે પાર્થિવ દેહ કે અસ્થિ સોંપવાથી ઉશ્કેરાટમાં પ્રજા એકદમ વિદ્રોહ પર ઉતરી આવે તો? અંગ્રેજ હાકેમોએ વીર સાવરકરની બધી સંપત્તિ જપ્ત કરીને એમને કાળા પાણીની સજા ફરમાવી દીધી.
આજે મહારાષ્ટ્રના અમુક, બહુ જ ઝુઝ, વિસ્તારોમાં કોઈક અનંત લક્ષ્મણ ક્ધહેરેની શહાદત થશે જાણે છે. હા, ૨૦૧૪માં મરાઠી ફિલ્મ ‘૧૯૦૯’ બની. અભય કાંબલી નિર્મિત, દિગ્દિર્શીત અને લિખિત તથા અક્ષમ શિમ્પીને શહીદ અનંતનામ રોલમાં ચમકાવતી આ ફિલ્મનો પ્રિમિયર નાશિકના એ જ વિજયાનંદ થિયેટરમાં યોજાયો હતો કે જ્યાં અનંત ક્ધહેરેએ જેકસનનો વધ કર્યો અને શહાદત ભણી આગેકૂચ કરી. જેકસનના વધના બરાબર ૧૦૪ વર્ષ એ જ દિવસે આ ફિલ્મ રિલિઝ થઈ.
શહીદ અનંત લક્ષ્મણ ક્ધહેરેને સો સો સલામ.
(સંપૂર્ણ)ઉ