શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરવાનું અભિનેત્રીને પડ્યું ભારે, થાણે પોલીસે અટકાયત કરી

એનસીપીના વડા શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક ફેસબુક પોસ્ટ શેર કરવાના આરોપમાં મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેની થાણે પોલીસે અટકાયત કરી છે. આ મામલે કેતકી વિરુદ્ધ ત્રણ એફઆઇઆર નોંધવામાં આવી છે. અભિનેત્રીની આ પોસ્ટથી એનસીપીના કાર્યકર્તાઓ નારાજ હતા અને તેમણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મરાઠીમાં લખવામાં આવેલી આ પોસ્ટમાં શરદ પવારનું નામ નથી, પણ ઉપનામ પવાર અને 80 વર્ષની ઉંમરનો ઉલ્લેખ છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે નરક તમારી રાહ જોઇ રહ્યું છે અને બ્રાહ્મણોથી તમે નફરત કરો છો. આ પ્રકારની ટિપ્પણીઓ શરદ પવારને અપમાનિત કરવા માટે લખવામાં આવી છે.
આ મામલે કેતકી વિરુદ્ધ માનહાનિ, લોકોમાં દ્વેષ ફેલાવવા સહિત અનેક આરોપોને લઇને કેસ નોંધવામાં આવ્યો છે. કેટલાક એનસીપીના નેતા સોશિયલ મીડિયા પર પવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓને લઇને ભાજપ અને આરએસએસ પર આરોપ લગાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં ફાર્મસીના 23 વર્ષીય એક છાત્રની પણ ટ્વિટર પર એનસીપીના અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નાસિકના સતાનાના રહેવાસી નિખિલ ભામરેને ડિંડોરી પોલીસે ધરપકડ કરી છે.
નિખિલે તેના ટ્વીટમાં કહ્યું હતું કે બારમતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનાવવાનો સમય આવી ગયો છે. જોકે, તેણે ટ્વીટમાં કોઇ નેતા કે રાજકીય પક્ષનો ઉલ્લેખ કર્યો નહોતો.