માણસે જ્ઞાનનું અભિમાન ન રાખવું જોઈએ
એક અભિમાની માણસે એક સંતને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો ત્યારે...

સુખનો પાસવર્ડ -આશુ પટેલ
એક અભિમાની વિદ્વાન માણસ એક સંત પાસે ગયો તેણે બહુ બધી વિદ્વતાભરી વાતો કરી અને સંતને કહ્યું ‘તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરો. મેં ઘણા બધા ગ્રંથો લખ્યા છે અને જીવનના તમામ પાસાં હું સમજી ચૂક્યો છું.’
સંતે કહ્યું ‘હું શાસ્ત્રાર્થ કરવા માટે સક્ષમ નથી એટલે તમારા જ્ઞાન સામે હું હાર માની લઉં છું. હું તો બહુ કશું જાણતો નથી. મેં તો એક જ ગ્રંથ લખ્યો છે.’
તેમની પાસે આવેલા વિદ્વાન માણસે કહ્યું કે ‘એક ગ્રંથમાં જીવનની બધી વાતોને કઈ રીતે આવરી શકાય. મને તમારો ગ્રંથ બતાવશો?’
સંતે તે માણસના હાથમાં એક નાનકડો ગ્રંથ આપી દીધો.
અભિમાની વિદ્વાન માણસે તે ગ્રંથ ખોલ્યો તો તેનું પહેલું પાનું કોરું હતું. તેણે આગળનાં પાનાં જોયા. એ પણ કોરા હતા પછી તેણે બધા પાનાં ફેરવી જોયા એ આખો ગ્રંથ કોરો હતો!
તે વિદ્વાનને આશ્ર્ચર્ય થયું અને સંત પર હસવું પણ આવ્યું કે આ માણસને બધા સંત તરીકે ઓળખે છે. પોતે ગ્રંથ લખ્યો એમ કહે છે અને એમાં તો કશું જ લખ્યું નથી આ ગ્રંથ તો આખો કોરો છે. એમાં એક અક્ષર પણ લખ્યો નથી.
તે વિદ્વાન માણસને થયું કે આ માણસ સંત નથી, સંતનો સ્વાંગ રચીને બેઠેલો કોઈ પાગલ માણસ છે.
તેણે તે સંતની વિદાય લીધી. પછી તે વિદ્વાન માણસ પોતાના ગુરુ એવા એક સંત પાસે ગયો. તેણે પેલા સંતની વાત કરીને કહ્યું કે તે સંતે કહ્યું કે મેં ગ્રંથ લખ્યો છે અને તેમણે તે ગ્રંથ બતાવ્યો. એ ગ્રંથ આખો કોરો હતો!
તેણે કહ્યું કે ‘મને તો તે પાખંડી માણસ લાગ્યો, મૂર્ખ લાગ્યો.’
તેના ગુરુએ કહ્યું કે ’તે માણસ મૂર્ખ નથી. તારી સમજણશક્તિ અધૂરી છે. એ કોરો ગ્રંથ એ સૂચવે છે કે એ સંત કઈ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા છે. તેમણે ગ્રંથમાં કશું લખ્યું નથી એનો મતલબ લખ્યા વિના પણ તેમણે ઘણું કહી દીધું છે કે માણસે મનને કોરું રાખવું જોઈએ, મૌનને સમજતા શીખવું જોઈએ. ન લખાયેલા શબ્દોને વાંચતા શીખવું જોઈએ.’
એ સાંભળીને તે વિદ્વાન માણસની આંખ ઉઘડી ગઈ.
માણસે જ્ઞાનનું અભિમાન ન રાખવું જોઈએ. ખરેખર જ્ઞાની હોય એ માણસ નમ્ર હોય, તેનામાં અહંકાર ન હોય, તેને બીજાઓથી ચડિયાતા
દેખાવાની ઈચ્છા ન હોય, લાલચ ન હોય, વાસના ન હોય, તે કોઈને ઉતારી પાડવાની કોશિશ ન કરે. પોતાને કોઈનાથી ચડિયાતા બતાવવાની કોશિશ
ન કરે.