ડીજીપી સંજય પાંડે વિરુદ્ધ સીધા આક્ષેપ થયા હોવાથી તેને પક્ષકાર બનાવો: કોર્ટ
મુંબઈ: રાજ્ય માટે કાયમી પોલીસ બનાવવા દાદ માગતી જાહેર હિતની અરજીમાં હાલના કાર્યવાહ ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) સંજય પાંડેને પક્ષકાર બનાવવા મુંબઈ હાઇ કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે પાંડે સામે સીધા આક્ષેપને લીધે અરજી પર ચુકાદો અનામત રાખવાનો આદેશ પાછો ખેંચ્યો હતો અને ૯ ફેબ્રુઆરીએ આગામી સુનાવણી રાખી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સમિતિ દ્વારા ભલામણ અનુસાર કાયમી ડીજીપી નિયુક્ત કરવા મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપવા વકીલ દ્વારા દાદ માગતી અરજીમાં ચુકાદો અનામત રાખવાનો ૨૫ જાન્યુઆરીનો આદેશ પાછો ખેંચ્યો હતો.
કોર્ટે નોંધ કરી હતી કે ચુકાદા માટે મામલો અનામત રાખ્યો હતો, પરંતુ આદેશ લખતી વખતે એવું જાણવા મળ્યું હતું કે અરજીમાં કાર્યવાહ ડીજીપી સંજય પાંડે સામે સીધા આરોપ કરાયા છે, જેથી કેસમાં પાંડેને પક્ષકાર બનાવવાની ફરજ પડે છે.
એડવોકેટ દત્તા શ્રીરંગ માનેએ અરજીમાં એવી પણ દાદ માગી છે કે સુપ્રીમ કોર્ટે યુપીએસસી દ્વારા ભલામણ કરાતાં ત્રણ અધિકારીઓની યાદીમાંથી કાયમી ડીજીપીની નિયુક્તિ કરવી જોઇએ છતાં અનિશ્ર્ચિત વિલંબ કરવામાં આવ્યો છે તે નોંધમાં લેવું જોઇએ. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરનારને ઓળખી કાઢવા અને તેમને અંગત રીતે જવાબદાર ગણીને આવી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા રાજ્યને નિર્દેશ આપવા પણ અરજદારે વિનંતી કરી છે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મકરંદ કર્ણિકની ડિવિઝન બેન્ચે મંગળવારે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે પાંડેનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એડવોકેટે કહ્યું કે તેમના અસીલ સૌથી વરિષ્ઠ અધિકારી છે અને સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આથી માઠા આદેશના સંજોગોમાં તેમને સૌથી વધુ અસર થઇ શકે છે, એમ હોવાાથી તેમને અરજીમાં પક્ષકાર બનાવવા જોઇએ.