સંસ્કૃતિનું પાલન કરનારા લોકોને માન આપીને એમની રીતે જીવવા દઈએ

ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા
કેમ છો મારા વહાલા વાચકમિત્રો? સુપ્રભાત. આજે અચાનક સુંદર મજાની સવાર પડી. હા, મનમાં ઘણી બધી વિટંબણાઓ એક તરફ ચાલી રહી છે. એટ ધ સેમ ટાઇમ ગઈ કાલની રાત થોડીક સ્ટ્રેસફુલ પણ રહી, પણ સવાર સવારમાં એક પાઠ શીખ્યો. વડીલો કહી ગયા છેને કે તમે લોકોને સુખ આપો, તમે લોકો માટે કંઈક કરો કે કોઈ બીજાને હસાવો તો કુદરત ખુશ થઈ જાય ને તમારો મૂડ પણ સારો થઈ જાય. બરાબર! તમે વિચારતા હશો કે આજે પહેલીઓમાં કેમ વાત થઈ રહી છે. અમુક જ્ઞાન તો અમને ખબર જ છે. વાચક છીએ. તો મિત્રો! એ બધી જ્ઞાનની જે વાતો છેને એને અત્યારે મેં રૂબરૂ સાકાર થતી જોઈ, જેમ કે અત્યારે ફરી કામ અર્થે અમદાવાદ અને ગુજરાતના પ્રવાસે છું. એમાં મારા પિતાજીના ઘરે અત્યારે હું રહું ત્યાં થોડુંક સીપેજનું કડિયા કામ કરાવવાનો સમય આવ્યો.
વેલ, ખૂબ ભ્રમણ કરતા અને વ્યસ્ત રહેતા કલાકારો પણ ઘરકામમાં વ્યસ્ત રહી શકે છે. તેમ આ જવાબદારી મારા માથે આવી છે. આમ તો માત્ર હાજરી આપવાની અને ધ્યાન રાખવાની જવાબદારી. નહીં કે કાંઇ લાવવા-મૂકવાની કે કડિયા કામ કરવાની જવાબદારી, પણ જીવ કલાકારનો એટલે ક્રિએટિવિટી તો જાગે જ, એમ હું થોડું થોડું અમારા ઠેકેદારસાહેબ (કાંતિલાલ) છે એમની સાથે વાત કરતી રહું, એમના એક જ કામના અલગ અલગ રીતે બે-ત્રણ પ્રશ્ર્નો પૂછું, કારણ કે સાવ અજાણી વસ્તુ છે મારા માટે.
હમણાં જ મને કોઇકે કહ્યું હતું કે ‘બી ઓપન ટુ લર્ન ન્યુ થિન્ગ’. નવી નવી વાતો શીખવા માટે તૈયાર રહો. એ વિચાર મગજમાં હતો અને મેં ઘણા બધા પ્રશ્ર્નો પૂછ્યા. એમને હવે લગભગ બે દિવસમાં આદત પડી ગઈ છે કે નેહાજી દરેક પ્રકારના પ્રશ્ર્નો પૂછે છે. આપણે એમને કંટાળીને પણ હસતાં હસતાં જવાબ આપવા પડશે. હેહેહે...
તે પ્રકારની પ્રક્રિયા આજ સવાર સવારમાં પણ મેં કરી. કાંતિલાલ આવ્યા જેમની યુનિકનેસ એ છે કે જેમ લોકોને સ્પ્લિટ પર્સનાલિટી હોય તેમ તેમને સ્પ્લિટ વોઇસ ક્વોલિટી છે. યુનિકને! પર્સનાલિટીની જેમ એમની પાસે વોઇસ ક્વોલિટી છે. અમારા કાંતિલાલ બોલતા હોય એમાં અચાનક એમનો અવાજ ધીરો ને પાતળો થઈ જાય. પાછો અચાનક તેમનો અવાજ ઘોઘરો થઈ જાય. એક અલગ જ વસ્તુ એમનામાં જોઈ. આજે તેઓએ સવાર સવારમાં કામ શરૂ કર્યું ટાઇલ્સ તોડવાનું.
હવે આખી ટાઇલ્સ આવી એને તોડી અને નાની નાની કરી અને એને અગાશીમાં પાથરવાની. માટે ટાઇલ્સના નાના નાના ટુકડા કરવાનું એ આજનું કામ છે. એટલે કામ આજનું નથી તૈયારીઓ આજે કરશે ને કામ પછી કરશે, અનુક્રમે તેનો સમય આવે ત્યારે, પણ થયું એવું... ફરી પાછી વળું કે સવાર સવારમાં આજે બહુ મજા કેમ આવી? મેં આઠ-નવ જણને હસાવ્યા માટે.
હા, તેઓની દૃષ્ટિએ મારી મૂર્ખતા કે મારી અણઆવડત, પણ તે લોકોનું સ્મિતનું કારણ બન્યું. તો થયું એવું કે એ ટાઈલ્સ તોડનારા કારીગર બેઠા. એટલે મેં કીધું કે મને પણ શીખવું છે. તો ઠેકેદાર સાહેબને તો આપણી વાત માનવી પડે એટલે એમણે બે મિનિટ સમય આપ્યો, મને સમજાવ્યું, એમની કળાનું વર્ણન કર્યું, પણ પેલા જે કડિયાભાઈ છે તેમનું મોઢું સહેજ ઢીલું પડી ગયું કે સવાર સવારમાં સમય ખોટી કરે છે આ બહેન. એવું એની આંખોમાં તાદૃશ્ય વાંચી શકાય, છતાં હું બેઠી. તેમણે મને દેખાડ્યું પછી એમણે પણ એક વાર કારીગર સાથે બેઠક કરીને મને દેખાડ્યું પછી મેં એમનું ઓજાર હાથમાં લીધું અને ટક ટક કરવાનો ટ્રાય કર્યો, પણ કશું થયું નહીં. પછી પાછી એક વાર મેં કીધું ના ના, હું કરું હું કરું...
ઠેકેદાર કહે કે બહેન તમારાથી નહીં થાય. રહેવા દો, તમે તમારું કામ કરો. તમારું લખવાનું કામ છે એ કરો એટલે મેં કીધું હું તો કરીશ ઠેકેદારસાહેબ, થશે અને કારીગરસાહેબ બોલ્યા, બહેન રહેવા દો પછી શિખવાડીશ, અત્યારે મારો સમય ન બગાડશો. હું જોઈ રહી હતી કે એ એમ કહેવા માગે છે કે બકા છોડ હવે, અમારું કામ અમે જાણીએ એટલે જ અમે કારીગર કહેવાઈએ છીએ. ટૂંકમાં, ત્રણ વાર શીખવાડ્યા પછી પણ મારાથી નાની અમથી ટાઈલ્સ સરખી રીતે તૂટી નહીં અને એમને ખૂબ હસવું આવ્યું.
છતાં એમણે મારી અવગણના કરવાની જગ્યાએ કહ્યું કે જો, બહેનને કેટલો રસ છે આપણા કામમાં. હેહેહે... અંતે મારે એમની આંખોમાં જોઈ અને સમજવું પડ્યું કે બેટા, ઊઠો. હમ કો હમારા કામ કરને દો... પણ તેમણે મને એ હસતાં હસતાં એમના હાસ્યમાં સમજાવ્યું, નહીં કે મને ઠપકો આપીને અને ફરી પાછું ટાઇલ્સનાં ત્રણ ખોખાંની ઉપર બેસી સામે એક સરસ મજાની બીજી ટાઇલ્સનું સેટઅપ કરી એક એક ટાઇલ પર ટાક ટૂક ટાક ટૂક કરીને તોડવા માંડ્યા. કોઈ વસ્તુ તોડવામાં પણ સુંદરતા હોય અને કોઈ વસ્તુ તોડવી હોય તો એને સુંદરતાથી તોડવી પડે એ કળાનું નામ કડિયા કામ, જેને કહે છે ‘મોઝેક ટાઇલ્સ વર્ક’.
આવી રહી મારી સુંદર સવારની શરૂઆત જેમાં મેં કોઈને હાસ્ય પીરસ્યું. અત્યારે સવારના ૮ વાગ્યા છે. લગભગ ૫૦ ટકા લોકોની સવાર તો હજુ પણ નહીં પડી હોય, પણ આ લોકોને તો લગભગ કાર્યક્ષમતાની અને એનર્જીની દૃષ્ટિએ બપોર પડી ગઈ હોય, એવી સુંદર મજાની સવાર પડી છે. ચાર-પાંચ મહિલાઓ-સ્ત્રીઓ માથે કોથળા-તગારાં ઉપાડી એમાં રોડાં નાખી અને ફટાફટ ફટાફટ પોતાના શરીરનું બેલેન્સ જાળવી અને ઉપરથી નીચે, નીચેથી ઉપર એમના કામે લાગી ગઈ છે. એમાં મારું કંઈક ફરી પાછું ઠેકેદારને કહેવું કે... હું આમને નાસ્તો કરાવું જેથી એમને વધારે સ્ફૂર્તિ આવે. ફટાફટ કામ કરે?
તો પાછાં ત્રણેય બહેનો ફર્યાં અને મારી સામે જોયું અને કહ્યું કે બહેન, અમારું બધું પતી ગયું. અમે બધું પતાવીને આવ્યાં. ઊઠી ગયાં, નાહી લીધું, જમવાનું બનાવી લીધું, લંચ લઈ લીધું અને નાસ્તો પણ કરતાં આવ્યાં. હવે ૪ વાગે ચા પાજો. ત્યારે મીઠી રીતે હું છોભીલી પડી ગઈ કે હજુ મેં ખાલી બ્રશ કર્યું છે અને નાહી પણ નથી. અમે તો બ્રેકફાસ્ટનું પણ હજુ વિચાર્યું નથી. એટલે તમે જુઓ છોને મિત્રો, જો આપણે ડિસિપ્લિન લાવવી હોય જીવનમાં, જો આપણે પદ્ધતિસર આગળ વધવું હોય તો સવારે ઊઠીને પોતાનાં કામો પદ્ધતિસર કરવાં જ રહ્યાં. દિનચર્યા પોતાની, પોતાના સમય અને એની જરૂરિયાત પ્રમાણે નક્કી કરવી જ રહી. નહિતર કદાચ આજુબાજુનાં પક્ષીઓ, પંખીઓ, પશુ, પ્રાણીઓ પણ આપણી સામે જોતાં જોતાં હસતાં જતાં હશે. આપણને ખબર નહિ પડતી હોય, પણ હા... આ જ વસ્તુને આપણે એક નાની અમથી કુદરતની મીઠી મજાક સમજીને આપણે પણ હસીએ અને ઇશારો સમજીએ તો કદાચ આપણા વિચારો પણ બદલાય અને આપણી પણ ગાડી પાટે ચડી જાય. આપણે પણ થોડા ડિસિપ્લિન્ડ થઈ જઇએ. થોડા નિયમાનુસાર જીવવા માંડીએ તો આ લોકોની જેમ સવાર સવારમાં આપણામાં પણ એક નવી ઊર્જા, એનર્જી આવે જ.
જેમ અત્યારે પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે. ૪-૫ ગાય માતા પસાર થઇ રહી છે. બીજી બાજુ દૂધ લેવા જાઉં તો અમારાથી બે ઘર છોડીને ખાલી જગ્યાનો સુંદર પ્લોટ છે. ત્યાં જ એમના પગી છે. તેઓ પણ એક અલગ જ વ્યક્તિત્વ છે. જેટલો મંદિરોમાં નથી જોયાં કે જેટલાં આપણા ભણેલા ફેમિલીમાં નથી જોયાં એટલાં મર્યાદા ને મલાજો હું એ લોકોમાં જોતી હોઉં છું.
એ લોકોની યુનિકનેસ અને ક્વોલિટી મિત્રો એ છે કે સાસુ-સસરા, બે છોકરા-વહુઓ અને બંને વહુઓને બે છોકરા, આ બધું હોવા છતાં આમ કહેવા જાઓ તો ખાલી ખુલ્લો પ્લોટ છે અને એમને ઢાંકવા માટે નાનકડાં બે ઝૂંપડાં છે, જે એમ ને એમ નથી મળ્યાં. વિશ્ર્વાસ જીતીને આટલાં વર્ષોની મહેનત પછી પોતાના માટે બનાવ્યાં છે, પણ આ ખુલ્લા મેદાનમાં તેઓ ચૂલો સળગાવીને મસ્ત મજાનું પોતાનું ભોજન બનાવી રહ્યા છે. સુંદર અનુભૂતિ થઈ રહી છે. સુંદરતા અને સંસ્કાર સાથે હોઇ શકે છે તે વ્યાખ્યા સવાર સવારમાં સાર્થક થતી જોઈ રહી છું.
બંને વહુઓ પોતાના સંસ્કારને માથે ઓઢી અને લાકડાં તોડી-વીણી ચૂલો સળગાવી એક બાજુ છોકરાઓને હસતાં હસતાં દૂર ખસેડી સસરા કે સાસુને સામે ન આવવું પડે એવું માથે ઓઢી અને કામ કરવું એ એક સુંદર મજાની પોતાની સ્ત્રીની ઓળખાણ છે. એને આપણે ઓલ્ડ ટ્રેડિશનના નામે કે જબરજસ્તીના નામે વખોડતા હોઈએ છીએ. આજના આધુનિક યુગમાં પણ આટલા શહેર જેવા વિસ્તારમાં વર્તન અને વ્યવહાર સચવાતાં હોય તો સંસ્કૃતિ અને ધરોહરની ચિંતા કરવાની જરૂર નથી, પણ સંસ્કૃતિનું પાલન કરનાર લોકોને એ રીતે જીવવા દઇએ, એમને માન આપીએ.
આ વાતનું સારું ચિંતન કરીએ તો ભવિષ્ય સકારાત્મક રહેશે. એવી સુંદર સવારની આપણને સાંત્વના છે.
તાજેતરમાં મધર્સ ડે ઊજવાયો તે નિમિત્તે કહેવાનું મન થાય કે ‘મા, તું ક્યાં છે-ની શોધમાં આંખો સુકાતી જાય છે, પણ દરેકની હયાતીની મને સમજણ આપનારાં મારાં માતા-પિતા, તમારો આભાર માનવાનું મન થાય છે.’ સાથે ટાગોર જયંતી પર નોબલ પ્રાઇઝ વિનર કવિ રવીન્દ્રનાથની પણ યાદ આવી જાય છે.
પેલી કહેવત કહેવાનું પણ મન થાય છે કે... ‘બ્યુટી લાય્ઝ ઇન ધ આઇસ ઓફ ધ બીહોલ્ડર’ એટલે વિશ્ર્વની સુંદરતા જોવાની ક્ષમતા વ્યક્તિની દૃષ્ટિમાં હોય છે. આવો આને સાર્થક કરીએ. ટીવી, નેટ, વેબ પર તો સુંદર વસ્તુઓ જોઇએ જ છીએ સાથે શક્ય હોય તો થોડુંક સારું વાંચીએ, જાણીએ અને આપણી સમક્ષ ઘટતી નાની નાની સુંદર સાંસ્કૃતિક ઘટનાઓને માણીએ. કહે છેને કે આ દુનિયા એક રંગીન મંચ પર ભજવાતું નાટક છે અને આપણે કઠપૂતળીઓ, તેમાં ભજવાતાં પાત્રોના કલાકાર...
કૃષ્ણ કદાચ રચી રહ્યા છે રાસ,
આપણે એની ગોપીઓ ને ગોવાળ.
------