દુધઇ બ્રાન્ચ કેનાલ માટે સરકારે બાહેંધરી આપતા કચ્છ કિસાન સંઘનાં ધરણાં સમેટાયાં

ભુજ: જીવાદોરી સમાન નર્મદા નદીની દુધઇ પેટા શાખા નહેરની મૂળ યોજનામાં રાજ્ય સરકારે બારોબાર ફેરફાર કરીને કેનાલને બદલે પાઇપ લાઇન બીછાવવાના નિર્ણયનો છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહેલા કિસાનોએ ભુજ શહેરની કલેક્ટર કચેરીની બહાર સવારથી જ ધમધોખતા તાપ વચ્ચે અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કર્યા હતા.
સી.આર પાટીલની મુલાકાત પૂર્વે ગભરાયેલા કચ્છના સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે ખેડૂતોની માગણી સંતોષવાની ખાતરી આપતાં સાંજે ધરણા સમેટાઇ ગયા હતા. દુધઇ સબ બ્રાન્ચ કેનાલમાં બાકી રહેતા ૪૫ કિલોમીટરના કામમાં મૂળ યોજના બદલાવીને કેનાલ નહીં પણ પાઇપ લાઇન વાટે રૂદ્રમાતા ડેમમાં પાણી પહોંચાડવા સરકારે લીધેલા નિર્ણયનો વિરોધ કરી રહેલા ભારતીય કિસાન સંઘે અનેકવાર રજૂઆતો
કરી હતી. ખેડૂતોની માગણી ન સંતોષાતા ગયા મહિને રૂદ્રમાતાના ડેમથી ભુજ સુધી ધરતીપુત્રોએ વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં તા.૧૦મી મેની અંતિમ મુદ્દત આપી હતી તે પૂરી થતાં ભુજમાં સવારથી કલેક્ટર કચેરી બહાર આહીર પટ્ટીની સાથે કચ્છના ૫૦૦ જેટલા ધરતીપુત્રોએ ધરણાં શરૂ
કર્યાં હતાં. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાના કહેવા મુજબ સાંજે છાવણીની મુલાકાતે આવેલા સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે પાઇપ લાઇન નહીં નખાય પણ મૂળ યોજના મુજબ જ કેનાલ વાટે પાણી પહોંચાડાશે અને રાજ્ય સરકારે ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે તેવી ખાતરી આપતાં ધરણાં સમેટી
લેવાયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ભુજની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે કિસાનોએ શરૂ કરેલાં ધરણાંએ પરોક્ષ રીતે દબાણ ઊભું કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઉ