ઉમ્મતને ઊંધેમાથે પછાડતી આ ત્રીસ બાબતોને જાણો
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
સૃષ્ટિના સર્જનહારે આ ધરતી પર તમામ જીવોમાં સૌથી શ્રેષ્ઠ જીવ તરીકે મનુષ્યનું સર્જન કર્યું છે, પરંતુ સર્વોત્તમ એવા આ જીવ પાછળ સેતાન નામે ઈબ્લીસ હર પળે પાછળ પડ્યો રહે છે. નાના-મોટા ગુનાહો કરાવવા તે માનવીની પાછળ પડી તેને લલચાવે છે અને પછી એવો ઊંધે માથે પછાડે છે, કે પસ્તાવા સિવાય બીજો કોઈ માર્ગ તેની પાસે બચતો નથી.
આવી ૩૦ સગીરા (નાના ગુનાહ) તેમ જ કબીરા (મોટા ગુનાહ) તરફ લઈ જઈ, ગુમરાહ કરતી ભૂલો ઈસ્લામની હિદાયત (માર્ગદર્શન)માં જાણો:
૧- જવાની કાયમ રહેશે એ વિચારમાં રહીને માણસ સત્કર્મ કરતો નથી, ૨- મુસીબત આવી પડે તો બેસબ્ર બનીને ધીરજ ગુમાવીને ચિત્કાર કરી રાડારાળ કરી મુકતો હોય છે, ૩- પોતાની બુદ્ધિને બધાથી બેમિસાલ, ઉત્તમ અને શ્રેષ્ઠ સમજતો હોય છે, ૪- પોતાના દુશ્મનને તુચ્છ ગણવાની ભૂલ કરે છે, ૫- કોઈ પણ બિમારીને મામુલી લેખી ત્ત્વરીત ઈલાજ શરૂ કરતો નથી, ૬- બીજાઓના મશ્વરા (સલાહ)ને ઠોકરે મારતો હોય છે. બેશક, ઘણા લોકો સલાહ-મશ્વરાથી કામ લેતા નથી, તે ભૂલ છે, ૭- કોઈ પાપી માણસને વારંવાર અજમાવી જોવા છતાં તેની ખુશામતખોરીના ભોગ બની જાય છે, ૮- બેકારીમાં પડ્યા રહી, રોજીની તલાશ (શોધ)માં લાગી જતા નથી, ૯- પોતાનું રહસ્ય બીજાને કહી દે છે અને તેને તાકીદ કરતા હોય છે કે તે આ ભેદ કોઈને કહેશે નહીં, ૧૦- ‘આમદાની અઠની, ખર્ચા રૂપૈયા’ની જેમ આવક કરતાં જાવક વધારે કરે છે, ૧૧- દુ:ખીજનો સાથે સહાનુભૂતી દર્શાવતા નથી અને તેનાથી મદદની ઉમ્મીદ રાખતા હોય છે, ૧૨- એકાદબે મુલાકાતમાં જ કોઈને માટે સારો અથવા ખરાબ હોવા અંગેનો અભિપ્રાય બાંધી લેતા હોય છે, ૧૩- પોતાના માતા-પિતાની ખિદમત (સેવા) કરતા નથી અને ખુદના સંતાનો પાસે ખિદમતની અપેક્ષા કર્યા કરતા હોય છે, ૧૪- આ કામ કાલે કરીશ, દરરોજ ‘કાલે કરીશ’ એવા જ ફેસલા (નિર્ણય) કર્યા કરતા હોય છે, ૧૫- દરેક સાથે બુરાઈ કરે છે અને સામાવાળા પાસે ભલાઈની અપેક્ષા રાખે છે, ૧૬- ગુમરાહ (માર્ગ ભટકેલા)ની સંગતમાં બેસે છે, ૧૭- કોઈ માણસ નેક અમલ કરવાનું કહે છે, તો તે તરફ ધ્યાન દેતા નથી, ૧૮- પોતે હલાલ- હરામનો વિચાર કરતા નથી અને બીજાઓને પણ એજ રસ્તે લઈ જાય છે, ૧૯- જુઠા સોગંદ ખાઈને, જુઠું બોલીને, ફરેબ આપીને પોતાનો વેપાર વધારવા પ્રયત્નશીલ રહે છે, ૨૦- ઈલ્મે દીન (ધાર્મિક જ્ઞાન) અને દીનદારીને ઈજ્જત સમજતા નથી, ૨૧- પોતાની જાતને બીજાઓથી સારી જાણતા હોય છે, ૨૨- ફકીરો અને ભિક્ષુકોને અપમાનીત કરતા હોય છે, ૨૩- જરૂર કરતા વધારે વાર્તાલાપ (બોલ બોલ) કર્યા કરતા રહે છે, ૨૪- બાદશાહો અને માલદારોની મિત્રતા પર ભરોસો રાખે છે, ૨૫- પોતાના પાડોશીઓ સાથે સદ્વર્તન કરતા નથી, ૨૬- કોઈના અંગત અને ખાનગી મામલામાં માથું મારવાની ટેવ ધરાવે છે, ૨૭- વિચાર કર્યા વિના વાત કરે છે, શું બોલવું તેનો વિચાર કરતા નથી, ૨૮- ત્રણ દિવસથી વધારે સમય કોઈને ત્યાં ધામા નાખીને ‘મહેમાન’ બનીને પડ્યા રહે છે, ૨૯- પોતાના ઘરની ખાનગી વાત કહેતા ફરતા હોય છે અને ૩૦- દરેક શખસની સામે પોતાના દુ:ખની દાસ્તા (આપબીતી) શરૂ કરી દેતા હોય છે, આવા મનુષ્યો- આવી ભૂલો કરનાર ઈન્સાન દુ:ખી તો થાય છે, પરંતુ બારગાહે ઈલાહીમાં તે રબના ગુનેગાર પણ બનતા હોય છે.
એ જ પ્રમાણે આ પાંચ બાબતોથી પણ ઉમ્મત (પ્રજા, અનુયાયી)ને ચેતવવામાં આવ્યા છે:
૧- દિલ પરનો ભાર વધવાનું સૌપ્રથમ કારણ એ છે કે ખુદની જાતને નુકસાન પહોંચાડતા - ઈર્ષા, ક્રોધ, લાલચ, વેરવૃત્તિ, મગરૂરી- (ઘમંડ), અભિમાન, ૨- જેના આચરણથી કુટુંબ- કોમ- પરિવારને નુકસાન વેઠવું પડતું હોય. ઉદાહરણ તરીકે માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન, સંતાનોની અવગણા કરવી, ૩- જેના થકી કોમ, સમાજ અને એ દ્વારા દેશ-દુનિયાને નુકસાન પહોંચતું હોય. જેમ કે હોદ્દા માટે નિયમોને નેવે મૂકવા, ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યમાં રાજકારણ આણવું, પ્રમાણિક સલાહકારની અવગણના કરવી, નીચલા વર્ગ તરફ સુગ બતાવવી સત્તાનો એકહથ્થુ ઈસ્તેમાલ કરવો, ૪- જે કામને અંજામ આપવાથી મુલ્ક- વતનને નુકસાન થાય પછી તે દેશ-રાજ્ય ઈસ્લામી હોય કે અન્ય રાષ્ટ્ર! ‘હિબ્બુલ વતન મિન્નલ ઈમાન’ આ આયતે કરીમાનો અર્થ થાય છે કે- ‘વતન પ્રેમ એ ઈમાનનો જ એક ભાગ છે’ એટલે આ બાબતો સામે આંખ આડા કાન કરવા તે પણ ગુનાને પાત્ર છે અને ૫- ઈલાહી કથનના પોતાની રીતે તર્ક બાંધવા, જાણતા- સમજતા હોવા છતાં જુઠ્ઠા અર્થઘટન તારવવા અને તેના પર આચરણ કરવા દિલ મના કરતું હોવા છતાં ભીતરમાંથી ઉદ્ભવતી અવાજને દાબવાથી દિલ પરનો બોજ વધતો હોઈને માનવ સદા ચિંતામાં અજંપામાં- બેચેનીમાં રહેતો હોય છે.
અક્કલ, બુદ્ધિચાતૂર્યની મહામૂલી પૂંજી લઈને જન્મેલો, સઘળા જીવોમાં સર્વોત્તમ મનુષ્ય પરવરદિગાર (ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુ)ની આજ્ઞાપાલન પર અમલ (વ્યવહાર, આચરણ) સચ્ચાઈથી કરે તો ગમે તેવા સંકટનો સફળતાથી સામનો કરી શકે.
- કબીર સી. લાલાણી
* * *
દર્પણ જૂઠ ન બોલે
* દરેક શ્ર્વાસ મોત તરફ ડગલું ભરતો હોય છે. જીવ માત્ર માટે દુનિયા નિર્ધારિત કરેલ એક મુકામ (રહેઠાણ) છે.
* સમજદાર શખસની ઓળખ એ છે કે તે વાતો ઓછી કરતો હોય છે.
* વક્તવ્ય પ્રમાણે માણની કિંમત થાય છે.
* મોમિનની અત્યંત સરળ ઓળખ એ છે કે તે પાપકર્મોથી ડરતો હોય.