ખ્વાજા સીરા, હર્મેફ્રડાઈટ, ખુસરા, માસી, ક્ધિનર

કેન્વાસ -અભિમન્યુ મોદી
આગળ વાંચતાં પહેલાં એક મજાનું કામ કરીએ. યુટ્યુબમાં જઈને અલેસેન્દ્રો મોરેસ્કી એવું સર્ચ કરો. સૂટ-ટાઈ પહેરેલા એક માણસનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો દેખાશે તે વીડિયો સાંભળો. ત્રણેક મિનિટનું તે ગાયન આંખ બંધ કરીને સાંભળીને એક સવાલનો જવાબ આપો. તમે જે ગીત સાંભળ્યું એ અવાજ કોનો હતો? પુરુષનો? કે સ્ત્રીનો? બાળકનો અવાજ લાગ્યો? તો એ છોકરો ગાય છે કે છોકરી? જેના કાન સંગીતથી ટેવાયેલા હશે કે મ્યુઝિક ફિલ્ડમાં કામ કરતા હશે એના માટે પણ આ અવાજ સાંભળીને આ ઇટાલિયન ગાયકની જેન્ડર નક્કી કરવી અઘરી થઇ પડશે.
રહસ્ય વધુ ઘેરું બન્યું. રાઈટ? આટલું સરસ ઓપેરા વોકલ આપનાર ગાયક કઈ સેક્સનો છે? આદર્શ અને વાસ્તવિક જવાબ એ છે કે સંગીતમાં જાતિની શું જરૂર? પુરુષ હોય કે સ્ત્રી, શું ફરક પડે છે? સાંભળવાની મજા આવીને? બસ તો પછી.
શીર્ષકને કારણે વિવાદમાં પડેલી ‘લક્ષ્મી’ ફિલ્મને કારણે (અથવા
તો તે આટલી નબળી ફિલ્મ હોવાના કારણે) ધાર્મિક આસ્થાને લઇને
ચર્ચાઓ થઇ, પણ ક્ધિનરોને લઇને કોઈ ચર્ચા નહિ. દુ:ખ સાથે કહેવું
પડે છે કે આપણે ત્રીજી જેન્ડર માટે ક્ધિનર શબ્દ જાગૃતપણે જ વાપરીએ છીએ. બાકી એ ‘લોકો’ માટેના બીજા ઘણા ઊતરતા શબ્દો મનમાં આવી જતા હોય છે.
જોકે એક સારી વાત છે કે ખાસ કોઈ મોટા કેમ્પેઈન વિના કે મોટી ક્રાંતિ વિના નવી પેઢીમાં ક્ધિનરોને લઈને કોઈ છોછ નથી.
આપણા દેશમાં તો બહુ મોડા તેમને એક યોગ્ય સ્થાન મળ્યું. બાકી ૨૦૦૯માં તો ભારતના ઈલેક્શન કમિશને ત્રણ ક્ધિનર કેન્ડિડેટને પોતાને પુરુષ અથવા સ્ત્રી તરીકે ઓળખાવવા પર મજબૂર કરી દીધા હતા. હવે તો તેમના પાસપોર્ટ પર ‘ઈ’ લખાય છે. ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આ કોમ્યુનિટીને સમાન હક્કો આપ્યા.
આપણે ઘણી વખત કહ્યું છે કે માનવજાતે સ્ત્રીઓ પર બહુ અત્યાચાર કર્યા છે. સ્ત્રીજાતનું શોષણ હજુ પણ દુનિયાના ઘણા ભાગોમાં થતું
આવ્યું છે. ગુલામીપ્રથા પણ મનુષ્ય જાતિના સૌથી કલંકિત
પ્રકરણોમાંનું એક છે, પરંતુ જો ઈતિહાસને હજુ એક નવી નજરેથી જોઈએ તો સૌથી વધુ ક્રૂરતા ટ્રાન્સજેન્ડર લોકો સાથે આચરવામાં આવી છે. ઉપર જે અલેસેન્ડ્રો નામના ગાયકની વાત કરી એના જેવા ઘણા ગાયકો મધ્યકાલીન સમયથી કે તેના પહેલાથી હતા. આવા ગાયકોની ગાયકીને ‘કેસ્ટ્રેટો’ કહે.
ફિઝિકલ કેસ્ટ્રેશન અર્થાત્ લિંગોચ્છેદન કરેલા ગાયક. તેન પર આવો જુલમ કરવાનું કારણ શું? તેનો અવાજ ડેવલપ ન થાય એટલે. પુખ્ત શરીરમાં બાળક જેવો અવાજ રહે, પણ તેની ગાયકીની રેન્જ ફિમેલ વોઈસ જેવી વિશાળ થઇ જાય. કેટલાંય ચર્ચ પાસે આવા સિંગર રહેતા, જેની પ્રાર્થના સાંભળવા માટે લોકો ઊમટતા.
અત્યારે એકવીસમી સદી ચાલે છે. ઇસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની
એકવીસમી સદીના સુમેરિયન શહેરમાં પણ ટ્રાન્સજેન્ડર લોકો હતા.
ચાઈનીઝ, વાઈકિંગ્સ, આફ્રિકન પ્રદેશ, ગ્રીકો, હૂણો, રોમનો વગેરે બહુ
મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડરને રાખતા. ક્ધિનર લોકોએ આખી દુનિયાનું શતાબ્દીઓથી મનોરંજન કર્યું છે, સેવા આપી છે, માનવજાતની વિકૃતિ સહન કરી છે.
કિશોરાવસ્થામાં કોઈ બાળક (મોટા ભાગે છોકરો) પહોંચવાનો હોય અને તેના લિંગનું છેદન કરી નાખવામાં આવે અથવા તો કોઈ બાળકને નાનપણથી જ એવી રીતે ઉછેરવામાં આવે કે તે મોટો થઇને ત્રીજી જાતિના માણસ તરીકે જ ઓળખાય. મોટા થઇને જે તે ક્ધિનરની ખાસિયત પ્રમાણે તેને ‘રિક્રૂટ’ કરવામાં આવે. ગાયક તરીકે, દ્વારપાળ તરીકે, પોતાની રાણીના સેવક તરીકે, જનાનખાનાના ચાકર તરીકે, રાજા/અમીરના ગુલામ તરીકે, સૈનિક તરીકે કે પછી રખાત તરીકે.
ભારતમાં ક્ધિનરોનો ઉલ્લેખ કેટલી બધી વખત થયો છે. મહાભારતની તો બધાને ખબર છે, પરંતુ રામાયણના એક વર્ઝન મુજબ રામ ભગવાનને
અયોધ્યા નગરીથી જંગલ બાજુ ફોલો કરી રહેલા લોકોને જ્યારે રામે સંબોધીને કહ્યું કે પુરુષો અને સ્ત્રીઓ પાછાં જાઓ. પછી ચૌદ વર્ષના વનવાસ પછી જ્યારે રામ પાછા આવ્યા ત્યારે ટ્રાન્સજેન્ડર લોકો ત્યાં જ ભગવાનની રાહ જોતા હતા.
એક ઓછી જાણીતી કથા મુજબ અર્જુનનો એક પુત્ર ઈરવાન (જેણે
કાલી મા પાસેથી મેળવેલા વરદાનને કારણે પાંડવોનો વિજય થયો એવું
કહેવું હોય તો કહી શકાય) દક્ષિણ ભારતના આરવાનીસ કોમ્યુનિટીના ટ્રાન્સજેન્ડર લોકોનો પૂર્વજ ગણાય છે. અર્જુન અને નાગવંશની ઉલુપીના દીકરા ઈરવાનની સાથે લગ્ન કોણે કરેલાં? મોહિનીએ. મોહિની એટલે કૃષ્ણનું એક સ્વરૂપ!
ઉર્દૂમાં ખ્વાજા સીરા જેવો સારો શબ્દપ્રયોગ છે તો ક્યારેક તેમને ખુસરા પણ કહે છે. ઉભયલિંગી એટલે હર્મેફ્રડાઈટ લોકોને ક્યારેક માસીબા જેવા સંબોધનથી પણ આપણે લોકો બોલાવતા હોઈએ છીએ.
એક સારી વાત એ છે કે આજની પેઢીને ‘ત્રીજી જાતિના’ લોકો સાથે વાતચીત કરવામાં કે દોસ્તી કરવામાં પણ કોઈ છોછ નથી. ટીવી પરના શોમાં પણ ક્યારેક ક્યારેક ટ્રાન્સજેન્ડર લોકો દેખાતા હોય છે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી જેવા માણસો તો દેશવિદેશમાં મશહૂર થયા છે.
પીએચ.ડી. હોલ્ડર ડો. મનાબી બંદોપાધ્યાય કે તમિલનાડુના
પહેલા ટ્રાન્સજેન્ડર વકીલ સત્યાર્શી શર્મિલા કે ભારતના પહેલા
ટ્રાન્સજેન્ડર પોલીસ પૃથિકા યાશિની કે પછી ભારતની પહેલી ટ્રાન્સ બ્યુટી પીજન્ટના વિજેતા નિતાશા બિશ્ર્વાસ જેવા ઘણા બહાદુર લોકો છે જેમણે બાયોલોજી અને સમાજની શરમને અતિક્રમીને એક ઊંચો મુકામ હાંસિલ કર્યો.
ટ્રાન્સજેન્ડર હવે અમુક વડીલો માટે ટેબુ હશે બાકી ભવિષ્યમાં ત્રીજી જાતિના લોકો સમાજ સાથે ખૂલીને હળતામળતા હશે, પણ અફસોસ કે ટ્રાન્સજેન્ડર કે ફોર ધેટ મેટર એલજીબીટીક્યુ કોમ્યુનિટીના કોઈ પણ સભ્યને સમાજ સ્વીકૃતિ આપે છે, પણ એ જ દેશ અને સમાજમાં અટક અને માઈનોરિટી કાર્ડ વજનદાર બનતાં જાય છે. ભારતની જેમ બીજા કોઈ દેશને ઊર્ધ્વ સાથે અધોગતિ કરતાં આવડે છે?