બે શહીદ સ્મારક પર જ્યોતિ પ્રજ્વલિત ના કરાય ?

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત
ભારતમાં સરકારમાં બેઠેલા લોકોને ક્યારે શું તુક્કો સુઝે એ કહેવાય નહીં. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને પણ એવો જ તુક્કો સૂઝ્યો ને ગુરુવારે રાત્રે નવી દિલ્હીની અમર જવાન જ્યોતિનું નેશનલ વોર મેમોરિયલ એટલે કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતિમાં વિલીનીકરણ કરવાનું એલાન કરી દીધું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અમર જવાન જ્યોતિનું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતિમાં વિલીનીકરણ કરશે એવો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો ને શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યે આ કાર્યક્રમ પાર પણ પાડી દેવાયો.
મોદી સરકારના નિર્ણયને પગલે કૉંગ્રેસ મેદાનમાં આવી ગઈ ને મોદી સરકાર અમર જવાન જ્યોતિને બુઝાવી રહી છે એવો દેકારો મચાવી દીધો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, આપણા વીર જવાનો માટે દાયકાઓથી પ્રજ્વલિત અમર જવાન જ્યોતિને બુઝાવી દેવાશે. કેટલાંક લોકોને દેશપ્રેમ અને બલિદાનની સમજ નથી હોતી પણ વાંધો નહીં, અમે આપણા સૈનિકો માટે અમર જવાન જ્યોતિ ફરી પ્રજ્વલિત કરીશું.
ભાજપવાળા બચાવમાં કૂદી પડ્યા છે. આઘાતજનક વાત એ છે કે, કેટલાક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ પણ ભાજપની પંગતમાં બેસીને એવો બચાવ કરી રહ્યા છે કે, અમર જવાન જ્યોતિ ૧૯૭૨માં અસ્થાયી રીતે બનાવાયેલું સ્મારક છે. હવે કાયમી યુદ્ધ સ્મારક બનાવાયું છે ત્યારે ત્યાં જ્યોતિ પ્રજ્વલિત થાય તેમાં કશું ખોટું નથી. ભલા માણસો, અસ્થાયી રીતે બનાવાયું કે બીજી કોઈ રીતે, પચાસ વર્ષથી અમર જવાન જ્યોતિ પ્રજ્વલિત થાય છે પછી એ અસ્થાયી ગણાય ખરી? કોઈ રાજકારણી આવી મોં-માથા વિનાની વાત કરે તો સમજાય પણ લશ્કરી અધિકારીઓ એવું બોલે એ સાંભળીને ખરેખર આઘાત લાગે છે.
ભાજપવાળા પાસે કોઈ પણ વાતના બે જ જવાબ હોય છે. પહેલો જવાબ એ કે, કૉંગ્રેસ જૂઠાણાં ફેલાવી રહી છે. બીજો જવાબ એ કે, કૉંગ્રેસે આટલાં વરસોમાં આ ના કર્યું ને પેલું ના કર્યું. આ મુદ્દે પણ ભાજપવાળા એવી જ વાતો કરી રહ્યા છે. કેન્દ્રે સત્તાવાર રીતે કહ્યું કે, અમર જવાન જ્યોતિને બુઝાવાઈ નથી રહી પણ યુધ્ધ સ્મારકની જ્યોતિમાં વિલીનીકરણ કરાઈ રહ્યું છે. ભાજપવાળાએ તેમાં પહેલો જવાબ નાંખીને ઉમેરણ કર્યું કે, કૉંગ્રેસ અમર જવાન જ્યોતિને બુઝાવી દેવાશે એવી ખોટી વાતો ફેલાવી રહ્યા છે. બીજો જવાબ એ છે કે,કૉંગ્રેસે સિત્તેર વરસમાં શહીદ સૈનિકોની સ્મૃતિમાં યુદ્ધ સ્મારક ના બનાવ્યું ને હવે વિરોધ કરવા કૂદી પડ્યા છે.
ભાજપનો બીજો જવાબ એકદમ હાસ્યાસ્પદ છે. કૉંગ્રેસ યુધ્ધ સ્મારકનો વિરોધ નથી કરી રહી પણ જ્યોતિને ખસેડવાની વાતનો વિરોધ કરી રહી છે. બીજું એ કે, અમર જવાન જ્યોતિ કૉંગ્રેસના શાસનમાં બનેલું સ્મારક છે. શહીદો પ્રત્યે સન્માન શ્રદ્ધાનો વિષય છે. શ્રધ્ધા વ્યક્ત કરવા માટે ભવ્ય ઈમારત હોય એ જરૂરી નથી. ભાજપની સરકારે ૨૦૧૯માં ૧૯૪૭માં દેશની આઝાદી પછીથી શહીદ થયેલા ૨૬,૪૬૬ ભારતીય જવાનોની શહીદીની સ્મૃતિમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવ્યું છે. મોદીએ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ના દિવસે સ્મારકનું ઉદ્ઘાટન કરેલું. ભાજપ સરકારે ચોક્કસ સારું કામ કર્યું ને એ માટે એ અભિનંદનની અધિકારી પણ છે પણ તેના કારણે કૉંગ્રેસે કશું નથી કર્યું એવું જૂઠાણું ના ચલાવાય. પોતાની લિટી મોટી બતાવવા બીજાની લીટી ભૂંસવી એ હલકટાઈ કહેવાય. ભાજપવાળા આ હલકટાઈ કરી રહ્યા છે.
ભાજપના પહેલા જવાબની પણ વાત કરી લઈએ. આપણે કૉંગ્રેસ કે રાહુલે શું કહ્યું તેની વાત નથી કરતા પણ દેખીતી રીતે દેખીતી રીતે હવે પછી અમર જવાન જ્યોતિ પ્રજ્વલિત નહીં થાય એ વાસ્તવિકતા છે. તેને બુઝાવી દેવાશે કે નહીં એ વિવાદમાં નથી પડવું પણ અમર જવાન જ્યોતિ સ્મારક ખાતે જ્યોતિ પ્રજ્વલિત નહીં થાય એ તો નજર સામે દેખાતી વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને કઈ રીતે નકારી શકશો ? છેલ્લાં પચાસ વરસથી અમર જવાન જ્યોતિ દેશના શહીદો તરફ સન્માન બતાવવાનું પ્રતીક છે, લોકોની શહીદોમાં આસ્થાનું કેન્દ્ર છે. આ જ્યોતિ સામે ઉભાં રહીને લોકો શહીદોની શહાદત માટે ગર્વ અનુભવે છે, એક શાંતિનો અનુભવ કરે છે. એ અનુભવ, એ આસ્થા તો છિનવાઈ જ જશે ને ?
અને સરકાર કે ભાજપવાલા જ્યોતિની વિલીનીકરણની જે વાત કરે છે તેનાથી વધારે હાસ્યાસ્પદ વાત બીજી કોઈ નથી. જ્યોતિનું વિલિનીકરણ એટલે શું ? આ વાહિયાત દલીલ લાગુ પાડીએ તો એવું પણ કહી શકાય કે, દેશમાં જ્યાં પણ મંદિરોમાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે એ તમામ જ્યોતને એક જ મંદિરની અખંડ જ્યોતમાં વિલીનીકરણ કરી દઈએ. એ ચાલે ખરું ? બિલકુલ ના ચાલે કેમ કે આ શ્રદ્ધાનો વિષય છે. કાલે કોઈ એમ કહેશે કે, દેશમાં ભગવાન મહાદેવમાં તમામ જ્યોતિર્લિંગમાં દીપ પ્રગટાવવાની ક્યાં જરૂર છે. એક દિવસ બધાં મંદિરોમાં દીપ પ્રગટાવીને તેમની જ્યોતનું એક જ્યોતિર્લિંગની જ્યોતમાં વિલીનીકરણ કરી દઈએ. એ ચાલે ખરૂ? બિલકુલ ના ચાલે કેમ કે આ શ્રદ્ધાનો વિષય છે. તમે લોકોના આસ્થાના અધિકારો છિનવી ના શકો. આ જ વાત અમર જવાન જ્યોતિને લાગુ પડે છે. લોકો પોતાની આસ્થા આ સ્થાને વ્યક્ત કરવા ટેવાયેલા છે ને સરકાર એ અધિકાર છિનવી રહી છે. ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા મૂકવાથી તેનું સાટું ના વળે.
ને સૌથી મોટી વાત તો એ કે, શહીદોનાં બે સ્મારક પર જ્યોત પ્રજ્વલિત કેમ ના રહી શકે ? છેલ્લાં બે વર્ષથી બંને ઠેકાણે જ્યોત પ્રજ્વલિત છે તો હવે અચાનક બંને જ્યોતનું વિલીનીકરણ કરવાનો સણકો કેમ ઉપડ્યો? દેશમાં બીજાં કેટલાંય શહીદ સ્મારક છે. કાલે સરકારને તુક્કો સૂઝે તો એ તો એવું કહી દેશે કે, રાષ્ટ્રીય યુધ્ધ સ્મારકમાં બધા શહીદોનાં નામ લખેલાં જ છે પછી બીજાં સ્મારકોની જરૂર શું ? તો બીજાં સ્મારકોને તોડી પાડીશું ?
આપણે ત્યાં ભક્તિમાં અંધ એક વર્ગને સાંધાની સૂઝ નથી પડતી પણ અંધભક્તિ એટલી હોય છે કે, પોતાના આરાધ્યનો આંખ મીંચીને બચાવ કરવા સાવ વાહિયાત ને બકવાસ દલીલો કરીને એવી વાતો કરવા માંડે કે, સવાલ થાય કે કોઈ માણસ આ હદે બુદ્ધિનો લઠ્ઠ કઈ રીતે હોઈ શકે ? ભગવાન બુદ્ધિ વહેંચવા નિકળ્યા હતા ત્યારે આ નમૂનાના ભાગમાં કંઈ જ નહીં આવ્યું હોય કે શું ? આ નમૂના કહી રહ્યા છે કે, અમર જવાન જ્યોતિ જવાન અંગ્રેજોએ બનાવેલું તેથી અંગ્રેજોની ગુલામીની માનસિકતાનું પ્રતીક છે તેથી અંગ્રેજોએ બનાવેલા ઈન્ડિયા ગેટમાંથી વોર મેમોરિયલમાં જ્યોતિને લઈ જવામાં કશું ખોટું નથી.
આ નમૂનાઓને એટલી પણ ખબર નથી કે, અંગ્રેજોએ અમર જ્યોતિ જવાનનું નિર્માણ નહોતું કર્યું પણ ઈન્ડિયા ગેટનું નિર્માણ કર્યું હતું. ઈન્ડિયા ગેટ ને અમર જવાન જ્યોતિ અલગ અલગ સ્મારક છે. બંને બિલકુલ પાસપાસે છે તેથી આ નમૂના બંનેને એક જ સમજે છે પણ વાસ્તવમાં બંને સાવ અલગ છે. ઈન્ડિયા ગેટ ૧૯૨૨માં અંગ્રેજોએ બનાવેલો. એ પણ ભારતીય સૈનિકોની સ્મૃતિમાં જ બનેલું સ્મારક છે. ૧૯૧૪માં પહેલું વિશ્ર્વ યુદ્ધ લડાયું ત્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું ને અંગ્રેજોની સેનામાં લગભગ તમામ સૈનિકો ભારતીય હતા જ્યારે અધિકારીઓ અંગ્રેજ હતા.
બ્રિટન પહેલા વિશ્ર્વયુદ્ધમાં લડેલું તેથી અંગ્રેજોનું જ્યાં પણ શાસન છે એ તમામ દેશોનાં લશ્કરોને પહેલા વિશ્ર્વયુદ્ધમાં લડવા ઉતારાયેલાં. ભારતીય સૈનિકો પણ અંગ્રેજો વતી પહેલા વિશ્ર્વયુદ્ધમાં લડેલા ને હજારો ભારતીયો શહીદ થયેલા. લગભગ ૮૪ હજાર ભારતીય સૈનિકો પહેલા વિશ્ર્વયુદ્ધમાં મરાયેલા. પહેલું વિશ્ર્વયુદ્ધ ૧૯૧૮માં સમાપ્ત થયું એ પછી ત્રીજું અફઘાન યુદ્ધ થયેલું. અફઘાનિસ્તાનના આમીર ગાઝી અમાનુલ્લાહ ખાન અને સેનાપતિ મુહમ્મદ નાદિર ખાને બ્રિટિશોના તાબા હેઠળનો પ્રદેશ કબજે કરવા હુમલો કરેલો. પહેલા વિશ્ર્વયુદ્ધમાં બ્રિટન સહિતનાં દેશોનો પક્ષ જીતેલો પણ બહુ ખુવારી થઈ હતી તેથી બ્રિટન પણ હાંફી ગયેલું. ગાઝી અમાનુલ્લાહ ખાનને એમ હતું કે, થાકેલા બ્રિટનને ચપટીમાં ચોળી નાંખીને હાલના ભારત સહિતના પ્રદેશો પર કબજો કરી લઈશું પણ અંગ્રેજો ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ હતા.
અફઘાન લશ્કરને અંગ્રેજોએ રગદોળી નાંખ્યું ને ગાઝીને સંધિ કરવાની ફરજ પાડી. આ યુદ્ધમાં અંગ્રેજોના પક્ષે લગભગ અઢીસો જેટલા સૈનિકો મરેલા જ્યારે અફઘાન લશ્કરના બારસો સૈનિકો ખપી ગયેલા. બ્રિટિશ સરકાર વતી મરેલા મોટા ભાગના ભારતીય સૈનિકો હતા. પહેલા વિશ્ર્વયુદ્ધ અને ત્રીજા અફઘાન વોરમાં માર્યા ગયેલા ભારતીય સૈનિકોની સ્મૃતિમાં અંગ્રેજોએ ઈન્ડિયા ગેટ બનાવી નાંખ્યો. ૪૨ મીટર ઉંચા આ ઈન્ડિયા ગેટ પર ૮૪ હજાર ભારતીય સૈનિકોનાં નામ કોતરેલાં છે તેથી ઈન્ડિયા ગેટ ભારતીય સૈનિકોની સ્મૃતિમાં બનેલું સ્મારક છે.
મોદી સરકારનો નિર્ણય યોગ્ય નથી. શહીદોની સ્મૃતિમાં બે ઠેકાણે જ્યોતિ પ્રજ્વલિત રહે તેમાં કશું લૂંટાઈ જવાનું નથી એ જોતાં આ નિર્ણય બદલવો જ જોઈએ.
Comments

Rajeev Parekh
January 22, 2022
How hopeless one can be...change Rajeev Pandit.

bhadri shiv
January 23, 2022
71 ni i g ni jeet 50 yrs hayyan par hawwe purmaviram xxx jyot hoy year hoy to inc i g ne yaad karray fakt sargikal strike j raheshe vaadadomaanthi stike nu mahan order xx mumkin hai mumkin hai5