માત્ર જીડીપી વધારવાથી ભારત સુખી નહીં થાય, સંવેદના પણ વધારવી જ પડશે

નવી સવાર - રમેશ તન્ના
આજે ભારતનો ૭૨મો પ્રજાસત્તાક દિવસ છે. ભારતને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સ્વતંત્રતા મળી અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતમાં, તેના પોતાના બંધારણનો અમલ શરૂ થયો. અત્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. તટસ્થ રીતે જોઈએ તો ભારત દેશે ૭૪-૭૫ વર્ષમાં વિવિધ ક્ષેત્રે ઠીક-ઠીક પ્રગતિ કરી છે. આપણે સૂચિ ન બનાવીએ, પણ એટલું તો કહી શકીએ તેમ છીએ કે આપણો દેશ બેપાંદડે થયો છે. સાધનો વધ્યાં છે. સંસાધનોમાં મોટો વધારો થયો છે. અનેક બાબતોમાં દેશે ખૂબ પ્રગતિ કરી છે. સાક્ષરતા વધી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનો પ્રસાર વધ્યો છે. લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વધ્યો છે. કુંડળીમાંના મંગળ ગ્રહનો ડર ઘટ્યો છે અને સૂર્યમંડળના મંગળ ગ્રહનો પ્રેમ વધ્યો છે. કુંડળીના મંગળ ગ્રહ માટેનો અલગાવ વધ્યો છે અને સૂર્યમંડળના મંગળનો લગાવ વધ્યો છે. ઉત્પાદન વધ્યું છે. આધુનિક સાધનો અને ઉપકરણોની સાથે સાથે પ્રગતિશીલ, વ્યાપક વિચારધારા પણ ઠીક ઠીક હદે અમલમાં આવી છે તે નોંધવા જેવું છે.
૭૫ વર્ષમાં ભારત દેશે પૈસે-ટકે ઘણી પ્રગતિ કરી, પણ તેની વહેંચણી અસમાન રીતે થઈ. ભારતમાં ઘણી સંપત્તિ છે, દેશમાં સોર્સ અને રિસોર્સ બન્ને છે, સાધનો અને સંસાધનો ઘણાં વધ્યાં છે. ખાટલે મોટી ખોડ એ છે કે તેની વહેંચણીમાં ગરબડ થઈ ગઈ છે. આવકની અસમાનતામાં સમગ્ર વિશ્ર્વમાં ભારત દેશ પહેલા નંબરે છે. મૂડીવાદને કારણે કોઈ પણ રાષ્ટ્રમાં આવકની અસમાનતા સહજ બાબત ગણાય છે. રાજકીય પ્રણાલીમાં લોકશાહી, સામાજિક પ્રણાલીમાં લગ્નસંસ્થા અને આર્થિક પ્રણાલીમાં મૂડીવાદ.. આ ત્રણેય વિશ્ર્વમાં જબરજસ્ત રીતે ચાલે છે. ત્રણેયની ઘણી મોટી મર્યાદાઓ હોવા છતાં, વિશ્ર્વ પાસે લોકશાહી, મૂડીવાદ અને લગ્નસંસ્થાનો કોઈ ઠોસ વિકલ્પ ન હોવાથી તેનાથી વિશ્ર્વ કામ ચલાવે છે અથવા નભાવે છે. આવતી કાલે એવું પણ બને કે માણસજાતને આ ત્રણેયથી ચડિયાતી કોઈ વ્યવસ્થા મળી આવે. જોકે ત્યાં સુધી તો તેનાથી જ કામ ચલાવવાનું છે.
મૂડીવાદના અનેક ફાયદાઓ છે, પણ મોટી મર્યાદા છે, આવકની અસમાન વહેંચણીની. મૂડીવાદ પક્ષપાતી છે. તે અમીરોને વધુ અમીર કરે છે અને ગરીબોને વધુ ગરીબ કરે છે. ભારતમાં એ જ હાલત છે. દર વર્ષે અમીરોની સંખ્યા વધતી જાય છે તો તેની સમાંતરે ગરીબોની સંખ્યા પણ વધે છે. ભારતની ૯૦ ટકા સંપત્તિ ભારતના ૧૦ ટકા ધનાઢ્યોના કબજામાં છે. વળી, આ રેશિયો પ્રતિ વર્ષ વધી જ રહ્યો છે.
આજના સમયકાળમાં વિશ્ર્વનો કોઈ દેશ મૂડીવાદીઓનો વિરોધ ન કરી શકે. તેમની ઉપેક્ષા કરી જ ન શકાય. તંત્ર એવી રીતે ગોઠવાયું છે કે જો મૂડીવાદીઓને સહેજ પણ હલાવવા જાઓ તો આખું તંત્ર જ હલી જાય. અર્થતંત્ર હવે કોઈ પણ રાષ્ટ્ર માટે સૌથી મહત્ત્વનું બની ચૂક્યું છે. બીજાં તમામ તંત્રો પર તેનો કબજો છે. ભૌતિકવાદ કે વિકાસના પગલે હવે પૈસો અને અર્થતંત્ર ટોચ પર બિરાજમાન થઈ ગયાં છે. કોઈ પણ રાષ્ટ્રમાં ઉદ્યોગોનો આધાર અને રોજગારીનો મદાર મૂડીવાદીઓના વલણ અને ચલણ પર જ હોય છે. કૃષિ ક્ષેત્રનાં તમે ગમે તેટલાં વખાણ કરો, પણ આખી દુનિયામાં કૃષિ ક્ષેત્ર ઓરમાયું થઈ ગયું છે. માણસને ખાધા વિના ચાલતું નથી
એટલે ખેતીનો ઈનકાર નથી, પણ તેનું મહત્ત્વ એકદમ ઓછું થઈ રહ્યું છે. ઉદ્યોગપતિઓના રોલર નીચે વિશ્ર્વના ખેડૂતો કચડાઈ ગયા છે અને કચડાઈ રહ્યા છે.
દુનિયાની કોઈ પણ સરકાર કે પછી શાસન કરતો પક્ષ ભલે ગમે તે વાદમાં માને, પણ તેને મૂડીવાદના શરણે ગયા વિના ચાલતું નથી.
પૈસો શક્તિશાળી છે એ વાત તો સાચી છે જ, પણ આજની સ્થિતિમાં તો એનાથી પણ સાચી વાત એ છે કે પૈસો સૌથી શક્તિશાળી છે. આ સ્થિતિ જોખમી છે, પણ જે છે તે છે. આંખો બંધ કરવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. તો આનો ઉકેલ શો? દુનિયાની કોઈ પણ સમસ્યા કે સ્થિતિ ઉકેલ વગરની હોતી નથી. સમસ્યા માત્ર, ઉકેલને પાત્ર.
આમ તો એના ઘણા ઉકેલ છે, જેમ કે રાજ્યનું નિયમન. જો રાજ્યતંત્ર એવી વ્યવસ્થા ગોઠવે કે પૈસાદાર, એક હદથી વધારે પૈસાદાર ન જ બની શકે તો વાંધો ન આવે અથવા તો રાજ્યતંત્ર જુદા જુદા સ્તરના પૈસાદારો પાસેથી કર સ્વરૂપે કે પછી જો કોઈએ ખોટી રીતે આવક ઊભી કરી હોય તો તે હસ્તગત કરીને, ગરીબો માટે તેનો ઉપયોગ કરે.
દુનિયાની તમામ સરકારો આવું કરવા માટે પ્રયાસ કરતી જ રહી છે, પણ તેમાં ખાસ સફળતા મળતી નથી. દુનિયાના મૂડીવાદીઓને સાણસામાં લેવા એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે અને કોઈ પણ સરકારો અઘરાં કામ કરવાની ટેવ ધરાવતી નથી.
હવેનો રસ્તો છે સંવેદનાનો. આ જ રસ્તો સાચો છે. જેમની પાસે વધારે પૈસા છે એ સમાજને પરત કરે. ગાંધીજી તેને ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કહેતા હતા. તમે તમારી સંપત્તિના માલિક નથી, પણ ટ્રસ્ટી છો. આવું ક્યારે શક્ય બને? જ્યારે વ્યક્તિના, ધનિકના, શ્રીમંતના હૃદયમાં સંવેદના હોય ત્યારે. આપણા દેશમાં સંસાધનો ઘણાં છે, ખૂટે છે સંવેદના. જેમની પાસે ચિક્કાર છે, તેમના હૃદયમાં, જેમની પાસે કશું જ નથી તેમના માટે સંવેદના નથી. ભારતનો સૌથી મોટો પ્રશ્ર્ન આ જ છે. જે ફાવી ગયા છે તે મોજ કરે છે. તેઓ આનંદ અને પ્રમોદ કરે છે. મજા લૂંટે છે અને જલસા કરે છે. જે રહી ગયા છે એ હાડમારી ભોગવે છે. એ લોકો પારાવાર પીડા અનુભવે છે. એ લોકો માટે જીવન દોહ્યલું છે.
જેમની પાસે છે તેમના હૃદયમાં ગરીબો, પીડિતો, વંચિતો, શોષિતો માટે સંવેદના જન્મે તો કામ થઈ જાય. એ સાચો રસ્તો છે. મૂડીવાદને સહેજે ઉતારી પાડવો નથી. જેવો છે તેવો એને સ્વીકારીએ. ભલે બધા પોતપોતાની ગુંજાશ પ્રમાણે, શક્તિ અને સજ્જતા પ્રમાણે, ધારા-ધોરણ અને નીતિ-નિયમો સાથે કમાય. કમાવા દો તેમને. પોતાની આવડત પ્રમાણે કમાવું એ દરેકનો અધિકાર છે. બસ, એમની પાસેથી એટલી અપેક્ષા કે તેઓ કમાઈને માત્ર પોતાનાં ગજવાં ન ભરે, માત્ર પોતાનાં લોકર ન છલકાવી દે. પોતાના પૂરતું રાખીને બાકીનું, પ્રેમ અને સંવેદનાથી સમાજને પરત કરે. આ જ સાચો રસ્તો છે.
જીડીપી ગમે તેટલી વધારશો, પણ માત્ર તેના વધારાથી દેશ સુખી નહીં થાય. માણસને, વ્યાપક અર્થમાં રાષ્ટ્રને સુખી થવું હશે તો પ્રેમ, સંતોષ અને સંવેદનાના જોર પર જ સુખી થઈ શકશે. જો જીડીપી વધશે તેની સમાંતરે ગરીબો માટેની સંવેદના નહીં વધે તો દેશમાં પારાવાર વેદના વધશે તે નક્કી છે.
છાંયડો
સ્વતંત્રતા પહેલાં ગાંધીજીને એક વિદેશી પત્રકારે સવાલ પૂછ્યો હતો કે ‘તમારી દૃષ્ટિએ ભારતની સૌથી મોટી સમસ્યા કઈ છે?’ ગરીબી, બેકારી, ગંદકી, કોમવાદ... એવો કોઈ જવાબ આપવાને બદલે તેમણે કહ્યું હતું કે ‘શિક્ષિતો અને શ્રીમંતોની નિરક્ષરો અને ગરીબો માટેની અસંવેદનશીલતા.’