સ્મશાનભૂમિમાં દહન માટે લાકડાંને બદલે બ્રિકેટ્સ બાયોમાસનો ઉપયોગ થશે
દર વર્ષે ૧૮ લાખ ૬૦ હજાર કિલો લાકડાંની થશે બચત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યાવરણનાં રક્ષણ અને સવંર્ધનની દ્દષ્ટિએ મુંબઈનાં ૧૪ સ્મશાનમાં દહન કરવા માટે લાકડાંનો ઉપયોગ કરવાને બદલે બ્રિકેટ્સ બાયોમાસનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્યાવરણનાં રક્ષણ અને સંવર્ધન માટે સર્વસ્તરીય પ્રયાસ કરવાનો રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેે આદેશ આપ્યો હતો. તેથી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલના માર્ગદર્શનમાં પાલિકા દ્વારા જુદી જુદી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અંતર્ગત પાલિકાના સાર્વજનિક ખાતા દ્વારા મૃતદેહના દહન માટે જુદા જુદા પર્યાયના પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાં એગ્રો-ટ્રી વેસ્ટ વૂડ (ખેતીનો કચરો અને ઝાડના કચરા)માંથી તૈયાર કરવામાં આવેલા ‘બ્રિકેટ્સ બાયોમાસ’નો ઉપયોગ અન્ય પર્યાયની સરખામણીમાં વધુ પર્યાવરણપૂરક હોવાનું જણાઈ આવ્યું હતું.
પારંપરિક સ્મશાનભૂમિમાં દરેક મૃતદેહ માટે ૩૦૦ કિલો લાકડાં એ પાલિકા તરફથી મફતમાં પૂરા પાડવામાં આવે છે. આ ૩૦૦ કિલો લાકડાં સાધારણ રીતે બે ઝાડમાંથી મળે છે. જોકે હવે પર્યાવરણના સંવર્ધનના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવેલાં ૧૪ સ્મશાનભૂમિમાં લાકડાંને બદલે ‘બ્રિકેટ્સ બાયોમાસ’નો ઉપયોગ કરવામાં આવવાનો હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. બહુ જલદી આ સ્મશાનભૂમિમાં ‘બ્રિકેટ્સ બાયોમાસ’નો ઉપયોગ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવવાની છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા સ્મશાનભૂમિમાં નિ:શુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે હેઠળ પારંપરિક દહન સ્મશાનભૂમિ, વિદ્યુત સ્મશાનભૂમિ અને પી.એન.જી. એટલે કે પાઈપ નેચરલ ગૅસ આધારિત સ્મશાનભૂમિનો સમાવેશ થાય છે. પારંપરિક સ્મશાનભૂમિમાં પ્રત્યેક મૃતદેહ માટે ૩૦૦ કિલો લાકડા પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવે છે.
શું છે બ્રિકેટ્સ બાયોમાસ?
બ્રિકેટ્સ બાયોમાસ એ ખેતીનો કચરો અને ઝાડના કચરામાંથી તૈયાર કરવામાં આવે છે. ખેતીના કચરામાં જે એક તૃતીયાંશ ભાગ ફેંકી દેવામા આવે છે, તેમાંથી બ્રિકેટ્સ બાયોમાસ તૈયાર કરવામાં આવે છે. તેથી આ કચરાનો વધુ સારો ઉપયોગ કરીને પર્યાવરણનું સંવર્ધન થઈ શકે છે.
લાકડાંની થશે બચતન
મુંબઈ મહાનગરપાલિકાનાં જે ૧૪ સ્મશાનભૂમિમાં લાકડાંને બદલે ‘બ્રિકેટ્સ બાયોમાસ’નો ઉપયોગ પહેલા તબક્કામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેે, તેમાં ૧૪ સ્મશાનભૂમિમાં દર વર્ષે સાધારણરીતે ૬,૨૦૦ જેટલા મૃતદેહ પર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એટલે કે લગભગ વર્ષ દરમિયાન સાધારણ રીતે ૧૮ લાખ ૬૦ હજાર કિલો જેટલાં લાકડાંનો ઉપયોગ મૃતદેહના દહન માટે કરવામાં આવે છે. દરેક મૃતદેહના દહન માટે ૩૦૦ કિલો લાકડાંના ગરજ હોય છે. લાકડાં કરતા ‘બ્રિકેટ્સ બાયોમાસ’થી પ્રાપ્ત થનારી જ્વલન ઉષ્ણતા વધુ હોવાથી દરેક મૃતદેહ માટે ૨૫૦ કિલો ‘બ્રિકેટ્સ બાયોમાસ’ પૂરતા સાબિત થશે.
આ ૧૪ સ્મશાનભૂમિમાં બ્રિકેટ્સ બાયોમાસ વપરાશે
લાકડાંને બદલે ‘બ્રિકેટ્સ બાયોમાસ’ વાપરવા માટે ૧૪ સ્મશાન નક્કી કરવામાં આવ્યાં છે, જેમાં ‘ડી’ વોર્ડની મંગલવાડી સ્મશાનભૂમિ, ‘ઈ ’ વોર્ડમાં વૈકુંઠધામ હિંદુ સ્મશાનભૂમિ, ‘એફ-ઉત્તર’ વોર્ડમાં ગોયારી હિંદુ સ્મશાનભૂમિ, ‘જી-ઉત્તર’ વોર્ડમાં ધારાવી સ્મશાનભૂમિ, ‘એચ-પશ્ર્ચિમ’ વોર્ડમાં ખારદાંડા હિંદુ સ્મશાનભૂમિ, ‘કે-પશ્ર્ચિમ’ વોર્ડમા વર્સોવા હિંદુ સ્મશાનભૂમિ, ‘પી-ઉત્તર’ વોર્ડમાં મઢ હિંદુ સ્મશાનભૂમિ, ‘આર-દક્ષિણ’ વોર્ડમાં વડારપાડા હિંદુ સ્મશાનભૂમિ, ‘આર-ઉત્તર’ વોર્ડમાં દહીલસર હિંદુ સ્મશાનભૂમિ, ‘એલ-વોર્ડમાં ચુનાભટ્ટી હિંદુ સ્મશાનભૂમિ, ‘એમ-પૂર્વ’માં ચિતાકેમ્પ હિંદુ સ્મશાનભૂમિ, ‘એમ-પશ્ર્ચિમ’ વોર્ડમાં આણિક ગાવ હિંદુ સ્મશાનભૂમિ, ‘એસ’ વોર્ડમાં ભાંડુપ સ્મશાનભૂમિ સેવામંડળ સ્મશાનભૂમિ અને ‘ટી’ વોર્ડમાં મુલુંડ નાગરિક સભા હિંદુ સ્મશાનભૂમિનો સમાવેશ થાય છે.