પાણીનો વ્યય અટકાવવા ઈ-વેસ્ટથી બનાવ્યું સસ્તું આરઓ મશીન

ફોકસ-વૈભવી શાહ
દેશના કોઈ પણ ભાગમાં તમે જાઓ તો પીવાના પાણી વિશે લોકો વાતો કરતા જોવા મળશે. પ્રત્યેક ઘરને શુદ્ધ પાણી મળવું આજે પણ એક સમસ્યા છે. દેશના અનેક ભાગોમાં આજે પણ પીવા માટે સ્વસ્છ પાણી મળવું મુશ્કેલ છે. એક અભ્યાસ અનુસાર આજે પણ ૫૦ ટકા લોકોને દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે. વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ પ્રમાણે ગ્રામીણ ભારતની ૮૫ ટકા પીવાના પાણીની જરૂરિયાત ભૂ-જળ દ્વારા પૂર્ણ થાય છે. બીજી તરફ પ્રાકૃતિક સંસાધનો ઘટી રહ્યાં છે. શહેર હોય કે ગામડું, સમય બધા જ માટે ખતરાની ઘંટી વગાડી
રહ્યો છે.
આરઓ વોટર પ્યોરિફાયર તથા અન્ય ફિલ્ટરનો ઉપયોગ પાણીને સાફ કરવાનો એક સારો વિકલ્પ ગણાય છે. આ બધાં જ મશીનો મોંઘાં હોવાની સાથે પર્યાવરણ ઉપર નકારાત્મક પ્રભાવ પાડી રહ્યાં છે. વાસ્તવમાં આરઓ પ્યોરિફાયરનો ઉપયોગ કરવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. તેનું મુખ્ય કારણ મશીન દ્વારા જેટલું પાણી સાફ થાય છે તેના કરતાં પાણીનો બગાડ વધુ થતો જોવા મળે છે.
ગુજરાત રાજ્યના સુરત શહેરમાં બે ભાઈઓએ એક કંપની સ્થાપીને અશુદ્ધ પાણીને સ્વચ્છ બનાવવા માટે તથા પાણીના સંકટને હલ કરવા માટે એક અલગ પ્રકારનું સમાધાન શોધ્યું છે. તેમણે એક એવું મશીન બનાવ્યું છે જેનાથી પીવાનું અશુદ્ધ પાણી મિનિટોમાં પીવા યોગ્ય બની જાય છે. વળી આ પ્યોરિફાયરના વપરાશ માટે વીજળીનો ઉપયોગ પણ કરવાની આવશ્યકતા પડતી નથી. તેમણે આ પ્યોરિફાયરને ‘વરદાન’ નામ આપ્યું છે. તેમનો દાવો છે કે ભારતનું આ સૌથી સસ્તું પ્યોરિફાયર છે. ૮ પૈસા પ્રતિ લિટર ખર્ચ પાણીને સાફ કરવાનો આવે છે.
કંપનીના એક સહસંસ્થાપક અભિમન્યુ રાઠી જણાવે છે કે ‘અમને આ પ્રોડક્ટ બનાવવામાં નવ વર્ષ લાગ્યાં છે. આવું મશીન બનાવવાનો વિચાર અમને વર્ષ ૨૦૧૨માં આવ્યો હતો. તે સમયે હું કેમિકલ એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. અભ્યાસ કરતાં કરતાં વિવિધ પ્રોજેક્ટો ઉપર કામ કરતાં મને જાણવા મળ્યું કે પાણીનો પ્રશ્ર્ન સમાજના મોટા વર્ગ માટે એક સમસ્યા સમાન છે.’
વર્ષ ૨૦૧૫માં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ અભિમન્યુએ પોતાના આ પ્રોજેક્ટ બનાવવા ઉપર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત કરી. નાના ભાઈ વરદાને પણ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. તે પણ કંપનીમાં સહ-સંસ્થાપક બની ગયો. બંને જણે પાણીની સમસ્યાને બારીકાઈથી સમજવા માટે જલવાયુ પરિવર્તનનો એક કોર્સ પણ કરી લીધો.
પાણીની સમસ્યાના સમાધાન માટે તેમણે એક નવો પ્રયોગ કર્યો. તેમણે બજારમાં મળતાં વિવિધ વૉટર પ્યોરિફાયરનો અભ્યાસ કરવાની શરૂઆત કરી. તેમણે જોયું કે મોટા ભાગનાં મશીનોમાં વીજળીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવો જ પડે છે. વળી પાણીનો બગાડ પણ મોટા પ્રમાણમાં થાય છે. શહેરમાં રહેતા લોકોને તે પરવડી શકે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે મશીન ખરીદવું મુશ્કેલ બની જતું હોય છે, જેથી તેમનો વિચાર એક એવું મશીન બનાવવાનો હતો જેમાં વીજળીનો ઉપયોગ ન કરવો પડે અને પાણીનો બગાડ પણ બહુ ન થાય. તેમણે ગ્રાફેન સાથે કામ કરવાની શરૂઆત કરી. ગ્રાફેન કોઈ પણ વસ્તુને શોષી લેવાનું કામ કરે છે. વળી તેમાં જીવાણુ વિરોધી ગુણો પણ સમાયેલા હોય છે, આથી ફિલ્ટરિંગનું કામ સરળતાથી કરી શકાય છે, જે થોડું મોંઘું છે. પરિણામે તેમણે વધુ સંશોધન કરીને એક એવી વસ્તુ બનાવવાનો નિર્ણય લીધો કે જે પાણીને સરળતાથી ફિલ્ટર કરી શકે.
પાણીના અન્ય દૂષિત પદાર્થોને દૂર કરવા તેમણે યુવી પ્રકાશથી ચાલતી ટેક્નિકનો ઉપયોગ
કર્યો. સોલાર સેલને તેમણે ઈ-વેસ્ટને રિસાઇકલ કરીને બનાવ્યા, તો યુવી સેલ જૂના મોબાઈલ ફોનની સ્ક્રીનથી બનાવવામાં આવ્યા છે. તેમણે મોબાઈલ ફોનની સ્ક્રીનને સોલાર સેલમાં બદલીને ઉપયોગ કર્યો, જે યુવી લાઈટને શક્તિ આપે છે.
લાંબા સમય સુધી આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યા બાદ બંને ભાઈઓએ એક એવું પ્યોરિફાયર બનાવ્યું જેમાં કોઈ ફરતો ભાગ જ નથી. અભિમન્યુએ તેનું નામ પોતાના ભાઈ વરદાનના નામ ઉપરથી રાખ્યું છે.
વરદાન જણાવે છે કે તેમની પાસે મોટો પડકાર રિસર્ચ ફંડનો હતો. તેમણે પોતાની બચતમાંથી ૩૦ હજાર રૂપિયા સંશોધન માટે વાપર્યા છે. વરદાન જણાવે છે કે તે એ સમયે એક રંગ બનાવતી કંપનીમાં કામ કરી રહ્યો હતો. પૈસા જેમ એકઠા થાય તેમ તે સંશોધન કાર્યમાં લગાવતો હતો. અભિમન્યુએ સતત પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ રાખ્યું હતું. વર્ષ ૨૦૧૭માં રાજ્ય સરકાર તરફથી અનુદાન પણ મળ્યું. તો થોડી રકમ તેમણે કુટુંબીજનો પાસેથી ઉધાર લીધી.
પ્રોડક્ટ વિશે વાત કરતાં વરદાન જણાવે છે કે તેમણે બનાવેલા મશીનની કિંમત ૫ાંચ હજાર રૂપિયા છે. મશીન તેના જીવનકાળમાં કુલ એક લાખ લિટર પાણી શુદ્ધ કરી શકે છે. ૧૦ વર્ષ સુધી તે ચાલશે. લિટરદીઠ ૮ પૈસાના દરે પાણી શુદ્ધ થશે.
બજારમાં ઉપલબ્ધ અન્ય આરઓ ઉત્પાદનોમાં એક લિટર પાણીનો ખર્ચ ૧૬ પૈસા આવે છે. ગુરુત્ત્વાકર્ષણ આધારિત બિન-ઈલેક્ટ્રિકલ વૉટર પ્યોરિફાયરમાં એક લિટર પાણીને શુદ્ધ કરવાનો ખર્ચ ૨૦ પૈસા આવે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા આરઓ મશીનની તુલના બજારમાં મળતાં અન્ય આઠ ઉત્પાદનો સાથે કરી તેમાં તેમનું ઈનોવેશન ભારતમાં સૌથી સસ્તુ પ્યોરિફાયર સાબિત થયું છે.
ગ્રામીણ વિસ્તારમાં તેમની પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ટન્સ કાર્બન ઉત્સર્જનથી પર્યાવરણને બચાવાશે. મોટા ભાગના ગ્રામીણ ભારતમાં પાણીના બૅક્ટેરિયા તથા સૂક્ષ્મ જંતુઓને મારવા માટે તેમ જ પાણીને પીવાલાયક બનાવવા માટે ઊકળતા પાણી ઉપર આધાર રાખવામાં આવે છે. આ હેતુ માટે લાકડાં બાળી ઉકાળેલા પાણીમાં લિટરદીઠ ૦.૫ કિલો કાર્બન ઉત્સર્જન થાય છે. બંને ભાઈઓનું કહેવું છે કે વૉટર પ્યોરિફાયરના ઉપયોગથી વાર્ષિક ૫-૮ ટન ઉત્સર્જનની બચત થશે, જે હવાને શુદ્ધ કરનારાં લગભગ ૩૦૦ પરિપક્વ વૃક્ષોની સેવા જ છે.