શરદ પવાર અંગે અભદ્ર ટિપ્પણી: અભિનેત્રીની અટકાયત

અટક: શરદ પવાર અંગે ફેસબુકમાં ટિપ્પણી કરવા બદલ મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેની અટક કરાઈ હતી. (અમય ખરાડે)
------
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના સંકલક અને એનસીપીસુપ્રીમો શરદ પવાર અંગે સોશ્યલ મીડિયા પર અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરનારી કવિતા મૂકનારી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેને શનિવારે અટકાયતમાં લેવામાં આવી હતી. મરાઠી અભિનેત્રી દ્વારા શુક્રવારે શેર કરવામાં આવેલી કવિતા વાસ્તવમાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવી હોવાનું કહેવાય છે. તેમાં ફક્ત અટક પવાર લખવામાં આવી છે અને ૮૦ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે એનસીપીસુપ્રીમો ૮૧ વર્ષના છે.
તેમાં એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ‘નરક તમારી રાહ જુએ છે’ અને ‘તમે બ્રાહ્મણોનો દ્વેષ કરો છો’ આ વાક્યો મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉંગ્રેસની સાથે સત્તામાં રહેલી એનસીપી સુપ્રીમો શરદ પવાર અંગે લખવામાં આવ્યા છે.
શનિવારે થાણેના કલવા પોલ્સ સ્ટેશનમાં કેતકી ચિતળે વિરુદ્ધ સ્વપ્નિલ નેટકે દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને તેને પગલે આ અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૦ (બદનક્ષી), ૫૦૧ (બદનક્ષીપુર્ણ જણાતા સાહિત્ય છાપવું અથવા પ્રસિદ્ધ કરવું, ૫૦૫ (૨) (સમાજના વિવિધ વર્ગો વચ્ચે દ્વેષ અથવા દુશ્મનાવટ ફેલાવી શકે એવું નિવેદન કે અફવા ફેલાવવી/પ્રસિદ્ધ કરવી) અને ૧૫૩એ (સમાજમાં દ્વેષભાવ ફેલાવવો) વગેરે હેઠળ કેતકી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પુણેમાં પણ એનસીપીએ પોલીસને અભિનેત્રી સામે કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર આપ્યો હતો.