પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહત્ત્વના સ્ટેશનોની સુરક્ષા વધારી
આરપીએફ, જીઆરપી દ્વારા એન્ટિ સબોટેજ અભિયાન હાથ ધરાયું

સતર્કતા: ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરક્ષાના ભાગરૂપે મુંબઈ જીઆરપી (મહારાષ્ટ્ર સરકાર રેલવે પોલીસ) તથા આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના સંયુક્ત ઉપક્રમ હેઠળ મહત્ત્વના સ્ટેશનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે ઉપક્રમ હેઠળ દાદર રેલવે સ્ટેશનમાં પોલીસના જવાનોની સાથે ડોગ સ્ક્વૉડ દ્વારા તપાસ કરતા જોવા મળ્યા હતા. (અમય ખરાડે)
--------
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરક્ષાના ભાગરૂપે અને રેલવેમાં કોઈ અણબનાવનું નિર્માણ થાય નહીં તેને ધ્યાનમાં રાખીને મુંબઈ સબર્બનના મહત્ત્વના તમામ સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જીઆરપી, સ્ટેટ પોલીસ, રિઝર્વ પોલીસને તાકીદના સંજોગોમાં સતર્ક રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને મુંબઈ રેલવેમાં આરપીએફ તથા જીઆરપીની આગેવાની હેઠળ પાંચ દિવસથી એન્ટિ સબોટેજ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ચર્ચગેટથી વિરારના તમામ મહત્ત્વના સ્ટેશન પર વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૪૦થી વધુ સ્ટેશનનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જ્યારે લાંબા અંતરની રાજધાની સહિત અન્ય મેલ-એક્સપ્રેસ ટ્રેનોના કોચમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહત્ત્વના સ્ટેશનોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ વધાર્યું છે. આરપીએફના કોન્સ્ટેબલ સહિત સિનિયર ઈન્સ્પેક્ટર તથા અન્ય પોલીસ ફોર્સને તહેનાત કર્યા છે. ડોગ સ્ક્વોડ દ્વારા મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, અંધેરી, બોરીવલી વગેરે સ્ટેશનમાં નિયમિત રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંય સંદીગ્ધ વસ્તુ મળી નહોતી. આ ઉપરાંત, દરેક સ્ટેશને આરપીએફ-જીઆરપી દ્વારા નિયમિત રીતે એનાઉન્સમેન્ટ પણ કરાયું હતું. પ્રવાસીઓને પણ ક્યાંય કોઈ સંદીગ્ધ શખસ અથવા વસ્તુ જણાય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવાનો અનુરોધ કર્યો છે.
પશ્ર્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં સીએસએમટી, દાદર, કુર્લા, થાણે સહિત કલ્યાણ-પનવેલ વગેરે સ્ટેશનોમાં વધારે પોલીસ ફોર્સને તહેનાત કરી છે, જ્યારે પેટ્રોલિંગ વધાર્યું હતું. સુરક્ષાના નિયમોમાં ક્યાંય બાંધછોડ રાખવામાં આવતી નથી, તેથી નિયમિત રીતે સ્ટેશનના પરિસરમાં ચેકિંગ કરાય છે, જ્યારે સંવેદનશીલ જગ્યામાં સીસીટીવી કેમેરા મારફત નજર રાખવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને છેલ્લા પાંચ દિવસથી જીઆરપી તથા આરપીએફની વિવિધ ટીમના સભ્યોની આગેવાનીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.