અમદાવાદમાં પોલીસકર્મીને બૂટલેગરે દોડાવી દોડાવીને માર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં થોડા દિવસોથી અસામાજિક પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે અસામાજિક તત્ત્વોને જાણે છૂટોદોર મળી ગયો હોય તેમ વધુ એક આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ખૂદ પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસની શું વાત કરવી? શહેરના નરોડાના મુઢિયા ગામમાં એક બુટલેગર જાહેર રોડ પર પોલીસને બીભત્સ ગાળો આપી દોડાવી દોડાવીને માર્યા હતા. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાને વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાંક વિસ્તાર મુઢિયા ગામમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. જે બાદ ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી આરોપીઓને શોધવા જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાંકવાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યા હતા. તેણે બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા સહિત કેટલાક લોકોએ પોલીસકર્મીને માર માર્યો હતો. લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો હોવાની માહિતી મળી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી જમીન પર પડી ગયો હતો છતાં તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. એટલું જ નહીં, પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને વાહન પર બેસતા સમયે પણ માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અનિલ અને ૧૫ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દીધી હતી.
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાન પર હુમલો થયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ટોળામાં સામેલ સ્થાનિક લોકોએ અશ્ર્લીલ ભાષાનો ઉપયોગ કરીને પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ પોલીસ જવાનને માર માર્યો હતો. પોલીસ જવાન નજીકમાં આવેલી એસીપીની ઓફિસમાં ટોળાથી બચવા પહોંચી ગયો હતો. જોકે ટોળાએ ટ્રાફિક પોલીસને ઢસડી ઢસડીને માર માર્યો હતો.