ગુજરાતમાં ધારાસભ્યોને ગ્રાન્ટ ન મળતા આરોગ્ય સેવાઓને અસર
મતવિસ્તારોમાં સુવિધા મળતી નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પહેલી અને બીજી લહેર દરમિયાન સ્થાનિક સ્તરે આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે વિધાનસભ્યો અને કોર્પોરેટર તેમ જ સાંસદોને મળતા વિકાસફંડનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રીજી લહેર આવી છે અને વધતા કેસ સાથે આરોગ્યની સેવાઓ વધારવી જરૂરી થઈ છે, પરંતુ રાજ્ય સરકાર વિધાનસભ્યોને મળતા ફંડમાં વિલંબ કરતી હોવાથી વિધાનસભ્યો જાહેર હોસ્પિટલો, ચેરિટેબલ ટ્રસ્ટ કે ખાસ કોરોના માટે ઊભા કરવામા આવેલા સેન્ટરોમાં આરોગ્ય સુવિધા ઊભી કરવા સાધનો આપી શકતા નથી. ગયા વર્ષે મે મહિનામાં રાજ્ય સરકારે તમામ વિધાનસભ્યોને પોતાને મળતું ફંડ આરોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં વાપરવા જણાવ્યું હતું.
મહિનાઓ થઈ ગયા, પરંતુ સરકારે ફંડ ન આપતા વિધાનસભ્યો હજુ સુધી કોન્ટ્રાક્ટરને પૈસા આપી શક્યા નથી. સમયસર પૈસા ન મળતા અમુક કામો અધવચ્ચે અટકી પણ પડ્યા છે.
એક તરફ સરકારે મોટી માગણી સરકારી હોસ્પિટલોમાં હજુ સુધી નવી ખાસ કોઈ સુવિધા વિકસાવી નથી. વિધાનસભ્યોએ એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર વગેરે ખરીદ્યા હતા, પરંતુ તેના પૈસા નવ મહિના બાદ પણ ચૂકવાયા નથી.
મોટા ભાગના વિધાનસભ્યોએ લગભગ રૂ. ૫૦ લાખ જેટલી રકમ જે તે હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર માટે આપી હતી, પરંતુ હજુ સુધી જોઈએ તેટલી એમ્બ્યુલન્સ કે વેન્ટિલેટર ખરીદાયા નથી.
એક અધિકારીના જણાવ્યા અનુસાર કોરોનાની મહામારી દરમિયાન વ્યવસ્થાઓ કરવામાં સરકારના નાણાં વપરાઈ ગયા છે, આથી ફંડ આપવામાં થોડો વિલંબ થયો છે.
---------
માધાપર ગામમાં બંધ ઘરના તાળા તૂટ્યા: ત્રણ લાખની ચોરીથી ચકચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં છેલ્લાં લાંબા સમયથી ઘરફોડ,લૂંટ જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે એશિયાના સૌથી ધનાઢ્ય ગામ તરીકે ઓળખાતા ભુજ નજીકના માધાપર ગામના નવાવાસ વિસ્તારમાંના પંકજ નગરમાં રહેતો યુવક પોતાના પરીવાર સાથે ત્રણ દિવસ માટે હબાય ખાતે રહેતા પિતાના ઘરે રોકાવા ગયો તે દરમ્યાન નિશાચરોએ યુવકના ઘરને નિશાન બનાવી સોના-ચાંદીના ૧.૬૬ લાખના દાગીના અને ૧.૩૦ લાખની રોકડની ચોરી કરી જતાં આ મામલે માધાપર પોલીસમથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
માધાપર નવાવાસમાં રહેતા વિઠ્ઠલભાઇ માવજીભાઇ કેરાસીયાએ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ગુરુવારે પોતાના પિતાના હબાય ગામ સ્થિત ઘરે પરીવાર સાથે રોકાવા ગયા હતા ત્યારબાદ પરત આવતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળતાં અંદર તપાસ દરમ્યાન સોનાનું મંગળસૂત્ર કિંમત ૯૦ હજાર, સોનાની બે વિંટી કિંમત ૩૦ હજાર, સોનાની માથાની ટિલડી કિંમત ૩૦ હજાર,સોનાનો પારો અને નાકનો હિરો કિંમત ૩ હજાર,ચાંદીની ઝાંઝરી કિંમત ૬ હજાર અને ચાંદીના પાટા કિંમત ૭ હજાર મળી કુલ ૧,૬૬,૦૦૦ રૂપિયાના દાગીના અને ૧,૩૦,૦૦૦ રૂપિયા રોકડ ચોરાઇ હોવાનું ધ્યાને આવ્યું
હતું.
માધાપર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.