ઘઉંની નિકાસ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ: બલ્ક વપરાશકારોમાં આંશિક રાહત

ઘઉંના વૈશ્વિક અગ્રણી નિકાસકાર દેશ રશિયા- યુક્રેન વચ્ચેની કટોકટી પશ્ચાત ઘઉંના વૈશ્વિક ભાવમાં અંદાજે ૪૦ ટકાનો ઉછાળો આવતા ભારતમાંથી ઘઉંની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે અને નિકાસ વધતા સ્થાનિકમાં ઘઉંના ભાવ વધી આવતા બલ્ક વપરાશકારો ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે ગઈકાલે સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને ઘઉંની નિકાસ પર તાત્કાલિક ધોરણે અમલી બને તેમ પ્રતિબંધ મૂક્યો છે.
જોકે અન્ય દેશોની અરજીને ધ્યાનમાં લઈ પાછી ન ખેચી શકાય તેવી એલસી અર્થાત્ લેટર ઓફ ક્રેડિટ સાથે સરકાર ઘઉંની નિકાસ મંજૂર કરશે એમ નોટીફિકેશનમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ અત્યાર સુધીમાં ઘઉંના વૈશ્વિક ભાવ ૪૦ ટકા જેટલા વધી આવતા દેશની ઘઉંની નિકાસ પણ વધી હતી અને સ્થાનિક બજારોમાં પણ ભાવ વધી આવતા ફ્લોર મિલો સહિત બલ્ક વપરાશકારોની ચિંતામાં વધારો થતાં તેઓ તરફથી નિકાસ પ્રતિબંધ અંગે સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર આ વર્ષે પંજાબ અને હરિયાણામાં ઘઉંની ઉપજ ઓછી રહેતા દેશમાં ઘઉંનું ઉત્પાદન પણ ગત સાલ કરતા ઓછું રહે તેમ હોવાથી ભાવ વધારો તીવ્ર બન્યો હતો.