આનંદ મહિન્દ્રાએ 1 રૂપિયામાં ઈડલી ખવડાવનાર અમ્માને ભેટમાં આપ્યું ઘર

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા તેમના સામાજિક કાર્યો માટે જાણીતા છે. તેઓ ઘણી વખત લોકોની મદદ કરતા જોવા મળે છે. આ વખતે તેમણે તમિલનાડુની 'ઇડલી અમ્મા' તરીકે ઓળખાતી મહિલાને ઘર ભેટ આપવાનું વચન પૂરું કર્યું. આ વચન તેમણે મધર્સ ડે નિમિત્તે નિભાવ્યું હતું.
ઈડલી અમ્મા પણ ઘર મેળવીને ખૂબ ખુશ છે. ઈડલી અમ્મા તમિલનાડુમાં પેરુ નજીક વાડીવેલાંપલયમ નામના ગામમાં રહે છે. તેમની ઈડલી માત્ર 1 રૂપિયામાં વેચાય છે. ઈડલી અમ્મા છેલ્લા 37 વર્ષથી ઈડલી વેચે છે. પહેલા તે 25 પૈસામાં ઈડલી વેચતી હતી અને હવે તે માત્ર 1 રૂપિયામાં ઈડલી વેચે છે. 2019 માં, કોરોના કાળમાં તે ખૂબ જ લોકપ્રિય બની હતી કારણ કે અમ્માએ ઘણા પ્રવાસી મજૂરોને આપદાના સમયમાં ઇડલી ખવડાવી હતી.
આનંદ મહિન્દ્રાની કંપનીએ ઈડલી અમ્માના નામે 300 ચોરસ ફૂટ જમીન ખરીદી હતી. ત્યાર બાદ કંપનીએ 12 લાખ રૂપિયા ખર્ચીને ઘર બનાવ્યું. ઈડલી અમ્માના ઘરમાં ડાઈનિંગ હોલ, બેડરૂમ અને સિંગલ બેડરૂમ છે. એક મીટિંગ હોલ પણ છે. સુરક્ષા માટે લોખંડનો મોટો દરવાજો લગાવવામાં આવ્યો છે. ઈડલી અમ્માએ પીળી રિબન કાપીને તેમના ઘરનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ ઘરમાં પ્રવેશ કર્યો હતો. અમ્મા આ મહિનાના અંત સુધીમાં તેના ઘરે શિફ્ટ થઈ જશે.