પવિત્ર માસનો પયગામ: આપત્તિનું દોષારોપણ અન્યો પર કરવું ઉચિત નથી
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
જે મહિનામાં પવિત્ર કુરાન નાઝીલ (આકાશમાંથી ધરતી પર) કરવામાં આવ્યું તે રમઝાન માસના પવિત્ર દિવસોમાંથી મુસ્લિમ પ્રજા પસાર થઈ રહી છે ત્યારે આ બરકતવંતા મહિનાની મહત્તા જાણવી પ્રાસંગિક થઈ પડશે:
* રમઝાન હિજરી વર્ષનો ૯મો માસ છે.
* આ માસ દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યંત પુખ્તવયના (યુવતી ૧૨ અને યુવક ૧૪ વર્ષનો) નકોરણા રોજા (ઉપવાસ) રાખવા ઈસ્લામનું કથન છે.
* રોજા માટે અરબી ભાષામાં ‘સૌન’ શબ્દ છે જેનો સરળ અર્થ અંકુશ થાય છે.
* આકાંક્ષા અને તૃષ્ણા પર નિયંત્રણ અર્થાત્ મૂળભૂત આવશ્યકતાઓ સહિત સઘળી બાબતોથી વિમૂખ થઈ અલ્લાહમય થઈ જવું રોજાનો મુખ્ય આશય છે.
* એકાગ્રતા અને સર્વાપણથી કુરાનનું અધ્યનન કરવું, તેને સમજવું અને જીવન પ્રવાહમાં સમાવી લેવું, આ મહાન અભ્યાસ છે. મોમિન બંદાઓ દુન્યવી પ્રવૃત્તિઓ ઓછી કરી દિવ્યગ્રંથના અભ્યાસમાં મગ્ન રહે તો ઘણો લાભ થાય તેમ છે.
બાહ્ય સ્વરૂપે રમઝાન ધાર્મિક ક્રિયાકાંડનો માસ છે, પરંતુ આંતરિક સ્વરૂપે તે અલ્લાહ સમીપ સર કરવાનો અવસર છે. કુરાન પાકના ઉપદેશોના સંદર્ભમાં આત્મમંથનનો આ માસ છે. વ્યક્તિ તેના અભ્યાસમાં પ્રગતિ કરે છે તેમ તે તેનાથી પ્રોત્સાહિત થઈ તેની પ્રેરણાના પ્રકાશથી સાચા જીવનની સચ્ચાઈથી પ્રભાવિત થતો જાય છે. કર્મોનું વિશ્ર્લેષણ કરવામાં સહાય કરે છે. ભૂતકાળની ભૂલોની સમીક્ષા કરી ઉજ્જવળ ભવિષ્યની યોજના કરી શકે છે. દિવ્યગ્રંથનો અભ્યાસ આગળ વધતા એક આયત (શ્ર્લોક) પ્રત્યે ધ્યાન દોરાય છે, જે નરી વાસ્તવિકતાનું ભાન કરાવે છે. તે કહે છે, ‘તમારા પર જે સંકટો આવ્યા તે તમારા કુકર્મોનું પરિણામ છે.’ (૪૨:૩૦) આનો અર્થ એ થયો કે આપણા ભાગ્યવિધાતા આપણે જ છીએ. આપણી આપત્તિનું દોષારોપણ અન્યો પર કરવું ઉચિત નથી.
પવિત્ર કુરાન કહે છે, ‘અલ્લાહ તે સમુદાયની પરિસ્થિતિ પરિવર્તિત કરતો નથી કે જે પોતે જ પોતાની વૃત્તિ-અભિગમ બદલતો નથી (૧૩:૧૧).
ઈસ્લામ સર્વસંપન્ન સમાજ ઈચ્છે છે. જીવન પર વ્યાપક દૃષ્ટિપાત કરી તેની નબળાઈઓ દૂર કરવી પડશે. સ્વચ્છ ચરિત્ર વિકસાવવું પડશે. સુખ-શાંતિ માટે અલ્લાહની આ પૂર્વશર્તો છે. આત્મવિશ્ર્વાસ અને આત્મબળ માટે બહાર ભટકવાની જરૂર નથી. અલ્લાહે આ શક્તિઓ તેના બંદામાં વિપુલ પ્રમાણમાં ભરી છે.
પવિત્ર કુરાન આકાશી દિવ્યગ્રંથ છે તેનું અવતરણ અલ્લાહના અંતિમ સંદેશવાહક હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસ્સલમ્ના માધ્યમથી થયું. હવા, પાણી, પ્રકાશ, અંધકાર વગેરે માનવજાતની સંયુક્ત ભૌતિક સંપત્તિ છે. તે જ પ્રમાણે કુરાન શરીફ માનવજાતની સંયુક્ત આધ્યાત્મિક સંપત્તિ છે. તે અન્યો માટે સ્વૈચ્છિક અને મુસ્લિમો માટે બંધનકર્તા છે.
- આબિદ લાખાણી
* * * *
તન સાથે મનની સફાઈનો અવસર
પવિત્ર રમઝાન મહિનાની ૨૭મી રાતને લયલતુફ કદ્ર (અત્યંત બરતવાળી અને મૂલ્યવાન રાત્રિ) કહેવામાં આવે છે. મહાનતા, સન્માન અને વૈભવની આ રાત એક હજાર મહિનાઓથી પણ બહેતર (સર્વશ્રેષ્ઠ) છે, ઉત્તમ છે.
કુરાન મજીદમાં સૂરહ અલ-કદ્ર નામની એક સંપૂર્ણ સૂરહ (પ્રકરણ) છે, તે આ રાતનો ઉલ્લેખ એવી રીતે કરે છે કે, ‘... તમને શું ખબર છે કે લયલતુલ કદ્ર શું છે...? તે પછી જણાવે છે કે, ‘તે એક હજાર મહિનાઓથી પણ સર્વોત્તમ છે...!’ આપણે એ હકીકત પર ધ્યાન દેવું જોઈએ કે તે ફક્ત એક હજાર મહિનાઓ નથી, પણ એક હજાર મહિનાઓથી ‘બેહતર’ છે. જયારે રબ્બ કહે છે કે ‘બેહતર’ તો આપણે કલ્પના પણ કરી શકતા નથી કે ‘કેટલું બેહતર...!?’ તો પછી કેમ આપણે આ રાત્રિનો પૂરો લાભ ન લઈએ?
તેવી જ રીતે, આ સૂરહમાં જણાવવામાં આવે છે કે, ખરેખર, કુરાનને અમે લયલતુલ કદ્રની રાતમાં નાઝીલ કર્યું છે.’ આ તે રાત છે કે જેમાં કુરાનને સૌથી નીચલા આકાશ પર ઉતારવામાં આવ્યું હતું.
આ રાતને ‘શબેકદ્ર’ (મૂલ્યવાન રાત) પણ કહેવામાં આવે છે. ધર્મના જાણકારો, અભ્યાસી આલિમોના કહેવા પ્રમાણે આ રાત રમઝાન માસની છેલ્લી ૧૦ રાતોમાં એકી (ઓડ્ડ) રાતોમાં આવે છે અને ખાસ કરીને ૨૭મી રાતના આવતી હોવાની દૃઢ માન્યતા છે. આ એક જ રાતની ઈબાદત એક હજાર મહિનાઓની ઈબાદત (પ્રાર્થના, સ્તૂતિ) કરતાં પણ અધિક હોવાનું કુરાન મજીદમાં ફરમાવવામાં આવે છે. ‘અલ ઈસ્લાહ’